ન્યૂઝ ડેસ્કઃ 'પદભાર સંભાળ્યાના કેટલાક દિવસો પછી, અમને આઘાત લાગ્યો કે અમેરિકા સરકારે છેલ્લી સરકારની નોકરી ખાઈ જતી ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપમાંથી પાછા હટવાનું પસંદ કર્યું. તે પછી મેં કીસ્ટૉન એક્સએલ અને ડકોટા ઍક્સેસ પાઇપલાઇનને અનુમતિ આપી અને અન્યાયી અને મોંઘી પેરિસ આબોહવા સંધિ સમાપ્ત કરી અને પહેલી વાર અમેરિકી ઊર્જા સ્વતંત્રતા સુરક્ષિત કરી." તેમ ડૉનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ પદના ઉમેદવાર તરીકે સત્તાવાર રીતે પોતાના પુનર્નામાંકનને સ્વીકાર્યું ત્યારે રિપબ્લિકન રાષ્ટ્રીય સંમેલનની અંતિમ રાત્રે કહ્યું હતું. "મેં ભયંકર, એક તરફી ઈરાન પરમાણુ સમજૂતીમાંથી પણ નીકળી જવાનું પસંદ કર્યું." તેમ ટ્રમ્પે તેમના ૭૧ મિનિટના પ્રવનચમાં તેમની અમેરિકા પ્રથમ નીતિનું વધુ ઉદાહરણ આપતાં કહ્યું હતું.
વ્હાઇટ હાઉસની હરીફાઈ ચાલી રહી છે ત્યારે વિશ્વ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોનું ભવિષ્ય કેવું છે? #BattlegroundUSA2020ના આ પ્રકરણમાં, વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્મા પૂછે છે કે જો ટ્રમ્પ સત્તામાં પાછા ફરશે તો વૈશ્વિક સંગઠનોમાં અમેરિકા તેની નેતૃત્વની ભૂમિકાથી દૂર થઈ જશે અને વધુને વધુ અંતર્મુખી બનતું જશે?
"અમેરિકા ૧૯૪૨થી જગત જમાદારની ભૂમિકા ભજવતું આવ્યું છે. હવે શું થશે? વૉશિંગ્ટન પરિષદમાં સંયુક્ત રાષ્ટ્રો બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. ત્યારથી એક ખૂબ જ લાંબી મુસાફરી થઈ છે. દાયકાઓથી અમેરિકાએ જગત જમાદાર તરીકે પોતાનું જે સ્થાન પ્રાપ્ત કર્યું છે તે છેલ્લાં પાંચ છ વર્ષમાં જો મંદ ન થયું હોય તો તેમાં ઘોબો જરૂર પડ્યો છે. આ ચૂંટણીના પરિણામની મોટી અસર આ કેન્દ્રીય મુદ્દા પર પડશે." તેમ ન્યૂ યૉર્કમાં સંયુક્ત રાષ્ટ્રોમાં ભારતના પૂર્વ કાયમી પ્રતિનિધિ અશોક મુખર્જીએ કહ્યું.
"સંસ્થાઓમાંથી નીકળી જવાની બાબત એક પીછેહટ છે જે સમજવી જોઈએ. ૨૦૦૬માં સંયુક્ત રાષ્ટ્રોની મહા સભામાં માનવ અધિકાર પરિષદ બની હતી. જૉન બૉલ્ટન અમેરિકાના રાજદૂત હતા અને તેમણએ આ પરિષદની રચના માટે મત આપ્યો હતો. જોકે અન્ય ત્રણ દેશોએ આ પગલાની વિરુદ્ધ મત આપ્યો હતો. પરંતુ ૧૭૦ દેશોની બહુમતી સાથે પરિષદની રચના થઈને રહી. હવે અમેરિકા ત્રણ વર્ષ બહાર રહ્યું છે. તેણે સંયુક્ત રાષ્ટ્રોની માનવ અધિકાર પરિષદની ચૂંટણી માગી નથી. અને આ ત્રણ વર્ષમાં માનવ અધિકાર પરિષદે તેની પ્રક્રિયાઓ નક્કી કરી છે જેમાં ઇઝરાયેલ સાથે સમજૂતીની પ્રક્રિયા પણ છે. આમ જો તમે રાજદૂત નિક્કી હેલીના સમય સુધી સમયને આગળ વધારી દો તો, તેઓ પ્રક્રિયાની ટીકા કરે છે. પરંતુ જ્યારે પ્રક્રિયાઓનો મુસદ્દો ઘડવામાં આવી રહ્યો હતો ત્યારે તમે પ્રક્રિયાની અંદર પૂરેપૂરા જોડાયેલા નહોતા. આથી બહાર રહીને તમે તેના માટે કંઈ ન કરી શકો." તેમ પૂર્વ નિવૃત્ત રાજદ્વારીએ સમજાવ્યું હતું.
ડૉનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકાએ પેરિસ આબોહવા સંધિથી લઈને ઈરાન પરમાણુ સંધિ સુધી અનેક આંતરરાષ્ટ્રીય સમજૂતીઓમાંથી પગ પાછો ખેંચી લીધો છે અને તેણે સંયુક્ત રાષ્ટ્રોની અનેક સંસ્થઆઓને ભંડોળ આપવામાં પણ કાપ મૂક્યો છે. તેણે વેપાર અને પર્યાવરણને લગતી અનેક દેશોની સમજૂતી બાબતે પણ આવું જ કર્યું છે અને તેના વિવાદાસ્પદ નિર્ણયો દ્વારા વિશ્વ વ્યાપાર સંસ્થા (ડબ્લ્યુટીઓ) જેવી અન્ય વૈશ્વિક સંસ્થાઓને નબળી પાડી છે. આથી જો નવેમ્બરની હરીફાઈમાં જૉ બિડેન જીતી જાય તો શું તેઓ આ નિર્ણયો પાછા ફેરવવા ઈચ્છુક હશે અને તેના માટે સક્ષમ નિવડશે? શું તેઓ વૈશ્વિક બહુસ્તરીયવાદને મજબૂત કરી શકશે? જ્યારે ઈરાન, ચીન અને રશિયા વચ્ચે વ્યૂહાત્મક સહકાર વધી રહ્યો છે ત્યારે બિડેન સરકાર માટે ઈરાન પરમાણુ સમજૂતીનો મુદ્દો ટેબલ પર પાછો ફરશે?
"ઓબામા સરકારે આ સમજૂતી આગળ ચાલીને કરી હતી જે ઘણી બધી હદે ઈરાનની તરફેણમાં ઘડાયેલી હતી. આ લોકપ્રિય મત ન હોઈ શકે પણ હકીકત એ છે કે ઈરાન તેના માટે આટલી મહાન સંધિ કરવા માટે અમેરિકાને મનાવવામાં સફળ રહ્યું. તેમાં જે પેટા નિયમો છે- જે પીછેહટ, નિરીક્ષણો વગેરેના સંદર્ભમાં છે, તે દરેક પેટાનિયમોને જો જુઓ તો તમને લાગશે કે ઈરાન પોતાની વાત મનાવવામાં સફળ રહ્યું છે." તેમ સંયુક્ત રાષ્ટ્રોમાં પૂર્વ ટૅક્નિકલ સલાહકાર ડૉ. રાજેશ્વરી પી. રાજગોપાલને કહ્યું હતું. ડૉ. રાજગોપાલન એક વિખ્યાત વિદ્વાન છે અને ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ઓઆરએફ)માં પરમાણુ અને અવકાશ પહેલના વડા છે. તેઓ માને છે કે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો ગમે તેટલા રહે, પણ ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને આગળ વધારશે જ જેનાથી બિડેન સરકાર માટે સમજૂતી પર પુનર્વિચાર કરવાનું અઘરું બનાવશે, ખાસ કરીને ચીન હવે ઈરાન પડખે ચડ્યું છે, તેને જોતાં.
"તે ટીમ બિડેનને ખૂબ જ તંગ સ્થિતિમાં મૂકશે કારણકે બિડેન ટીમ પણ એવું સાબિત કરવા મથે છે કે તે ચીન પર વધુ કઠોર વર્તવાની છે. તમે ચીન સમસ્યા અને પડકાર સાથે કેવી રીતે કામ પાર પાડવાના છો? ચીન સમસ્યા છેલ્લાં થોડાં વર્ષોમાં ખૂબ જ વધી ગઈ છે. ચીને અનેક સંયુક્ત રાષ્ટ્રોનાં સંગઠનોમાં નેતૃત્વની ભૂમિકા મેળવી લીધી છે અથવા મેળવવા જઈ રહ્યું છે. આમ જોઈએ તો, અમેરિકાએ ચીન સામે ઘણી બધી વ્યૂહાત્મક જગ્યા આપી દીધી છે તેમ કહી શકાય. બિડેન હવે મુસીબતમાં છે કે તેઓ ઈરાન-ચીનની સત્તાની યુતિને કઈ રીતે સંભાળશે અથવા એક રીતે ઈરાન-ચીન અને રશિયા ત્રણેય સાથે આવી રહ્યા છે તો તેમને કઈ રીતે સંભાળશે. તેમની ગયા વર્ષના અંતમાં માત્ર એક નૌ સેના કવાયત હતી." તેમ તેમણે કહ્યું હતું.
પેરિસ આબોહવા સમજૂતીમાંથી પીછેહટ અમેરિકાએ કરી તે ચૂંટણીનો મુદ્દો છે કે કેમ તેવું પૂછતાં ન્યૂ યૉર્કમાં પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા (પીટીઆઈ) માટે કામ કરતાં વરિષ્ઠ પત્રકાર યોશિતાસિંહે કહ્યું હતું, "દાવાનળ, વાવાઝોડાં, આખા એશિયામાં પૂર વગેરે આબોહવામાં પરિવર્તનની જ અસર છે અને આપણે હવે તેને આ રીતે જોવું જોઈએ. આપણે બધા વાસ્તવિક જિંદગીમાં તેનાં માઠાં પરિણામો ભોગવી રહ્યાં છીએ. જ્યારે ટ્રમ્પ સરકાર, અમેરિકા જે ઐતિહાસિક રીતે સૌથી મોટું પ્રદૂષણ કરનાર પૈકીનું એક છે, તે પેરિસ સમજૂતીમાંથી પીછેહટ કરે છે ત્યારે તે નિર્ણય કંઈ એક સપ્તાહ કે એક મહિનાના સમયમાં ન થયો હોત. તેના માટે અનેક વર્ષોના પ્રયાસો લાગ્યા હોય, અનેક હિતધારકો સાથે આ સમજૂતીમાં અનેક લેવડદેવડ થઈ હોય. પછી તેની આપણી માનવજાત, ખાસ કરીને નબળા વર્ગો, નાના ટાપુઓ, વિકાસશીલ રાષ્ટ્રો પર ખૂબ જ વિપરીત અસર છે."