- જમ્મુ અને કાશ્મીરના એયર ફોર્સ સ્ટેશન પર બ્લાસ્ટ
- 5 મિનિટના અંતરે એયર ફોર્સ સ્ટેશન થયા 2 બ્લાસ્ટ
- સદનસીબે બલાસ્ટમાં કોઈ જાનહાનીના સમાચાર નહિ
જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરના એયર ફોર્સ સ્ટેશન (Jammu air force station Blast) પર મોડી રાતે બ્લાસ્ટનો અવાજ સંભાળાતા અફરાતફરી મચી હતી. મળેલી માહિતી મુજબ બ્લાસ્ટનો અવાજ મોડી રાતે 1:50 મિનિટે સંભળાયો હતો. જો કે મોડી રાત્રે થયેલા આ વિસ્ફોટમાં કોઈ ઈજાગ્રસ્ત કે જાનહાનિના સમાચાર નથી. સાવચેતીના રૂપે પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ટૂંક સમયમાં NIAની ટીમ પણ એરફોર્સ સ્ટેશન પહોંચી તપાસ શરુ કરી.
5 મિનિટના તફાવત સાથે થયા 2 વિસ્ફોટ
સમાચાર એજન્સી અનુસાર, જમ્મુ એરપોર્ટ પર સ્થિત એરફોર્સ સ્ટેશનમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. આ વિસ્તાર ઉચ્ચ સુરક્ષા હેઠળ આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 5 મિનિટના તફાવત સાથે ત્યાં બે વિસ્ફોટ થયા હતા. ત્યારે એરફોર્સનું કહેવું છે કે, પ્રથમ વિસ્ફોટ એક બિલ્ડિંગની છત પર થયો હતો અને બીજો બ્લાસ્ટ જમીન પર થયો હતો. બ્લાસ્ટમાં માત્ર છતને નુકસાન થયું છે. વધારે કોઈ નુકસાન થયું નથી.
બ્લાસ્ટ અંગે ભારતીય વાયુસેનાએ કર્યું ટ્વીટ
બ્લાસ્ટ અંગે ભારતીય વાયુસેના (indian Air force) એ પણ ટ્વીટ કર્યું હતું કે, તેમાં કોઈ જાનહાની થઈ નથી. વાયુસેનાએ ટ્વીટ કર્યું છે કે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર બે ઓછી-તીવ્રતાના વિસ્ફોટ થયા છે. વિસ્ફોટમાં બિલ્ડિંગની છતને નુકસાન થયું હતું. બીજો બ્લાસ્ટ જમીન પર થયો હતો, પરંતુ તેને કોઈ નુકસાન થયું નહીં.
વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારને સીલ કર્યો
વિસ્ફોટની જાણ થતાં તુરંત જ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. પોલીસ, ફોરેન્સિક ટીમ અને વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. બોમ્બ ડિસ્પોઝેબલની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે. હાલ તપાસ ચાલુ છે.