ગુજરાત

gujarat

ETV Bharat / bharat

એ રાતે ઘટી વિશ્વની સૌથી ભયાનક ઔદ્યોગિક દુર્ઘટના, ભોપાલ ગેસ દુર્ઘટનાની 39મી વરસીએ પણ ન્યાયના નામે મીંડુ - યુનિયન કાર્બાઈડ

આજે ભોપાલ ગેસ દુર્ઘટનાની 39મી વરસી છે. 1984માં ભોપાલમાં ગેસ લીકની ઘટના બની હતી. જેને વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટના ગણાવાઇ છે. 2 અને 3 ડિસેમ્બર 1984ની વચ્ચેની રાત્રે આ ગેસ લીક ​​થવાને કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યાં હતાં. વાંચો એ રાતની દર્દનાક કહાણી.

એ રાતે ઘટી વિશ્વની સૌથી ભયાનક ઔદ્યોગિક દુર્ઘટના, ભોપાલ ગેસ દુર્ઘટનાની 39મી વરસીએ પણ ન્યાયના નામે મીંડુ
એ રાતે ઘટી વિશ્વની સૌથી ભયાનક ઔદ્યોગિક દુર્ઘટના, ભોપાલ ગેસ દુર્ઘટનાની 39મી વરસીએ પણ ન્યાયના નામે મીંડુ

By ETV Bharat Gujarati Team

Published : Dec 2, 2023, 3:04 PM IST

ભોપાલ : આજે ભોપાલ ગેસ દુર્ઘટનાની 39મી વરસી છે. 1984માં ભારતમાં ગેસ લીકની ઘટના બની હતી, વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટનાનો સન્નાટો હજુપણ ઘણાંના માનસપટ પર છવાયેલો છે. આ ઘટના મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બની હતી.આજે 2 ડીસેમ્બર 2023ના દિવસે ભોપાલ ગેસ દુર્ઘટનાને 39 વર્ષ થઈ ગયા છે. 2 અને 3 ડિસેમ્બર, 1984ની વચ્ચેની રાત્રે આ ગેસ લીક ​​થવાને કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. આજે પણ તે કાળી રાતનો માર ગેસ પીડિતો ભોગવી રહ્યા છે.

39 વર્ષે પણ મામલો હજુ કોર્ટમાં પડતર :વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટના ગણાતી ભોપાલ ગેસ દુર્ઘટનાના ઘા 39 વર્ષ પછી પણ રૂઝાયા નથી. આ ગેસ દુર્ઘટનામાં હજારો લોકો મોતને ભેટ્યાં એની સાથે સાથે તેઓની પેઢીઓ પણ ગેસ લીકેજના કારણે દુષ્પરિણામ ભોગવી રહી છે. બાળકો અને તેમની પેઢીઓ હજુ પણ આ ઝેરી ગેસની અસર ભોગવી રહી છે. સરકારોએ રાહતના પગલાં લીધાં છે પરંતુ તે બિનઅસરકારક સાબિત થયા છે. જે જગ્યાએ ભયાનક ગેસ દુર્ઘટના બની હતી ત્યાં હજુ પણ ઝેરી કચરો પડી રહેલો છે. સરકારોના તમામ દાવાઓ છતાં આ ઝેરી કચરાને બાળી શકાયો નથી. ન્યાય અને રાહતની આશા રાખનારા હજારો લોકો દુનિયામાંથી વિદાય લઇ ગયાં છે. ત્યાં આજે પણ જવાબદારોને સજા કરવાનો મામલો હજુ કોર્ટમાં પડતર છે.

