યોગ અને તેનો ઇતિહાસ
શબ્દ 'યોગ' એ સંસ્કૃત ધાતુ 'યુજ' પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે 'જોડવું' અથવા 'ઉમેરવું' અથવા 'એક કરવું'. યોગનો ઉદ્દેશ્ય સ્વઅનુભૂતિ કરવાનો, તમામ પ્રકારનાં દુઃખોમાંથી બહાર નીકળી 'મુક્તિની સ્થિતિ' (મોક્ષ) અથવા 'સ્વતંત્રતા' (કૈવલ્ય) પ્રાપ્ત કરવાનો છે. જીવનનાં સર્વ ક્ષેત્રમાં મુક્તિ, નિરામય અને સંવાદિતા સાથે જીવવું એ યોગ અભ્યાસના મુખ્ય ઉદ્દેશ્યો છે. 'યોગ' વિવિધ પદ્ધતિનું બનેલું આંતરિક વિજ્ઞાન છે જેના દ્વારા માનવ જાત આ ઐક્ય અનુભવી શકે અને તેમના ભાગ્ય પર વિજય પ્રાપ્ત કરી શકે.
યોગનો અભ્યાસ સભ્યતાના પ્રારંભથી થયો હોવાનું મનાય છે. યોગનું વિજ્ઞાન હજારો વર્ષ પહેલાં ઉદ્ભવ્યું હતું, જ્યારે પ્રથમ ધર્મ કે શ્રદ્ધા પ્રણાલિ જન્મી હતી. યોગ વિદ્યામાં શિવજીને પ્રથમ યોગી અથવા આદિ યોગી તરીકે ઓળખવામાં આવે છે અને તેમને પ્રથમ ગુરુ અથવા આદિ ગુરુ તરીકે ગણાવાય છે.
પશ્ચિમમાં આવકાર- ૧૯મી સદીના ઉત્તરાર્ધ અને ૨૦મી સદીના પૂર્વાર્ધમાં સ્વામી વિવેકાનંદનની સફળતાના પગલે ભારતના ગુરુઓએ યોગનો પરિચય પશ્ચિમને કરાવ્યો. ૧૯૮૦ના દાયકામાં યોગ પશ્ચિમી દુનિયાભરમાં શારીરિક વ્યાયામની પ્રણાલિ તરીકે લોકપ્રિય બની ગયો. યોગના આ પ્રકારને ઘણી વાર હઠ યોગ કહેવાય છે.
યોગ સાધનાના સિદ્ધાંતો: યોગ વ્યક્તિના શરીર, મન, ભાવના અને ઊર્જાના સ્તર પર કામ કરે છે. તેના કારણે યોગનું ચાર ભાગમાં વ્યાપક વર્ગીકરણ કરવામાં આવે છે: કર્મ યોગ- જ્યાં આપણે શરીરનો ઉપયોગ કરીએ છીએ. ભક્તિ યોગ જેમાં આપણએ ભાવનાનો ઉપયોગ કરીએ છીએ. જ્ઞાન યોગ- જ્યાં આપણે મન અને બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. અને ક્રિયા યોગ- જેમાં આપણે ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ.
ઇન્ટરનેશનલ યોગ ફાઉન્ડેશન મુજબ, વિશ્વ ભરમાં અંદાજે ૩૦ કરોડ લોકો યોગનો અભ્યાસ કરે છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના વિચારને સૌ પ્રથમ ભારતના હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ સંયુક્ત રાષ્ટ્રોની મહા સભા (યુએનજીએ)માં તેમના પ્રવચનમાં પ્રસ્તાવિત કર્યો હતો.
મોદીજીએ કહ્યું હતું:
યોગ ભારતની પ્રાચીન પરંપરાની અમૂલ્ય ભેટ છે. તે મન અને શરીર; વિચાર અને કાર્ય; સંયમ અને પૂર્તિ વગેરેની વચ્ચે ઐક્ય આણે છે, માણસ અને પ્રકૃતિ વચ્ચે સંવાદિતા સર્જે છે, તે આરોગ્ય અને સુખાકારી તરફ સર્વાંગીણ અભિગમ છે. તે માત્ર કસરત જ નથી પરંતુ પોતાની જાત, વિશ્વ અને પ્રકૃતિ સાથે ઐક્યની સમજ શોધવાનો પ્રયાસ છે. આપણી જીવનશૈલી બદલીને અને ચેતના સર્જે છે. તે સુખાકારીમાં મદદ કરી શકે છે. ચાલો આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા માટે કામ કરીએ.
સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં નરેન્દ્ર મોદીની આ પ્રારંભિક દરખાસ્ત પછી યુએનજીએએ ૧૪ ઑક્ટોબર ૨૦૧૪ના રોજ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' શીર્ષકવાળા મુસદ્દા ઠરાવ પર સત્તાવાર પરામર્શ હાથ ધર્યો હતો. પરામર્શ ભારતીય પ્રતિનિધિમંડળ દ્વારા સંયોજિત કરાયો હતો. ૨૦૧૫માં ભારતીય રિઝર્વ બૅન્કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને મનાવવા માટે ૧૦ રૂપિયાનો સ્મરણ સિક્કો બહાર પાડ્યો હતો. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંયુક્ત રાષ્ટ્રોના પ્રવચનમાં ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબા દિવસ એવા ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું હતું. આ દિવસ વિશ્વના અનેક ભાગમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે.
