ચંદીગઢ: પંજાબમાં વધી રહેલા કોરોનો વાઈરસના કેસો વચ્ચે પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદરસિંહે 21 ઓગસ્ટના રોજ રાજ્યના તમામ 167 શહેરો અને નગરોમાં સાંજના 7 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી વીકએન્ડ લોકડાઉન સહિતના અનેક ઇમરજન્સી પગલાંના આદેશ આપ્યા છે.
આ ઉપરાંત મુખ્યપ્રધાને 31 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં લગ્ન અને અંતિમ સંસ્કાર સિવાયના તમામ મેળાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ પણ આપ્યો હતો.
રાજ્યની કોવિડ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વીડિયો કોન્ફરન્સ મીટિંગ દરમિયાન મુખ્યપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશો મુજબ સરકાર અને ખાનગી કચેરીઓ આ મહિનાના અંત સુધીમાં 50 ટકાની હાજરી સાથે કામ કરશે.
પંજાબમાં છેલ્લા ઘણા દિવસોથી કોવિડ-19 ના કેસો અને મૃત્યુઆંકોમાં વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે રાજ્યમાં અત્યાર સુધીમાં 920 ના મોત સાથે 36,083 કોરોના વાઇરસ કેસ નોંધાયા છે.