- ભાજપ નેતા પી.મુરલીધર રાવે આપ્યું વિવાદાસ્પદ નિવેદન
- બ્રાહ્મણ અને વાણિયા તેમના ખિસ્સામાં હોવાનું જણાવ્યું
- કોંગ્રેસે કરી માફીની માગ
ભોપાલ: ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ (BJP general secretary) પી.મુરલીધર રાવે (P. Muralidhar Rao) સોમવારે તેમના નિવેદન સાથે વિવાદ ઉભો કર્યો કે, બ્રાહ્મણો અને વાણિયા સમુદાયના સભ્યો તેમના "ખિસ્સામાં" છે. તેમના કથિત નિવેદન પછી મધ્યપ્રદેશમાં પાર્ટીના પ્રભારી રાવ, વિપક્ષ કોંગ્રેસના નિશાના પર આવ્યા છે. કોંગ્રેસે ભાજપ પાસેથી માફીની માગ કરી હતી, જ્યારે રાવે બાદમાં દાવો કર્યો હતો કે વિપક્ષી પાર્ટીએ તેમના નિવેદનને ખોટી રીતે જાહેર કર્યું છે.
ભાજપ અને તેની સરકારો SC અને STની પાયાની જરૂરિયાતો પર ધ્યાન આપે છે: પી.મુરલીધર રાવ
ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ (Press conference) ને સંબોધતા રાવે કહ્યું કે, ભાજપ અને તેની સરકારો SC અને STને વોટ બેંક તરીકે જોતી નથી પરંતુ તેમની પાયાની જરૂરિયાતો જેમ કે પછાતપણું, રોજગાર અને શિક્ષણને સંબોધવા પર વિશેષ ધ્યાન આપી રહી છે. આ પછી પત્રકારોએ રાવને પૂછ્યું કે, ભાજપ વિશે એક સામાન્ય ધારણા છે કે તે બ્રાહ્મણો અને વાણિયાઓનો રાજકીય પક્ષ છે અને હવે તે ST/SC વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી રહી છે. ભાજપનું સૂત્ર છે 'સબકા સાથ, સબકા વિકાસ'.
ભાજપ સમાજના તમામ વર્ગોનો વિશ્વાસ મેળવવા માટે કામ કરી રહી છે: પી.મુરલીધર રાવ
રાવે પોતાના કુર્તાના ખિસ્સા તરફ ઈશારો કરીને કહ્યું કે, બ્રાહ્મણો અને વાણિયા મારા ખિસ્સામાં છે. તમે (મીડિયાના લોકો) અમને બ્રાહ્મણ અને વાણિયાની પાર્ટી કહેતા હતા, જ્યારે મોટાભાગના કાર્યકરો અને વોટ બેંક આ વર્ગના હતા.' રાવે કહ્યું કે ભાજપ સમાજના તમામ વર્ગોનો વિશ્વાસ મેળવવા માટે કામ કરી રહી છે. "જ્યારે અમુક વર્ગના લોકોની સંખ્યા વધુ હતી, ત્યારે લોકો કહેતા હતા કે પાર્ટી તેમની છે. અમે અમારી પાર્ટીમાં SC/ST વર્ગના વધુ લોકોને ઉમેરવાનું કામ કરી રહ્યા છીએ. કારણ કે તેમનું પ્રતિનિધિત્વ ઓછું છે. અમે બધા સુધી પહોંચી રહ્યા છીએ અને ભાજપને તમામ વર્ગોની પાર્ટી બનાવી રહ્યા છીએ. રાવે કહ્યું કે, ભાજપ બ્રાહ્મણો અને વાણિયાઓ સહિત કોઈપણ વિભાગને છોડી રહી નથી પરંતુ માત્ર તે જ લોકોને સામેલ કરી રહી છે, જેઓ અગાઉ ખરા અર્થમાં બહાર રહી ગયા હતા.