ન્યૂઝ ડેસ્ક: વર્લ્ડ ફોટો ડેનો ઉદ્ભવ લુઇસ ડેગુએર અને જોસેફ નાઇસ ફોર નિપ્સ દ્વારા 1837માં વિકસાવવામાં આવેલી ડેગુએર્રિયોટાઇપ પ્રોસેસની શોધથી થયો હતો.
19મી સદીના પ્રારંભના સમયગાળાથી ફોટોગ્રાફી વિશ્વભરનાં અસંખ્ય લોકો માટે અંગત અભિવ્યક્તિનું સતત વધતું માધ્યમ બન્યું છે.
એક ફોટોગ્રાફ દર્શકને ફોટોગ્રાફરની નજરથી વિશ્વ જોતો કરવાની તાકાત ધરાવે છે. એક વાર તમે લેન્સની પાછળ ગોઠવાઇ જાઓ, ત્યારે કોઇ સાધારણ બાબત અસાધારણ બની જાય છે. ફોટોગ્રાફી આપણને વિશ્વ પ્રત્યેનો એક જુદો જ દ્રષ્ટિકોણ બક્ષે છે અને અવર્ણનીય અને સામાન્ય દ્રશ્ય જો સાચા સંવેદન સાથે ઝડપી લેવામાં આવે, ત્યારે તે ચમત્કાર સર્જે છે.
તસવીરોએ વિશ્વને આપણી નિકટ લાવી દીધું છે. તે જીવનનો એક પ્રકાર છે, જે પ્રત્યાયનના એક શક્તિશાળી સાધન તરીકે માનવ જીવનને સ્પર્શવાની ક્ષમતા ધરાવે છે. ફોટોગ્રાફ્સ સમયના વહેણને પણ પાર કરી જાય છે – સો વર્ષ અગાઉની કોઇ તસવીર અત્યારે પણ એટલી જ પ્રશંસા પામી શકે છે, જેટલી તે સમયે તેને મળી હોય. આવતીકાલે લેવાયેલો ફોટો સો વર્ષ બાદ પણ એટલી જ પ્રશંસા મેળવી શકે છે.
જરા ધ્યાન આપો, આપણે કેટલા આગળ વધી ચૂક્યાં છીએ. હવે, આપણી પાસે સુપર ફ્રેન્ડલી કેમેરા છે, પણ એક સમય હતો, જ્યારે આ કેમેરા એટલા સાનુકૂળ ન હતા, પોસાતા ન હતા અને પોર્ટેબલ પણ ન હતા. આધુનિક સમયના કેમેરા લાંબો ઇતિહાસ ધરાવે છે. એ દિવસ યાદ કરો, જ્યારે ફોટોગ્રાફી માત્ર પસંદગીના અને ખાસ પ્રસંગોની તસવીરો લેવા પૂરતી જ મર્યાદિત હતી. કેવી રીતે આપણે તૈયાર થઇને કેમેરા સામે પોઝ આપતા હતા! પણ હવે સ્માર્ટફોનના આગમન સાથે આપણી પાસે આપણા જીવનની પ્રત્યેક વિગતને ઝડપી લેવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. વર્તમાન સમયમાં, ઘણી વખત આપણે આપણા કેમેરાને હળવાશથી લઇએ છીએ અને ફોટોગ્રાફ એ કોઇ નવી બાબત રહી નથી. પરંતુ, કદાચ આપણે એ ભૂલી ગયાં છીએ કે, આ કળાએ કેવી રીતે આપણા વિશ્વમાં ક્રાંતિ લાવી દીધી. 20મી સદીમાં કેમેરા અને ફોટોગ્રાફી ઘણી તકનીકી નવીનતાઓમાંથી પસાર થયાં.
આજે, પોસાય તેવા અને હાઇ ક્વોલિટીના ડિજિટલ કેમેરાની ઉપલબ્ધતાએ ફોટોગ્રાફીને યુવાનોનો વ્યાપક રસનો વિષય બનાવી દીધો છે.
ફોટોગ્રાફી
ફોટોગ્રાફીમાં સ્થળ, અનુભવ, વિચાર, ક્ષણને કેદ કરવાની ક્ષમતા રહેલી છે. આ જ કારણસર, એવું કહેવાય છે કે, એક તસવીર હજ્જારો શબ્દોની ગરજ સારે છે. તસવીરો શબ્દો કરતાં ઝડપથી અને કેટલીક વખત તેના કરતાં પણ વધુ અસરકારક રીતે લાગણીની અભિવ્યક્તિ કરી શકે છે.
