હૈદરાબાદ: તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે કે. ચંદ્રશેખર રાવ હવે પૂર્વ મુખ્યમંત્રી તરીકે ઓળખાશે. પરંતુ કેસીઆર આ ચૂંટણીમાં બે બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યા હતા, જેમાં કામરેડ્ડી મતવિસ્તાર વધુ ચર્ચામાં છે. તેનું કારણ એ છે કે અહીંથી કોંગ્રેસ પાર્ટી દ્વારા સંભવિત મુખ્યમંત્રી ઉમેદવાર અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ એ. રેવંત રેડ્ડી પણ લડી રહ્યા હતા.
પરંતુ આ બંને દિગ્ગજ નેતાઓ કામરેડ્ડી મતવિસ્તારમાં ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા. આ બેઠક પર ભાજપના વેંકટા રમના રેડ્ડી જાયન્ટ કિલર સાબિત થયા છે. તેમણે કે. ચંદ્રશેખર રાવને 5,156 મતોના માર્જિનથી હરાવ્યા હતા અને રેવન્ત રેડ્ડી ત્રીજા ક્રમે રહ્યા હતા. સવારથી મતગણતરી શરૂ થયા બાદ અનેક ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. શરૂઆતમાં ભાજપના ઉમેદવારે લીડ લીધી હતી.