નવી દિલ્હી: ગત 7 જાન્યુઆરીએ પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરંટ ઈશ્યૂ કરીને નિર્ભયાના આરોપીઓને 22 જાન્યુઆરીએ ફાંસીની સજા આપવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ 17 જાન્યુઆરીએ એક નવું ડેથ વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું અને જૂના ડેથ વોરંટ પર રોક લગાવવામાં આવી હતી. બીજા ડેથ વોરંટ મુજબ આરોપીઓને 1 ફેબ્રુઆરીએ ફાંસીની સજા આપવામાં આવવાની હતી. બીજા ડેથ વોરંટ પર કોર્ટે 31 જાન્યુઆરીના રોજ સ્ટે મુકવામાં આવ્યો હતો. હવે ગુનેગારો માટે હાલમાં કોઈ નવું ડેથ વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું નથી.
- ડેથ વોરંટ પર રોકનું કારણ
22 જાન્યુઆરી માટે પ્રથમ ડેથ વોરંટ ઈશ્યુ કરાયું હતું. ગત 17 જાન્યુઆરીએ પટિયાલા હાઉસ કોર્ટે આ ડેથ વોરંટ પર સ્ટે લાવવાની માગ કરતી સુનાવણી કરતાં નવું ડેથ વોરંટ જારી કર્યું હતું અને 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવાનો આદેશ આપ્યો હતો. 22 જાન્યુઆરીએ ડેથ વોરંટ સ્થગિત કરવાનું કારણ એ હતું કે, 17 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિએ મુકેશની દયા અરજીને નકારી કાઢી હતી. દયા અરજી નકારી કઢાયા બાદ 14 દિવસ પછી જ ફાંસી આપી શકાય છે. માટે પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરંટ જારી કર્યું હતું, જેમાં 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવાનું જણાવવામાં આવ્યું હતું. આ કેસમાં દોષી વિનયની દયા અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે, જેના કારણે પટિયાલા કોર્ટે 1 ફેબ્રુઆરી અપાનારી ફાંસી પર રોક લગાવી છે.
- ક્યા દોષિત પાસે ક્યો કાયદાકીય વિકલ્પ બાકી છે?
મુકેશ સિંહ-મુકેશસિંહે તમામ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરી લીધો છે. તેણે સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરૂદ્ધ રિવ્યુ પિટિશન અને ક્યુરેટિવ પિટિશન પણ દાખલ કરી હતી. તેની બંને અરજીઓ ફગાવી દેવામાં આવી છે. મુકેશની દયા અરજી પણ રાષ્ટ્રપતિ દ્વારા નકારી કાઢવામાં આવી છે.
વિનય શર્મા- વિનય શર્માએ પણ તમામ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરી લીધો છે. સુપ્રી કોર્ટે વિનયની રિવ્યુ પિટિશન અને ક્યુરેટિવ પિટિશન બંને અરજી નકારી કાઢી છે. વિનયની દયા અરજી રાષ્ટ્રપતિ દ્વારા આજે નામંજૂર કરવામાં આવી છે.