ફોટોગ્રાફી એક વિશાળ વિષય છે, તેને માત્ર બે જ લીટીમાં વર્ણવી શકાય તેમ નથી. સામાન્ય શબ્દોમાં, ફોટોગ્રાફી એટલે, તસવીરનું સર્જન કરવા માટે કેમેરામાં લાઇટ ઝડપી લેવાની કળા. વર્તમાન વિશ્વમાં ફોટોગ્રાફી ક્ષેત્રે આવેલી તકનીકી નવીનતાઓને કારણે ફોટોગ્રાફી દર પાંચમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિનો શોખ બની ચૂકી છે. આ ઉપરાંત, આજની પેઢીને સોશ્યલ મીડીયા પર ફોટોગ્રાફ્સ થકી પોતાના અનુભવોનું આદાન-પ્રદાન કરવાનો ભારે શોખ છે. ફોટોગ્રાફીના પ્રકારો નીચે પ્રમાણે છેઃ
- લેન્ડસ્કેપ ફોટોગ્રાફી
- પોર્ટ્રેટ ફોટોગ્રાફી
- વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી
- ટ્રાવેલ ફોટોગ્રાફી
- સ્ટ્રીટ ફોટોગ્રાફી
- ન્યૂબોર્ન ફોટોગ્રાફી
- મેક્રો ફોટોગ્રાફી
વિશ્વ ફોટોગ્રાફી દિવસનો ઇતિહાસ અને ચાવીરૂપ મુદ્દા
વર્લ્ડ ફોટોગ્રાફી ડેનો ઉદ્ભવ ફ્રાન્સના લુઇસ ડેગુએર અને જોસેફ નાઇસફોર નિપ્સ દ્વારા 1837માં વિકસાવવામાં આવેલી ફોટોગ્રાફિક પ્રોસેસ – ડેગુએર્રિયોટાઇપની શોધથી થયો હતો.
પ્રથમ જાણીતી પર્મેનન્ટ તસવીર 1826માં હેલિઓગ્રાફી તરીકે ઓળખાતી એક જટિલ પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવી હતી. તે શોટ તૈયાર કરવા માટે 8 કલાકનો એક્સપોઝર ટાઇમ લાગ્યો હતો. ડેગુએર્રિયોટાઇપ એ પ્રથમ પર્મેનન્ટ ફોટોગ્રાફી ઇમેજ ન હતી. 1826માં નિપ્સે હેલિઓગ્રાફી તરીકે ઓળખાતી પ્રક્રિયાનો ઉપયોગ કરીને ‘વ્યૂ ફ્રોમ ધી વિન્ડો લિ ગ્રાસ’ તરીકે ઓળખાતો સૌથી પ્રારંભનો જાણીતો પર્મેનન્ટ ફોટોગ્રાફ ઝડપ્યો હતો.
ખગોળશાસ્ત્રી સર જ્હોન હર્શેલ 1839માં ‘ફોટોગ્રાફ’ શબ્દનો ઉપયોગ કરનાર પ્રથમ વ્યક્તિ હતા.
9મી જાન્યુઆરી, 1839ના રોજ ફ્રેન્ચ એકેડેમી ઓફ સાયન્સિઝે ડેગુએર્રિયોટાઇપ પ્રોસેસની જાહેરાત કરી હતી. 19મી ઓગસ્ટના રોજ ફ્રાન્સની સરકારે પેટન્ટ ખરીદી લીધી અને આ શોધને ‘વિશ્વને વિના મૂલ્યે ભેટ’ તરીકે ઓળખાવી.
પ્રથમ ડ્યુરેબલ કલર ફોટોગ્રાફ 1861માં થોમસ સટ્ટોન દ્વારા લેવામાં આવ્યો હતો. તે લાલ, લીલા અને વાદળી ફિલ્ટર્સ થકી લેવાયેલા ત્રણ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ્સનો સેટ હતો. જોકે, તે સમયે વપરાતાં ફોટોગ્રાફિક ઇમલ્ઝન્સ સ્પેક્ટ્રમ પ્રત્યે અસંવેદનશીલ હોવાથી રિઝલ્ટ અસ્પષ્ટ હતું.
