- નવી રાષ્ટ્રીય કારોબારીમાં 80 સભ્યોને સ્થાન અપાયું
- મેનકા ગાંધી અને વરુણ ગાંધી નવી કારોબારીમાંથી બહાર
- રવિશંકર પ્રસાદ, પ્રકાશ જાવડેકર, હર્ષવર્ધનનાં નામ સામેલ કરાયા
નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીએ નવી રાષ્ટ્રીય કારોબારી(BJP National Executive)ની જાહેરાત કરી છે. જેમાં 80 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. મેનકા ગાંધી (Menaka Gandhi) અને વરુણ ગાંધી(Varun Gandhi)ને નવી કારોબારીમાંથી પડતા મૂકવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ લખીમપુર ખેરીમાં થયેલી હિંસા બાદ વરુણ સતત યોગી સરકાર પર પ્રહારો કરી રહ્યો છે.
કેન્દ્રીય કારોબારીમાં ગુજરાતનો દબદબો
ઉલ્લેખનીય છે કે, જ્યારે ગુજરાતમાં સરકારનો તખ્તો પલટ થયો ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.આર પાટીલે કહ્યું હતું કે, બન્ને નેતાઓને સંગઠનમાં મોટી જવાબદારી સોંપાશે. તે જ પ્રમાણે કામ થયું છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કારોબારીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા અને સાંસદ રમીલાબેન બારાનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત, ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ જેઓ તાજેતરમાં જ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા છે. તેમને પણ કેન્દ્રીય કારોબારીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આમ એક મહિનામાં જ ભુપેન્દ્ર પટેલનું રાજકીય કદ ખાસ્સું મોટું થઈ ચૂક્યું છે.
પાર્ટીએ 13 નેતાઓને ઉપપ્રમુખ પદ આપ્યું
તમામ મુખ્યપ્રધાનો, નાયબ મુખ્યપ્રધાનો, ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો, ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાનો, તમામ રાજ્ય પ્રમુખો, રાજ્યોના પ્રભારી અને સહ-પ્રભારીઓ, કેન્દ્રીય અધિકારીઓ, રાષ્ટ્રીય પ્રવક્તાઓ કારોબારી સમિતિમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને અભિનેતા મિથુન ચક્રવર્તીને કારોબારી સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. પાર્ટીએ 13 નેતાઓને ઉપપ્રમુખ પદ આપ્યું છે. જેમાં વસુંધરા રાજે, રઘુવર દાસ અને રમણ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે.