ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લૉકડાઉનને પગલે વિશ્વભરમાં પ્રદૂષણ ઘટ્યું; WEFની સલાહઃ અનુભવ પરથી શીખો - worldwide Pollution

વિશ્વના મોટાભાગના દેશોમાં કોરોનાવાઇરસની મહામારીને અંકુશમાં લાવવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હોવાથી પ્રદૂષણ ફેલાવતી પ્રવૃત્તિઓ બંધ છે, જેના કારણે પ્રદૂષણના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, ત્યારે WEFએ ક્લાઇમેટ ચેન્જની કટોકટીનો સામનો કરવા માટે વર્તમાન આફતમાંથી શીખ મેળવવા માટે પાંચ સૂચનો રજૂ કર્યાં છે.

worldwide Pollution
લૉકડાઉનને પગલે વિશ્વભરમાં પ્રદૂષણ

By

Published : Apr 7, 2020, 1:34 PM IST

હૈદરાબાદ: 21 દિવસ લાંબો દેશવ્યાપી લૉકડાઉન લાગુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ નવતર કોરોનાવાઇરસને ડામવાનો હોવા છતાં તેનાથી મુખ્યત્વે કન્સ્ટ્રક્શનની કામગીરી અને વાહનોના ટ્રાફિકને કારણે દેશના સતત વધી રહેલા પ્રદૂષણના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

1.3 અબજ લોકોની વસ્તી ધરાવતા દેશને સ્થગિત કરી દેવાના પગલાંથી 23 શહેરોની હવાની ગુણવત્તામાં સુધારો નોંધાયો છે, જ્યારે અન્ય 65 શહેરોની હવાની ગુણવત્તા સંતોષજનક નોંધાઇ છે. કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)ના ડેટા અનુસાર, 103 શહેરોની હવાની ગુણવત્તા નોંધવામાં આવી હતી.

0-50 વચ્ચેનો AQI સારો ગણાય છે, 51-100 AQI હોય, તો હવાની ગુણવત્તા સંતોષજનક ગણાય છે.

એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) એ વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખીને હવાની ગુણવત્તાનું કરવામાં આવતું મૂલ્યાંકન છે. AQI જેટલો નીચો, તેટલી હવાની ગુણવત્તા વધુ સારી.

કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR) અનુસાર, કોરોનાવાઇરસને કારણે હાથ ધરવામાં આવેલાં પગલાંની અસરસ્વરૂપે દિલ્હીમાં PM2.5 (ફાઇન પાર્ટિક્યુલેટ પોલ્યુટન્ટ)માં 30 ટકા સુધીનો અને અમદાવાદ તથા પૂણેમાં 15 ટકા સુધીનો ઘટાડો થયો હતો.

શ્વાસોચ્છવાસની પ્રક્રિયા પરનું જોખમ વધારી શકતા નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx) પ્રદૂષણનું સ્તર પણ ઘટ્યું છે. NOx પ્રદૂષણ મુખ્યત્વે ભારે મોટર વાહનના ટ્રાફિકને કારણે ઉદ્ભવે છે.

પૂણેમાં NOx પ્રદૂષણમાં 43 ટકા સુધીનો, મુંબઇમાં 38 ટકા સુધીનો અને અમદાવાદમાં 50 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. SAFAR ખાતેના વિજ્ઞાની ગુફરાન બેઇગે જણાવ્યું હતું કે, સામાન્યપણે માર્ચ મહિનામાં પ્રદૂષણ "સાધારણ" શ્રેણીનું રહેતું હોય છે (એર ક્વોલિટી ઇન્ડેક્સ રેન્જ: 100-200) જ્યારે અત્યારે, તે "સંતોષજનક" (AQI 50-100) અથવા "સારી" (AQI 0-50) કેટેગરી ધરાવે છે.

આ આંકડાઓ એ તથ્યને તપાસતાં મહત્વપૂર્ણ બની રહે છે કે, આઇક્યૂ એર એરવિઝ્યુઅલના 2019ના વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ અનુસાર, વિશ્વનાં સૌથી વધુ પ્રદૂષિત 30 શહેરોમાંથી 21 શહેરો ભારતમાં આવેલાં છે.

જોકે, આ પરિસ્થિતિ ફક્ત ભારતમાં જ પ્રવર્તે છે, એવું નથી, કારણ કે સમગ્ર વિશ્વમાં પ્રદૂષણના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

યુરોપિયન સ્પેસ એજન્સી (ઇએસએ) દ્વારા જારી કરવામાં આવેલા નવા સેટેલાઇટ ડેટા અનુસાર, સમગ્ર યુરોપમાં પ્રદૂષણ જન્માવતી પ્રવૃત્તિઓ થંભી જવાને કારણે યુરોપનાં ત્રણ શહેરોમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડને કારણે થતા હવા પ્રદૂષણમાં આશરે 40 ટકા જેટલો ઘટાડો થયો છે.

આ સંદર્ભમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબલ્યુએએફ)એ ક્લાઇમેટ ચેન્જની વૈશ્વિક કટોકટીના નિવારણ માટે પાંચ સૂચનો રજૂ કર્યાં છે.

“કોવિડ-19 કેવી રીતે આપણને ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઇમાં જીત મેળવવા માટે મદદરૂપ થઇ શકે છે“ - તે શીર્ષક હેઠળની યાદીમાં WEFએ નીચેની દરખાસ્તો રજૂ કરી છેઃ

જોખમ અંગે પુનઃવિચારણા કરવીઃ

“ક્લાઇમેટ ચેન્જ માનવ જીવન ઉપર તોળાતું મોટું જોખમ છે અને સામૂહિક ધોરણે તેનું નિવારણ લાવવું જરૂરી છે,” તેમ WEFએ દલીલ કરી હતી.

મેડિકલ જર્નલ ધી લેન્સેટમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં 2050 સુધીમાં ક્લાઇમેટ ચેન્જને કારણે 5,00,000 પુખ્ત વ્યક્તિઓનાં મોત નીપજવાની આગાહી કરવામાં આવી છે.

વૈશ્વિક દ્રષ્ટિકોણ પર ધ્યાન આપોઃ

કોવિડ-19ની કટોકટીનું ખરા અર્થમાં વૈશ્વિક સ્વરૂપ આપણને એ સ્વીકારવા માટે ફરજ પાડે છે કે આપણે સૌ સાથે છીએ. ઉદાહરણ તરીકે, ચીન દ્વારા ઇટાલીને મદદ પૂરી પાડવામાં આવવે છે, તે એક ભૌગોલિક-રાજકીય ફલકના સ્થળાંતરથી પણ કશુંક વિશેષ છે. સાથે જ તે – અન્ય, બીજા – ની ભાવના અદ્રશ્ય થઇ ગઇ હોવાનું અને વિશ્વના એક ખૂણામાં બનતી કોઇ ઘટના આપણને સૌને અસર પહોંચાડી શકે છે – તેવી ભાવના સૂચવે છે.

લોકોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપો:

કોવિડ-19 સામેના પ્રતિસાદમાં દર્દીઓ, મેડિકલ સ્ટાફ તથા અન્ય જરૂરિયાતમંદ જૂથોની દુર્દશાની સાથે-સાથે વ્યક્તિઓ, વ્યવસાયો અને સરકારોના એજન્ડાની અવદશા પણ જોવા મળી છે. ઘણાં લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા માટેની મથામણ કરી રહ્યા છે, વૃદ્ધ પાડોશીઓને આરોગ્યની સુવિધાઓ અને ભોજન પૂરૂં પાડવામાં મદદ કરી રહ્યાં છે.

