ન્યૂઝડેસ્ક : જીવલેણ મહામારી કોવિડ-19એ અત્યાર સુધીમાં વિશ્વભરમાં 47,000થી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે અને 9,37,000થી વધુ લોકો વાઇરસ પોઝિટિવ થયા છે. સંકટના આ સમયે, સંશોધકોની માફક વિશ્વના નેતાઓએ પણ આગળ આવીને ખભેખભા મિલાવીને સમગ્ર વિશ્વને સ્થગિત કરનારી આ મહામારીને નાબૂદ કરવા લડત આપવાની જરૂર હોવાનું અગ્રણી આંતરરાષ્ટ્રીય સાપ્તાહિક જર્નલ નેચરે જણાવ્યું છે.
સંશોધકોને બિરદાવતાં જર્નલના એક અહેવાલમાં જણાવાયું છે કે જીવલેણ વાયરસના કાયમી ઈલાજ માટે વિશ્વભરના હજારો સંશોધકો આગળ આવ્યા છે અને પોતાનો સમય આપીને વિચારો વ્યક્ત કરી રહ્યા છે.
જોકે, અહેવાલમાં વિવિધ દેશોના વડાપ્રધાનો અને રાષ્ટ્રપતિઓ ઉપર આ બાબતને ગંભીરતાપૂર્વક ધ્યાન ઉપર નહીં લેવાનો આક્ષેપ મુકાયો છે. તેમાં જણાવાયું છે કે વિશ્વના નેતાઓએ વર્ષ 2008ની નાણાંકીય કટોકટી વેળાએ સહુએ સાથે મળીને જે રીતે પ્રતિસાદ આપ્યો હતો, તે જ રીતે તેમણે આ મહામારી સાથે કામ પાર પાડવાની જરૂર છે.