યોગને દુનિયાનું સૌથી પ્રાચીન વિજ્ઞાન માનવામાં આવ્યું છે. ભગવાન શિવને યોગના સૌથી મોટા ગુરૂ માનવામાં આવે છે. તેથી જ તેમને આદિયોગી પણ કહેવાય છે. જ્યારે મહર્ષિ પતંજલિને યોગના દાતા ગણાય છે. વિશ્વ કક્ષાએ યોગની વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ દુનિયાભરમાં યોગને ઓળખ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
21 જૂને જ કેમ ઉજવાય છે વિશ્વ યોગ દિવસ ? જાણો ઈતિહાસ - HISTORY
ન્યુઝ ડેસ્કઃ પ્રાચીન કાળથી જ યોગને શરીરના રોગોના ઉપચાર હોવાનું મનાય છે. યોગ જ્યાં એકતરફ શારીરિક રીતે વ્યક્તિને સ્વસ્થ્ય રાખવા માટે લાભકારી છે, ત્યારે બીજીતરફ માનસિક રીતે પણ સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. યોગને દેવતાઓના સમયનું વિજ્ઞાન પણ માનવામાં આવે છે. 21 જૂને કેમ ઉજવાય છે યોગ દિવસ, જાણો આ અહેવાલમાં...
હિન્દુ ધર્મમાં યોગને ઈશ્વર સાથે જોડનાર માધ્યમ ગણવામાં આવ્યું છે. મહાવીર અને બુદ્ઘના કાળમાં પણ યોગનું મહત્વનું સ્થાન રહ્યું છે. પરંતુ યોગ કોઈ ખાસ ધર્મ કે આસ્થાનો વિષય નથી. સામાન્ય રીતે લોકો યોગને શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે કરે છે. પરંતુ તે શરીરની સાથે મનને પણ સ્વસ્થ રાખે છે. યોગના માધ્યમથી મન અને શરીર વચ્ચે તાલમેલ બંધાય છે. યોગને વિદેશો સુધી પહોંચાડવામાં સ્વામી વિવેકાનંદ સહિત કેટલાય યોગાચાર્યોની ભૂમિકા રહી છે. યોગના ફાયદા સમજ્યા બાદ ધીમે-ધીમે દુનિયાભરના દેશોએ ભારતના આ વિજ્ઞાનને જરૂરી માની લીધુ.
21 જૂને કેમ ઉજવાય છે યોગદિન ?
27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત મહાસભામાં વડાપ્રધાન મોદીએ યોગ દિવસ માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. યૂએનના 193 સભ્ય દેશોમાંથી 177 દેશોએ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતુ. 11 ડિસેમ્બર 2014ના રોજ આ પ્રસ્તાવ મંજૂર કરાયો હતો. બાદમાં 21 જૂન 2015ના રોજ પ્રથમ વિશ્વ યોગ દિન ઉજવવામાં આવ્યો હતો.
21 જૂન ધરતીના ત્રીજા ભાગનો સૌથી લાંબો દિવસ છે. આ દિવસે સૂર્ય દક્ષિણ તરફ જાય છે. જે સમયે યોગ કરવાથી જલ્દી લાભ મળતો હોવાની માન્યતા છે. દુનિયાના કેટલાય દેશોમાં આ દિવસનું ખાસ્સું મહત્વ છે. દેશમાં યોગનું પ્રથમ મુખ્ય કાર્યક્રમ 2015માં નવી દિલ્હીમાં અને બીજો કાર્યક્રમ 2016માં ચંડીગઢ ખાતે ઉજવાયો હતો. પાંચમા યોગ દિવસનું આયોજન રાંચી ખાતે કરાયું છે.