- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શુક્રવારે આસામના પ્રવાસે
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ 3 ચૂંટણી રેલી સંબોધશે
- પાટાચારકુરી, બોકો ગાંધી મેદાન, ચાંદમારીમાં રેલીનું આયોજન
ગુવાહાટીઃ આસામ વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું 77.21 ટકા મતદાન ગુરુવારે થયું હતું. હવે ત્રીજા તબક્કા પર સૌની નજર છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા શુક્રવારે આસામ પહોંચશે. અહીં તેઓ 3 ચૂંટણી રેલીને સંબોધન કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પાટાચારકુરી, બોકો ગાંધી મેદાન અને ચાંદમારીમાં આ રેલીને સંબોધિત કરશે.
આ પણ વાંચોઃઆસામ વિધાનસભા ચૂંટણી : કેન્દ્રીય પ્રધાન અમિત શાહે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
પહેલા તબક્કામાં બીજા તબક્કા કરતા વધુ મતદાન થયું
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, 39 બેઠક પર થયેલા મતદાન દરમિયાન કોઈ પણ પ્રકારની હિંસા કે તોફાનના કોઈ સમાચાર નથી મળ્યા. જ્યારે રાજ્યમાં બીજા તબક્કાની ચૂંટણી પૂર્ણ થતા 5 મંત્રીઓ સહિત 345 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ગયું છે. બીજા તબક્કામાં 13 જિલ્લામાં 10,592 મતદાન કેન્દ્ર પર મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આસામ વિધાનસભામાં કુલ 126 બેઠક છે, જેમાંથી 47 બેઠક પર 27 માર્ચે 79.97 ટકા મતદાન થયું હતું. જ્યારે 39 બેઠક પર બીજા તબક્કાનું 77.21 ટકા મતદાન થયું હતું.