સંયુક્ત રાષ્ટ્રોએ ૧૧ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય ચોગ દિવસ તરીકે જાહેર કર્યો.
પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસે સૌથી વિશાળ યોગ વર્ગ માટેનો વિક્રમ સર્જ્યો અને સૌથી મોટી સંખ્યામાં રાષ્ટ્રીયતા (અનેક દેશના નાગરિકો)ના ભાગ લેવાનો વિક્રમ પણ સર્જ્યો.
પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૧ જૂન ૨૦૧૫ના રોજ વિશ્વ ભરમાં ઉજવાયો.
આયુષ મંત્રાલયે ભારતમાં આવશ્યક વ્યવસ્થાઓ કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ૮૪ દેશોના મહાનુભાવો સહિત ૩૫,૯૮૫ લોકોએ નવી દિલ્હીમાં રાજપથ પર ૩૫ મિનિટ માટે ૨૧ આસન (યોગાસનો) કર્યા જે અત્યાર સુધી યોજાયેલો સૌથી વિશાળ યોગ વર્ગ બની રહ્યો અને તેમાં ૮૪ દેશોના નાગરિકોએ ભાગ લીધો.
ભારતે ૨૦૧૬નો યોગ દિવસ ચંડીગઢમાં ઉજવ્યો- વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ૩૦,૦૦૦ લોકો આ ઉજવણીમાં જોડાયા. મોદીજીએ આ પ્રસંગે પ્રવચન આપતાં કહ્યું કે યોગ એ સાંપ્રદાયિક પ્રવૃત્તિ નથી પરંતુ નિરામય મન અને શરીર બનાવવા માટેનો માર્ગ છે.
ભારતે ૨૦૧૭નો યોગ દિવસ લખનઉમાં ઉજવ્યો - આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ત્રીજી આવૃત્તિની શરૂઆત વરસાદી રહી. તે વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લખનઉમાં હતા જ્યાં તેમણે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે યોગાસનો કર્યા અને તેમની સાથે રમાબાઈ આંબેડકર સભાસ્થળ પર ૫૧,૦૦૦ સહભાગીઓ પણ જોડાયા.
ભારતે વર્ષ ૨૦૧૮નો યોગ દિવસ દહેરાદૂનમાં ઉજવ્યો- વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઉત્તરાખંડના દહેરાદૂનમાં ફૉરેસ્ટ રિઝર્વ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ હતી. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે યોગ વિભાજિત નથી કરતો, એક કરે છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે યોગ વિશ્વમાં એક કરવાનાં બળો પૈકીનું એક બની ગયો છે.
ભારતે વર્ષ ૨૦૧૯નો યોગ દિવસ રાંચીમાં ઉજવ્યો- વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૧૯ની ઉજવણી પ્રભાત તારા મેદાન, રાંચીમાં થઈ હતી.
૨૦૨૦નો વિષય- ઘરે યોગ અને પરિવાર સાથે યોગ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૦ ડિજિટલ મિડિયાના મંચો પર ઉજવવામાં આવશે.
કૉવિડ-૧૯ના રોગચાળાને ધ્યાનમાં લઈને, આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ડિજિટલ મિડિયાના મંચો પર કરવામાં આવશે અને કોઈ સમૂહમાં ભેગા નહીં થાય.
આ વર્ષનો વિષય 'ઘરે યોગ અને પરિવાર સાથે યોગ' હશે. લોકો ૨૧ જૂને સવારે સાત વાગ્યાથી આભાસી (વર્ચ્યુઅલી) રીતે યોગ દિવસની ઉજવણીમાં જોડાવા સમર્થ હશે. વિદેશમાં રહેલાં ભારતીય મિશનો ડિજિટલ મિડિયા તેમજ યોગનું સમર્થન કરતી સંસ્થાઓના નેટવર્ક મારફતે લોકો સુધી પહોંચવા પ્રયાસ કરી રહ્યાં છે.
આયુષ મંત્રાલયે અગાઉ લેહ ખાતે ભવ્ય કાર્યક્રમ રાખવાનું આયોજન કર્યું હતું. જોકે તેને રદ્દ કરવો પડ્યો જેનું કારણ રોગચાળો છે. તદુપરાંત 'માય લાઇફ માય યોગ' વિડિયો બ્લૉગિંગ સ્પર્ધા જે વડા પ્રધાને ૩૧ મેએ શરૂ કરી હતી તેના દ્વારા આયુષ મંત્રાલય અને આઈસીસીઆર યોગ વિશે જાગૃતિ કેળવવા માગે છે અને લોકોને તેના માટે તૈયાર કરવા તેમજ સક્રિય સહભાગી બનાવવા માગે છે.
સ્પર્ધા બે ચરણમાં યોજાશે. વૈશ્વિક સ્તર પર ૨,૫૦૦ અમેરિકી ડૉલર, ૧,૫૦૦ અમેરિકી ડૉલર અને ૧,૦૦૦ અમેરિકી ડૉલર અને ટ્રૉફી તેમજ પ્રમાણપત્ર જે લોકો અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવશે તેમને અપાશે.
વિડિયો બ્લૉગિંગ સ્પર્ધા મોટા પ્રમાણમાં સાક્ષી આપશે જે આપણને યોગ અને તેના લાભો જે માત્ર આરોગ્ય પૂરતા જ સીમિત નથી પરંતુ માનવ જીવન પ્રત્યેના અભિગમ તરફના પણ છે તેના વિશે પ્રચાર કરવામાં મદદ કરશે.