કોલકાતા : ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીની સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. મંગળવારે નબાન્ના ચલો અભિયાન (Nabanna Chalo Campaign) દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. અહીં પોલીસની જવાબી કાર્યવાહીમાં ભાજપના અનેક મોટા નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
શું છે નબાન્ના ચલો અભિયાન :ભાજપ શાસક તૃણમૂલ કોંગ્રેસ સરકારની ભ્રષ્ટ પ્રવૃત્તિઓનો વિરોધ કરી રહી છે. એવું જાણવા મળે છે કે, પોલીસે તેમને વિરોધ કરવાની મંજૂરી આપી ન હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદારે કહ્યું કે, રાજ્ય પોલીસ TMC કેડરની જેમ વર્તે છે. સાથે જ તેમણે માહિતી આપી હતી કે, તેમને સચિવાલય સુધી કૂચ કરવાની પરવાનગી આપવામાં આવી નથી. મંગળવારે ચાલી રહેલા વિરોધ દરમિયાન પોલીસે ભાજપના નેતા અને ધારાસભ્ય શુભેંદુ અધિકારીને કસ્ટડીમાં લીધા છે. આ સિવાય રાહુલ સિન્હા અને સાંસદ લોકેટ ચેટરજીને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અહેવાલ છે કે, આ નેતાઓને લાલબજાર સ્થિત કોલકાતા પોલીસ હેડક્વાર્ટરમાં લઈ જવામાં આવ્યા છે.
અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી :રાજધાની કોલકાતામાં નબાન્ના એટલે કે, રાજ્ય સચિવાલય અભિયાનમાં ભાગ લેવા જઈ રહેલા બીજેપી કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે બિજ રાણીગંજમાં ઘર્ષણ થયું હતું. આ જ દૃશ્ય બાદમાં બોલપુર રેલવે સ્ટેશન પર પણ જોવા મળ્યું હતું. પોલીસ ભાજપના સભ્યોને નબાન્ના ચલો માર્ચમાં જતા રોકવાનો પ્રયાસ કરી રહી હોવાના અહેવાલ છે. આ દરમિયાન અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. બીજેપી નેતા અભિજિત દત્તાએ કહ્યું કે, 'ભાજપની નબાન્ના માર્ચમાં સામેલ થવા માટે ભાજપના સેંકડો કાર્યકરો ટ્રેન દ્વારા કોલકાતા તરફ કૂચ કરી રહ્યા છે. પોલીસે રેલ્વે સ્ટેશનો તરફ જવાના માર્ગો પર બેરીકેટ લગાવી દીધા છે. દુર્ગાપુર રેલ્વે સ્ટેશન પાસે અમારા 20 કાર્યકરોને રોકવામાં આવ્યા હતા. હું અન્ય માર્ગો દ્વારા અહીં પહોંચ્યો છું.
કોલકાતામાં પણ પોલીસ કડક :કોલકાતામાં પણ માર્ચને રોકવા માટે પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી હોવાના અહેવાલ છે. કોલકાતાની સરહદોને કોર્ડન કરી દેવામાં આવી છે. રાજધાની તરફ જતા રસ્તાઓ બેરિકેડ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે. રેલીને રોકવા માટે પોલીસે નબાન્નાની 5 કિમીની ત્રિજ્યાને છાવણીમાં ફેરવી દીધી છે.