મુંબઈ/નવી દિલ્હી:મહારાષ્ટ્રમાં રાજકીય સંકટને લઈને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Former Chief Minister Devendra Fadnavis) રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલને ફ્લોર ટેસ્ટ કરાવવાની માગ કરી છે. બીજી બાજુ, સૂત્રોનું કહેવું છે કે, 8 અપક્ષ ધારાસભ્યોએ મહારાષ્ટ્રના રાજ્યપાલના રજિસ્ટર્ડ ઈમેલ એડ્રેસ પર ઈમેલ મોકલીને તાત્કાલિક ફ્લોર ટેસ્ટની માગ કરી છે. આ પહેલા દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ વિશે માહિતી આપવા અને હાઈકમાન્ડ પાસેથી ભાવિ વ્યૂહરચના અંગે સૂચનાઓ લેવા દિલ્હીમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.
આ પણ વાંચો:ઠાકરે સરકારનો રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની કોઈ જ સમસ્યા ન હોવાનો દાવો
દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલને મળ્યા :દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલને મળ્યા બાદ કહ્યું કે 'અમે મહારાષ્ટ્રના રાજ્યપાલને એક પત્ર આપ્યો છે અને તેમને કહ્યું છે કે શિવસેનાના 39 ધારાસભ્યો કહી રહ્યા છે કે તેઓ NCP, કોંગ્રેસ સરકાર સાથે રહેવા માંગતા નથી. આ દર્શાવે છે કે MVA સરકારે બહુમતી ગુમાવી દીધી છે. અમે રાજ્યપાલને વિનંતી કરી છે કે તેઓ તરત જ મુખ્યમંત્રીને ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમત સાબિત કરવા નિર્દેશ આપે.