આ સંસ્થાના નામના ઉલ્લેખ માત્રથી ભ્રષ્ટ, ત્રાસવાદીઓ અને અપરાધીઓ થરથર કાંપી ઊઠે છે. આ સંગઠન ભારતનું નથી, પરંતુ અમેરિકાનું છે. અને તેનું નામ છે, ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI). આપણા દેશમાં આવા જ નામવાળી તપાસ સંસ્થા છે પરંતુ સામ્યતા આટલા પૂરતી જ છે. એવી ટીકા થાય છે કે, આ સંસ્થા જેનું નામ કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો (CBI) છે તે શાસક પક્ષના હાથની કઠપૂતળી છે. એવા આક્ષેપો છે કે, શાસક પક્ષ વિપક્ષોમાં ભય ફેલાવવા તેનો ઉપયોગ કરે છે.
હકીકતે, CBIની પરિસ્થિતિ મૃત્યુશૈયા પર રહેલા ભીષ્મ જેવી છે. સર્વોચ્ચ ન્યાયાલયના સ્થગન આદેશના કારણે તે હજૂ કાર્યરત રહી શકી છે. 6 વર્ષ પહેલાં ગૌહતી ઉચ્ચ ન્યાયાલયે આપેલા આદેશના લીધે CBI મૃત્યુના આરે પહોંચી ગઈ હતી. 6 નવેમ્બર 2013ના રોજ, ગૌહતી ઉચ્ચ ન્યાયાલયે CBI જે ગેરબંધારણીય રીતે સ્થપાઈ હતી તે ઠરાવને નિરસ્ત ઠેરવ્યો હતો. જો કોઈ પણ ઉચ્ચ ન્યાયાલય કોઈ સંગઠનને કે ખરડાને ગેરબંધારણીય ઠેરવે તો તે નિયમ રાષ્ટ્રભરમાં લાગુ પડે છે.
ગૌહતી ઉચ્ચ ન્યાયલયનો આદેશ કેન્દ્ર સરકાર માટે ફટકારૂપ હતો, જેણે CBIને હજારો કેસ ફાળવી દીધા હતા અને તે સુનિશ્ચિત કરવા માગતી હતી કે, તેમાંના મોટા ભાગનાને સજા મળે. તેણે તરત જ પૂર્વ એટર્ની જનરલ ગુલામ વહાણવટીને સર્વોચ્ચ ન્યાયાલયના તત્કાલીન મુખ્ય ન્યાયમૂર્તિ પી.સથાશિવમ પાસે મોકલી આપ્યા. સર્વોચ્ચ ન્યાયાલય ત્યારે વેકેશન ચાલતું હોવાથી બંધ હતું, તેથી વહાણવટી મુખ્ય ન્યાયમૂર્તિને તેમના નિવાસસ્થાને મળ્યા. ન્યાયમૂર્તિ સથાશિવમ જે કેસની ગંભીરતા સમજ્યા તેમણે તેમના નિવાસસ્થાને જ કેસની સુનાવણી કરી અને ઉચ્ચ ન્યાયાલયના આદેશ પર સ્થગન આદેશ આપી દીધો. આ બનાવને છ વર્ષ વિતી ગયાં છે અને CBI હજૂ પણ સર્વોચ્ચ ન્યાયાલયના સ્થગન આદેશના કારણે જીવતી છે. ગૌહતી ઉચ્ચ ન્યાયાલયના આદેશના કેટલાક મહિનાઓ પહેલાં, સર્વોચ્ચ ન્યાયાલયે સીબીઆઈને પાંજરે પુરાયેલા પોપટ ગણાવી હતી પરંતુ પછી તેને ધ્યાનમાં આવ્યું હતું કે, જ્યાં સુધી અસરકારક વિકલ્પ સ્થાપિત ન થાય ત્યાં સુધી તે કાર્યરત રહેવી જોઈએ.
ગૌહતી ઉચ્ચ ન્યાયલયે નવેન્દ્રકુમારની અરજી પર ચુકાદો આપ્યો કે સીબીઆઈ ગેરબંધારણીય છે. નવેન્દ્રકુમારની સામેના કેસો માટે CBI તેમની તપાસ કરી રહી હતી અને તેમણે સંગઠનના બંધારણને પડકાર્યું હતું. તેમણે રિટ પિટિશનમાં કહ્યું હતું કે, CBI બંધારણીય અંગ નથી કારણ કે, તે માત્ર સરકારના સાદા ઠરાવથી રચાયેલી છે. તેમણે દલીલ કરી હતી કે, CBIને ધરપકડ કરવા, દરોડા પાડવા કે આરોપપત્રો દાખલ કરવા કોઈ સત્તા નથી.
તાજેતરની લોકસભા ચૂંટણી પહેલાં CBIના ટોચના અધિકારીઓ વચ્ચે ઝઘડા અને અનેક સરકારોએ CBIનો પ્રવેશ તેમનાં સંબંધિત રાજ્યોમાં અટકાવતા કરેલા ઠરાવ આ કેન્દ્રીય સંસ્થાના નબળા પાયા બતાવે છે. તાજેતરમાં CBIના ટોચના બૉસ ગણાતા આલોક વર્મા અને રાકેશ અસ્થાનાએ એકબીજા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. કેટલાક અધિકારીઓ લાંચ લેતાં પકડાયા હતા અને ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ કરતી એક ટીમની અડધી રાત્રે બદલી કરી દેવાઈ હતી. આ બધા બનાવોએ CBIની છબી ખરડી છે. વિરોધીઓ સામે CBIનો હથિયાર તરીકે ઉપયોગ એક પરંપરા જેવો બની ગયો છે અને ન્યાયાલયને સમયે સમયે હસ્તક્ષેપ કરવાની ફરજ પડે છે.
CBIનો ઇતિહાસ અહીં ઉલ્લેખવો જરૂરી છે. દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટીશ રાજે વિશેષ પોલીસ સ્થાપના (SPE) રચવા માટે વિશેષ વટહુકમ બહાર પાડ્યો હતો. જે બાદમાં CBI બની ગઈ. વિશેષ વટહુકમના સ્થાને 1946માં દિલ્હી વિશેષ પોલીસ સ્થાપના અધિનિયમ લાવવામાં આવ્યો. શરૂઆતમાં SPE માત્ર પીવાના પાણી પૂરવઠા વિભાગમાં ભ્રષ્ટાચાર અને લાંચની તપાસ માટે જ હતી. બાદમાં SPEનું વર્તુળ મોટું કરી તેમાં સરકારના તમામ વિભાગો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ કરાયો.
1963માં, ગૃહ ખાતાએ CBIની રચના માટે એક ઠરાવ કર્યો. DSPEની કલમ 6 કહે છે કે, રાજ્યમાં તપાસ કરવા માટે સંબંધિત રાજ્ય સરકારની સંમતિ જરૂરી છે. CBI કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેન્દ્ર સરકારનાં સંગઠનોમાં તપાસ કરી શકે છે. તે સર્વોચ્ચ અને ઉચ્ચ ન્યાયાલયોએ આપેલા આદેશો પર તપાસ કરી શકે છે. પરંતુ સંબંધિત રાજ્યોમાં તપાસ માટે રાજ્ય સરકારોની સંમતિ જરૂરી છે.