નવી દિલ્હી: કોવિડ-19નો મુકાબલો કરવા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જે રીતે વ્યવસ્થાપન હાથ ધર્યું, તે અંગે આકરી ટીકાઓને પગલે ટ્રમ્પે આ વર્ષે યોજાનારી અમેરિકાના પ્રમુખપદ માટેની ચૂંટણીઓ પાછી ઠેલવાના પ્રયાસો કર્યા છે. તેમણે મેઇલ-ઈન વોટિંગ (ઈ-મેઇલ મારફતે મતદાન)નો વિકલ્પ સચોટ પરિણામો નહીં લાવે એવી દલીલ સાથે ચૂંટણી ટાળવાનો પ્રયત્ન કર્યો છે. હકીકત એ છે કે પ્રમુખપદની ચૂંટણી વિશે પોતાના સચોટ ભવિષ્યકથન માટે ગત 4 દાયકાથી જાણીતા અમેરિકાના ટોચના ઈતિહાસવિદના જણાવ્યા મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ આ ચૂંટણી હારી જશે.
વોશિંગ્ટન સ્થિત અમેરિકન યુનિવર્સિટીના એલાન લિચમેનનું ભવિષ્ય કથન ન્યુ યોર્ક ટાઈમ્સમાં તાજેતરમાં પ્રકાશિત થયું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, પ્રમુખપદની ચૂંટણીના મુખ્ય મોડેલના આધારે ડોનાલ્ડ ટ્રમ્પ નિશ્ચિતપણે આ ચૂંટણી હારી જશે.
ધ કીઝ ટુ ધ વ્હાઈટ હાઉસ નામના પુસ્તકના લેખક લિચમેન પોતાના “કીઝ” તરીકે ઓળખાતા મોડેલ માટે 13 ઐતિહાસિક પરિબળોને ધ્યાન ઉપર લે છે અને અન્ય ઓપિનિયન પોલ્સ કરતાં વિપરિત, તેમણે 1980ના દાયકાથી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીનાં મોટા ભાગનાં તમામ પરિણામોની સફળતાપૂર્વક આગાહી કરી છે.
દાખલા તરીકે, રિયલ ક્લિયર પોલિટિક્સના ડેટા ઉપર આધારિત ફાયનાન્સિયલ ટાઈમ્સની છેલ્લી આગાહી દર્શાવે છે કે, ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેન 538માંથી 308 મત સાથે વિજય મેળવશે, જ્યારે ટ્રમ્પને ફક્ત 113 મત મળશે. પ્રમુખપદના વિજેતા બનવા 538માંથી 270 મત મેળવવા આવશ્યક છે.
પ્રેસિડેન્ટ ટ્રમ્પનો દાવો છે કે, આ પ્રકારનાં ચૂંટણી સર્વેક્ષણો મોટા ભાગના ચૂપ રહેનારા વર્ગના અવાજનો પડઘો પાડતા નથી અને આ વર્ગ તેમની સાથે છે.
જો કે, લિચમેનનો દાવો છે કે તેમના “કીઝ” મોડેલને આધારે ટ્રમ્પની હાર નિશ્ચિત છે.
તો, આ “કીઝ” મોડેલ ખરેખર શું છે અને તે કેવી રીતે કામ કરે છે ?
આ મોડેલ જેના ઉપર આધારિત છે, તે 13 ઐતિહાસિક પરિબળો આ મુજબ છેઃ
- મધ્યમગાળાના લાભ
- સ્પર્ધા ન હોવી
- અવરોધ
- ત્રીજો પક્ષ ન હોવો
- ટૂંકા ગાળાનું મજબૂત અર્થતંત્ર
- લાંબા ગાળે મજબૂત અર્થતંત્ર
- નીતિમાં મોટો ફેરફાર
- કૌભાંડ ન હોવા
- વિદેશ-લશ્કરી નિષ્ફળતા ન હોવી
- વિદેશ લશ્કરી સફળતા હોવી
- સામાજિત અશાંતિ ન હોવી
- પ્રભાવશાળી પદભાર
- બિનપ્રભાવશાળી હરીફ ઉમેદવાર
પ્રત્યેક 13 માપદંડ બન્ને તરફ કહી શકાય તેવા નિવેદનો ઉપર આધારિત છે - હા અથવા ના. જો આમાંથી 6 અથવા તેથી વધુ કીઝમાં પ્રવર્તમાન પ્રેસિડેન્ટ ખોટા ઠરે તો તેઓ આવનારી ચૂંટણીમાં પરાજય પામે છે.
લિચમેન કહે છે કે ટ્રમ્પ વિરુદ્ધ બિડેનના કિસ્સામાં સાત કીઝ ઉપર ટ્રમ્પ ખોટા - ઊણા ઉતર્યા છે, જે ડેમોક્રેટ પક્ષના ઉમેદવાર બિડેનની તરફેણમાં જાય છે. મધ્યમ ગાળાના લાભ, ટૂંકા ગાળાનું મજબૂત અર્થંતંત્ર, લાંબા ગાળે મજબૂત અર્થતંત્ર, સામાજિક અશાંતિ ન હોવી, કૌભાંડ ન હોવાં, વિદેશી - લશ્કરી સફળતા અને પ્રભાવશાળી પદભાર.
ઓપિનિયન પોલ્સ કરતાં લિચમેનનું મોડેલ વધુ વિશ્વસનીય કેવી રીતે ગણાય ?
યુએસ ઈન્ડિયા પોલિટિકલ એક્શન કમિટીના સ્થાપક સભ્ય રોબિન્દર સચદેવે જણાવ્યું કે લિચમેને સૌથી અગત્યની વાત એ કહી છે કે પ્રમુખપદની ચૂંટણી માટે કેમ્પેઇન્સનું કોઈ મહત્ત્વ નથી.