ન્યૂઝ ડેસ્ક: ગ્રાહકનાં હિતોનું રક્ષણ કરવા માટે ઘડાયેલો ગ્રાહક સુરક્ષા કાયદો ઉત્પાદનની ઉતરતી ગુણવત્તા, વેપારની અનૈતિક પદ્ધતિઓ અને ભ્રામક જાહેરાતો નાબૂદ કરવાના ધ્યેયને હાંસલ કરવામાં નિષ્ફળ ગયો છે. વર્ષ 1986ના જૂના કાયદાને બદલે ગયા વર્ષે જુલાઈમાં નવો ગ્રાહક સુરક્ષા કાયદો અમલમાં આવ્યો. એવી અપેક્ષા સેવાતી હતી કે નવો કાયદો અમલમાં આવશે કે તરત જ ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ કરતી ફોરમો વિવિધ સ્તરે કાર્યરત બનશે અને ભેળસેળયુક્ત અને બનાવટી ચીજવસ્તુઓ માટે રૂા. એક લાખનો દંડ તેમજ છ મહિના સુધીની જેલની સજા કરાશે. સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજી દાખલ કરાઈ કે કાયદાના અમલ માટે તેના જણાવાયેલા ધ્યેયો કરતાં વાસ્તવિકતા ભિન્ન છે. તેમાં એમ પણ જણાવાયું કે રાજ્ય અને જિલ્લા સ્તરે ગ્રાહક ફોરમોમાં અનેક પદ ખાલી પડ્યા છે અને ભરતી કરવામાં આવી નથી.
વડા પ્રધાન મોદીએ રાજ્યોને ગ્રાહક ફોરમોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે તાત્કાલિક ભરતી પ્રક્રિયા હાથ ધરવા જણાવ્યું. અગાઉના ગ્રાહક કાયદામાં ગ્રાહકની ફરિયાદ સામે ફોરમના ધ્યાન ઉપર આવે, તે પછી ત્રણ મહિનાની અંદર ફરિયાદનું નિવારણ થવું ફરજિયાત હતું. હકીકતમાં, કેસો ઉકેલાતા બેથી ત્રણ વર્ષ થાય છે. જાહેર હિતની અરજીમાં અરજદારે જિલ્લા અને રાજ્યની ફોરમોમાં ખાલી જગ્યાઓની તમામ વિગતો જાહેર કરી હતી. કર્ણાટકમાં ગ્રાહક વિવાદના કેસો ઉકેલાતા સાત વર્ષ લાગતા હતા. નવેમ્બર, 2020 સુધીમાં એકત્ર કરેલી માહિતી અનુસાર ફક્ત નેશનલ કન્ઝ્યુમર ફોરમમાં જ 21,000થી વધુ વણઉકેલાયેલા કેસો હતા. ખાલી જગ્યાઓ ઉપર ભરતી થઈ ન હોવાથી 1.25 લાખ કેસો રાજ્ય સ્તરની ફોરમો પાસે પેન્ડિંગ છે અને તેનાથી ત્રણ ગણા કેસો જિલ્લા ફોરમો પાસે પેન્ડિંગ છે. આ બાબત સ્પષ્ટ જણાવે છે કે આપણી સરકારો ગ્રાહક વિવાદો ઉકેલવા માટે કેટલી ગંભીર છે.
ઔદ્યોગિકરણ ધરાવતા દેશોમાં ગ્રાહક અધિકારો પ્રત્યેની જાગૃતિ છથી સાત દાયકા પહેલા વિકસી ચૂકી છે. યુનાઈટે નેશન્સે 1985માં વિશ્વભરમાં ગ્રાહક જાગૃતિ ફેલાવવા માટે એક ખાસ ઠરાવ પસાર કર્યો હતો. તેના બીજા વર્ષ, એટલે કે 1986માં ભારતમાં ગ્રાહક સુરક્ષા કાયદો અમલી બન્યો. જોકે, આ કાયદો ગ્રાહક અધિકારોના અમલ ઉપર દેખરેખની વ્યવસ્થા ઊભી કરવામાં નિષ્ફળ ગયો. નવો કાયદો 2019માં અમલી બન્યો, જે ગ્રાહક સુરક્ષા અધિકારના સર્જન માટે લાવવામાં આવ્યો. પરંતુ આ કાયદો ફોરમોમાં વિવિધ સ્તરે ખાલી પદોને કારણે બિનઅસરકારક બની રહ્યો છે.
ચાર વર્ષ અગાઉ, સર્વોચ્ચ અદાલતે ઉત્તર પ્રદેશમાં જિલ્લા ગ્રાહક ફોરમોમાં કરાયેલી રાજકીય નિયુક્તિઓની આકરી ટીકા કરી હતી. અદાલતે દેશભરમાં પ્રવર્તમાન સ્થિતિની તપાસ કરવા માટે જસ્ટિસ પસાયત કમિટીની નિયુક્તિ પણ કરી હતી. સર્વોચ્ચે અદાલતે ફોરમોમાં રાજકીય નિયુક્તિઓનો આકરો વિરોધ કર્યો હતો. તેણે હરિયાણા જેવાં રાજ્યોમાં ફોરમોમાં જૂથવાદ હોવાનું પણ નોંધ્યું હતું. અદાલતે તમામ રાજ્યોમાં સવલતોનો અભાવ હોવા બાબતે ખેદ વ્યક્ત કર્યો હતો. અનેક સ્થળોએ ગ્રાહક ફરિયાદને લગતી ફાઈલો ઉધઈ ખાઈ જાય તેવું પણ બની રહ્યું છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતમાં ગ્રાહક સુરક્ષા અભિયાન કેટલું નબળું છે.
હાલનો ગ્રાહક સુરક્ષા કાયદો અસરકારક રીતે અમલમાં લાવવો હોય તો જગ્યા ખાલી થાય, તેના ઓછામાં ઓછા છ મહિના પહેલા ભરતીની પ્રક્રિયા ચાલુ કરી દેવી આવશ્યક છે. પસંદગી કરતી પેનલ નિયુક્ત કરવા માટેની પ્રક્રિયા નક્કી કરી છે. તેલંગાણા, ઓડિશા અને દિલ્હીની વડી અદાલતોએ જિલ્લા ગ્રાહક ફોરમોમાં ભરતીની પ્રક્રિયા પૂરી કરવાની જરૂર હોવા બાબતે જે - તે રાજ્ય સરકારોને નોટિસો પાઠવી છે. પરંતુ સંબંધિત સરકારો તરફથી આ સંબંધે કોઈ પ્રતિક્રિયા નથી. વિશ્વભરમાં ઘણા દેશો ગ્રાહક અધિકારોને રક્ષણ આપતા સુધારા કરવા માટે આતુર છે. આશ્ચર્યની વાત છે કે ભારતમાં અદાલતની દરમ્યાનગીરી થવા છતાં પણ ગ્રાહક ફોરમોની ભરતીઓ થતી નથી.