કર્ણાટકના મુખ્યપ્રધાન બી.એસ.યેદિયુરપ્પાએ કહ્યું કે, તે પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે. ભાજપને ફરી સત્તામાં લાવવું એમની જવાબદારી છે. વધુમાં તેેમણે કહ્યું કે તે છેલ્લા શ્વાસ સુઘી ભાજપ માટે કાર્ય કરતા રહેશે.
તેમણે પોતાના વર્તમાન કાર્યકાળને વધારે પડકારરૂપ અને ખુદને નબળા મુખ્યપ્રધાન ગણાવનાર તથા સરકારના અત્યાર સુધીના પ્રદર્શનને શૂન્ય અંક આપનાર વિપક્ષ નેતા સિદ્ધારમૈયાને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે, હું મારા છેલ્લા શ્વાસ સુધી પાર્ટીને મજબુત બનાવવા કાર્ય કરીશ. મારે કોઈ પદ નથી જોઈતું, જનતા જાણે છે હું કોણ છું. હું પાર્ટીને વધારે મજબુત બનાવવા માટે કામ કરીશ અને પાર્ટીને ફરી સત્તા અપાવવીએ મારી જવાબદારી છે.
રાજ્યની ભાજપની આગેવાનીવાળી સરકારે શનિવારે 100 દિવસ પૂરા કર્યા છે. એવામાં યેદિયુરપ્પાએ પોતાની વર્તમાન સરકારનો કાર્યકાળ પૂર્ણ કરવા અંગે વિશ્વાસ આપ્યો છે. તેમણે કહ્યું કે, મને હાઈકમાન્ડ, ટોચના નેતા, ધારાસભ્યો અને કાર્યકરો ઉપર પૂરો વિશ્વાસ છે.
ઉલ્લેખનીય છે કે, સિદ્ધારમૈયાએ શુક્રવારે યેદિયુરપ્પાની આગેવાનીવાળી સરકારને શૂન્ય અંક આપ્યો હતો અને તેમને નબળા મુખ્યપ્રધાન ગણાવ્યા હતા. સિદ્ધારમૈયાને આડે હાથ લેતા યેદિયુરપ્પાએ કહ્યું કે, પૂર્વ મુખ્યપ્રધાનનું આચરણ અને જે પ્રકારે તેઓ સીમા ઓળંગી રહ્યા છે, તે સંપૂર્ણ પણે તેમનો અહંકાર દર્શાવે છે.
સિદ્ધારમૈયાનું કહેવું છે કે તે મારી સરકારને શૂન્ય અંક આપશે. અંક આપનાર એ કોણ છે. જનતા મને અંક આપશે. વિપક્ષ નેતા તરીકે તેઓ જનતાના મનમાં ભ્રમ પેદા કરવાના પ્રયાસો કરી રહ્યા છે. અને જનતા તેમને પહેલાં જ અંક આપી ચૂકી છે.