1839માં અમેરિકન નાગરિક રોબર્ટ કોર્નેલિયસે સેલ્ફી લીધી હતી.કોર્નેલિયસે તેનો કેમેરા ગોઠવ્યો, લેન્સ કેપ હટાવીને તસવીર લીધી અને પછી દોડીને ફ્રેમમાં ગોઠવાઇ ગયો. પાછળ તેણે લખ્યું હતું, “અત્યાર સુધીની સૌથી લાઇટ તસવીર, 1839”.
પ્રથમ ડિજિટલ ફોટોગ્રાફ 1957માં લેવાયો હતો, કોડેકના એન્જિનીયરે પ્રથમ ડિજિટલ કેમેરા શોધ્યો, તેના આશરે 20 વર્ષ પહેલાં. ફોટો એ પ્રારંભમાં રસેલ કર્સના પુત્રને દર્શાવતી ફિલ્મ પર લેવાયેલા શોટનું ડિજિટલ સ્કેન છે અને તે 176×176નું રિઝોલ્યુશન ધરાવે છે.
પ્રથમ ડિજિટલ કેમેરા ડિસેમ્બર, 1975માં સ્ટિવ સેસ્સન દ્વારા બનાવવામાં આવ્યો હતો, જેઓ ઇસ્ટમેન કોડેકના એન્જિનીયર હતા. આ કેમેરાનું વજન 8 પાઉન્ડ હતું અને તેણે 0.01 મેગાપિક્સલ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા રેકોર્ડ કર્યા હતા. પ્રથમ ફોટોગ્રાફ તેયાર કરતાં 23 સેકન્ડનો સમય લાગ્યો હતો.
તમે લેન્સની પાછળ હોવ, ત્યારે કેટલીક વખત સાધારણ બાબત અસાધારણ બની જાય છે. ફોટોગ્રાફી આપણને વિશ્વ તરફનો એક અલગ, અવર્ણનીય દ્રષ્ટિકોણ આપે છે, એટલું જ નહીં, સાધારણ દ્રશ્યને સાચા સંવેદન સાથે ઝડપી લેવામાં આવે, ત્યારે કેટલીક વખત તે ચમત્કાર સર્જી દે છે.
તસવીરોએ વિશ્વને આપણી નજીક લાવી દીધું છે. તે જીવનની એક રીત છે, જે પ્રત્યાયનના શક્તિશાળી માધ્યમ તરીકે માનવ જીવનને સ્પર્શવાની કાબેલિયત ધરાવે છે.
19મી ઓગસ્ટ, 2010ના રોજ વર્લ્ડ ફોટો ડેએ તેની પ્રથમ વૈશ્વિક ઓનલાઇન ગેલેરી રજૂ કરી. આશરે 270 ફોટોગ્રાફરોએ તેમની તસવીરો રજૂ કરી અને 100 કરતાં વધુ દેશોના લોકોએ વેબસાઇટની મુલાકાત લીધી. તે પ્રથમ સત્તાવાર, વૈશ્વિક પહોંચ સાથેનો વર્લ્ડ ફોટો ડે બન્યો. 2010ના વર્ષથી તમામ ફોટોગ્રાફરો આ દિવસની વર્લ્ડ ફોટોગ્રાફી ડે તરીકે ઊજવણી કરે છે. આ તારીખે ફ્રાન્સની સરકારે ડેગુએર્રિયોટાઇપ માટેની પેટન્ટ ખરીદી લીધી અને તેને ‘સમગ્ર વિશ્વ માટે વિના મૂલ્યે ઉપલબ્ધ’ તરીકે રજૂ કરી, તે પરથી આ તારીખ પસંદ કરવામાં આવી હતી.
મોબાઇલ ફોનના ડિજિટલ કેમેરાઓને કારણે હવે દર વર્ષે વિશ્વમાં 350 અબજ ફોટા ખેંચવામાં આવે છે.
મુંબઇમાં રહેતા દિલીશ પારેખ વિશ્વમાં કેમેરાનું સૌથી વિશાળ કલેક્શન ધરાવે છે. તેમની પાસે 4,425 એન્ટિક કેમેરાનું કલેક્શન છે.