હૈદરાબાદ:કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળના શાસન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે BRSના તમામ 'મોટા' નેતાઓ ફાર્મ હાઉસમાં બેસીને ત્યાંથી સરકાર ચલાવે છે. પ્રિયંકાએ કહ્યું કે, BRSના શાસનમાં ગરીબો વધુ ગરીબ થઈ રહ્યા છે, જ્યારે શાસક પક્ષ વધુ અમીર થઈ રહ્યો છે.
કોંગ્રેસને મત આપવા કરી અપીલ: હૈદરાબાદના મુખ્ય શહેરથી લગભગ 50 કિલોમીટર દૂર આવેલા ભોંગિરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે આરોપ લગાવ્યો કે જો BRS ફરીથી સત્તામાં આવશે, તો સરકાર 'ફાર્મહાઉસ'થી ચાલશે અને જમીન-દારૂ માફિયા રાજ્ય પર રાજ કરશે. તેમણે કહ્યું કે તમારા માટે રોજગારની કોઈ તક ઉપલબ્ધ રહેશે નહીં. 30 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે લોકોને કોંગ્રેસને મત આપવા અપીલ કરતાં તેમણે પાર્ટી દ્વારા જાહેર કરાયેલી 'છ ગેરંટી'નો ઉલ્લેખ કર્યો.
પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'તેલંગાણાના મોટા નેતાઓ તેમની હવેલીઓ અને ફાર્મહાઉસમાં બેસીને સરકાર ચલાવી રહ્યા છે... તેના તમામ (BRS) નેતાઓ મોટી હવેલીઓમાં બેઠા છે. તેમની તમામ નીતિઓ માત્ર મોટા ઉદ્યોગપતિઓ માટે છે. નાના વેપારીઓ, મધ્યમ વર્ગ, ગરીબ, દલિત અને આદિવાસીઓ માટે તેમની પાસે કંઈ નથી.
ભાજપ અને બીઆરએસની નીતિ વિશે કહ્યું: તેમણે કહ્યું કે 'તેલંગાણાના ગરીબ વધુ ગરીબ બની રહ્યા છે અને BRS પાર્ટી અમીર બની રહી છે.' કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે ભાજપ હોય કે બીઆરએસ, તેમની નીતિ માત્ર સત્તામાં રહેવાની અને અમીર બનવાની છે. તેમણે કહ્યું કે સંબંધિત પક્ષના નેતાઓ પણ અમીર બની જાય છે.