આ રીતે થયો હતો વિશ્વનો સૌથી મોટો ઔદ્યોગિક અકસ્માત : વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટના ભોપાલ ગેસ દુર્ઘટનામાં 15,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતાં. આ અકસ્માત 2જી અને 3જી ડિસેમ્બર 1984ની રાત્રે થયો હતો. આ અકસ્માતને કારણે શહેર મૃતદેહોથી ભરાઇ ગયું હતું. જે કંપનીમાં આ દુરઘટના બની તે યુનિયન કાર્બાઈડ દ્વારા ભોપાલમાં 1969માં UCIL ફેક્ટરી બનાવવામાં આવી હતી. જેમાં મિથાઈલ આઈસોસાયનાઈડમાંથી જંતુનાશકનું ઉત્પાદન શરૂ થયું હતું. બાદમાં 1979માં મિથાઈલ આઈસોસાઈનાઈડના ઉત્પાદન માટે અહીં એક નવી ફેક્ટરી ખોલવામાં આવી હતી. પરંતુ જવાબદારોએ તેની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરી ન હતી અને તેનું દુષ્પરિણામ 2જી અને 3જી ડિસેમ્બરની રાત્રે આવ્યું હતું. ફેક્ટરીની ટાંકી નંબર A 610માં પાણી લીક થયું હતું. પાણીમાં મિથાઈલ આઈસોસાયનેટ ભળવાથી ટાંકીની અંદરનું તાપમાન વધી ગયું અને આ પછી સર્જાયેલો ઝેરી ગેસ વાતાવરણમાં ફેલાઈ ગયો. એવું કહેવાય છે કે લગભગ 45 મિનિટમાં લગભગ 30 મેટ્રિક ટન ગેસ લીક ​​થયો હતો. આ ગેસ આખા શહેરના વાતાવરણમાં ફેલાઈ ગયો અને જોતજોતામાં શહેરમાં મોતનો તાંડવ શરૂ થઈ ગયો. આ ગેસના સંપર્કમાં આવવાથી 15,000થી વધુ લોકો મૃત્યુ પામ્યાં હતાં. પરંતુ આ સિલસિલો અહીં અટક્યો ન હતો. અકસ્માતમાં બચી ગયેલા લોકો પણ આ ગેસની અસરથી બચી શક્યાં ન હતાં. તેઓની આવનારી પેઢીઓ સુધીના લોકો વિકલાંગતાના રૂપમાં આ ગેસ લીકેજનો ભોગ બન્યાં હતાં તેટલી દુર્દાન્ત આ ગેસની અસર જોવા મળી હતી.

કોઈ સત્તાવાર મૃત્યુઆંક નથી : જો કે આ ઝેરી ગેસની અસરથી મૃત્યુ પામેલા લોકોનો સત્તાવાર આંકડો હજુ સુધી ઉપલબ્ધ નથી, પરંતુ વિવિધ સ્ત્રોતોમાંથી જુદા જુદા મંતવ્યો હોવાને કારણે તેમાં ભિન્નતા જોવા મળી રહી છે. અગાઉ સત્તાવાર મૃત્યુઆંક 2259 હોવાનું કહેવાતું હતું, જો કે તત્કાલીન મધ્યપ્રદેશ સરકાર દ્વારા 3,787 લોકો ગેસના સંપર્કમાં આવ્યાં હોવાની પુષ્ટિ થઈ હતી. અન્ય અંદાજો સૂચવે છે કે 8,000 લોકો માત્ર બે અઠવાડિયામાં મૃત્યુ પામ્યાં હતાં, જ્યારે બાકીના 8,000 લોકો જેઓએ તે ઝેરી શ્વાસ લીધા હતાં તે સંબંધિત રોગોથી મૃત્યુ પામ્યાં હતાં.

39 વર્ષ પછી પણ ન્યાયની રાહ :વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટના ગણાતી ભોપાલ ગેસ દુર્ઘટનાના ઘા 39 વર્ષ પછી પણ જાણે તાજા જ છે. ઝેરી ગેસનો ભોગ બનેલા લોકો અને તેમની પેઢીઓ શારીરિક તકલીફો ભોગવી રહી છે. બીજીતરફ હજુ પણ ગેસ પીડિતો ન્યાયની રાહ જોઈ રહ્યા છે. ગેસ કાંડ માટે જવાબદાર યુનિયન કાર્બાઈડ વતી આજદિન સુધી કોઈ ભોપાલ કોર્ટમાં હાજર થયું નથી. આ બાબતે ગેસ પીડિતોએ ​​કોર્ટમાં ફરિયાદ કરી હતી. અરજી કરનારા ભોપાલ ગ્રૂપ ફોર ઈન્ફોર્મેશન એન્ડ એક્શનના સતીનાથ સડંગી કહે છે કે આટલા વર્ષો પછી પણ આ કેસમાં સરકાર દ્વારા માત્ર દલીલો અને પુરાવા રજૂ કરવામાં આવી રહ્યા છે અને હજુ પણ ન્યાયની રાહ જોવાઈ રહી છે. જોકે, યુનિયન કાર્બાઈડના ચેરમેન અને તત્કાલીન સીઈઓ વોરેન એન્ડરસનનું અવસાન થઈ ચૂક્યું છે.

  1. ભોપાલ ગેસ દુર્ઘટનાને થયા 38 વર્ષ : થોડા જ કલાકોમાં હજારો લોકોએ ગુમાવ્યો હતો જીવ
  2. Bhopal Gas Tragedy: ભોપાલ ગેસ દુર્ઘટના કેસમાં પીડિતોને મોટો ફટકો, SC એ વધારાના વળતર માટે કેન્દ્રની અરજી ફગાવી

ABOUT THE AUTHOR

...view details