વ્યવસાયો મેડિકલ અને સ્વચ્છતાનો સપ્લાય પૂરો પાડવા માટે તેમની ઉત્પાદનની કામગીરી સજ્જ કરી રહ્યાં છે, તથા વેતન વધારીને તેમના કર્મચારીઓને મદદરૂપ થઇ રહ્યા છે. તો બીજી તરફ સરકારો કોરોનાવાઇરસના અસરગ્રસ્તોને મદદ કરવા માટે ખર્વો રૂપિયાનાં પેકેજની જાહેરાતો કરી રહી છે.

આ તમામ સંકેતો સૂચવે છે કે, વૈશ્વિક કટોકટી સમયે વ્યાપક સ્તરનો પ્રતિસાદ શક્ય છે.

નિષ્ણાતો પર વિશ્વાસ:

મહામારીનું મહત્વ આપણે સૌ જાણી ચૂક્યા છીએ, ત્યારે જ્ઞાનનું મૂલ્ય વધુને વધુ સ્પષ્ટ થતું જાય છે. એપિડેમિઓલોજિસ્ટ્સ દ્વારા આપવામાં આવવતી સલાહ વાઇરલ થઇ છે, ડોક્ટરોને અત્યંત આદરની દ્રષ્ટિએ જોવાય છે અને તેમનું સ્થાન કોઇ હિરોથી કમ નથી.

ક્લાઇમેટ ચેન્જ સામેની લડત જીતવા માટે આપણે ક્લાઇમેટ વિજ્ઞાનીઓ તથા નીતિ સલાહકારોની પણ વાત સાંભળવી એટલી જ જરૂરી છે. તમામ પ્રકારના નિષ્ણાતો પર વિશ્વાસ રાખવાનું વલણ આપણને સાચી દિશામાં લઇ જાય છે.

સાંસ્કૃતિક પરિવર્તનની જરૂરિયાત:

કોવિડ-19 સામેના પ્રતિસાદનાં ઘણાં પાસાં ક્લાઇમેટ ચેન્જ સામે સામૂહિક પ્રતિસાદના ભાગરૂપે જરૂરી પરિવર્તનોના પ્રકારો સાથે સમાનતા ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે, ઘણાં જરૂરી પરિવર્તનોમાં બસ સંસ્કૃતિમાં બદલાવ લાવવાની જરૂર છે.

ઉદાહરણ તરીકે, નાગરિકો જાહેર પરિવહનથી દૂર રહેતા હોવાથી બગોટામાં બાઇક લેન્સનું વિસ્તરણ નથી થયું અને સાઇકલિંગમાં વધારો નથી થયો, કે ન તો કોરોનાવાઇરસને કારણે ઘરેથી કામ કરવાના પ્રયોગ માટે નવી ટેકનોલોજીની જરૂર છે, તેમ છતાં એક નવી વિચારણાનો આધાર જરૂર મળ્યો છે. ક્લાઇમેટ ચેન્જના નિવારણ માટે મહત્વના પગલાં ભરવા આપણી પાસે ઘણાં સાધનો છે, એ તો સ્પષ્ટ છે, હવે તે સાધનોનો અમલ કરવા માટે રાજકીય ઇચ્છાશક્તિની જરૂર છે.

કોવિડ-19ની ભયાનક મહામારીમાંથી આપણે બહાર નીકળી આવીશું, ત્યારે વિશ્વ કેવું દેખાતું હશે, તે બાબતે કોઇ સ્પષ્ટતા નથી, અત્યારે આપણે સમાજમાં જે મૂળભૂત પરિવર્તનોમાંથી પસાર થઇ રહ્યાં છીએ, તે આપણને ક્લાઇમેટના વિનાશમાંથી બચવાનો આખરી અવસર આપી શકે છે.

વૈશ્વિક આર્થિક સંસ્થા દ્વારા કરવામાં આવેલાં ઉપરોક્ત સૂચનો ક્લાઇમેટ ચેન્જની કટોકટીને હંફાવવા માટે ઘણાં દૂરંદેશીભર્યાં છે.

ABOUT THE AUTHOR

...view details