ભારતીય રાજકારણમાં કંઈક એવું બની રહ્યું છે, જેને જોઈને કહી શકાય કે, ચાણક્ય અને કૌટિલ્યા જેવા મહાન વ્યૂહરચનાકારોને પણ નવો પાઠ શિખવા મળશે. મહારાષ્ટ્રની રાજકીય ઉથલ-પાથલ તેનું જીવંત ઉદાહરણ છે.
કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરીની એ ટિપ્પણી કે, ભારતનું રાજકારણ અને ક્રિકેટ એકદમ અનિશ્ચિત છે. આ વાક્ય મહારાષ્ટ્રની ફડણવીસ સરકાર પર સંપૂર્ણ રીતે યોગ્ય સાબિત થાય છે. ગડકરીની સરકાર માત્ર ચાર દિવસમાં જ પડી ગઈ. 22 નવેમ્બર 2019 રાતના 8 વાગ્યા સુધી એ નક્કી માનવામાં આવતું હતું કે, શિવસેના-એનસીપી-કોંગ્રેસે ઉદ્ધવ ઠાકરેના નામ પર સહમતિ બનાવી લીધી છે. તે લોકો બીજા દિવસે રાજ્યપાલને મળવાના હતા. પરંતુ બીજા દિવસે સવારે આઠ વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રના રાજકારણમાં અચાનક પલટો આવી ગયો. જેણે પણ આ સમાચાર જોયા તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. દેવેન્દ્ર ફડણવીસ મુખ્યપ્રધાન પદના શપથ લઈ ચુક્યા હતા. એનસીપી નેતા અજિત પવારે ભાજપના સમર્થનનો દાવો કર્યો અને નાયબ મુખ્યપ્રધાન પદના શપથ લીધા. તેમણે એનસીપીના તમામ 54 ધારાસભ્યોનું ભાજપને સમર્થન હોવાનો દાવો કર્યો. જો કે, અજીત પવાર તેમના દાવાને હકીકતમાં ન બદલી શક્યા અને એનસીપીમાં કોઈ વિભાજન ન થયું.
જસ્ટિસ એન.વી. રમન્નાની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની બેંચના નિર્ણયને જોતા અજીત પવારે નાયબ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. બાદમાં મુખ્યપ્રધાન ફડણવીસે પણ રાજીનામું આપવુંએ યોગ્ય વિકલ્પ માન્યો. ત્યારબાદ રાજ્યપાલે એનસીપી-કોંગ્રેસ-શિવસેનાને સરકાર બનાવવાની તક આપી.
વર્તમાન સ્થિતિમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે, શું આ ત્રિપક્ષીય ગઠબંધન ન્યાય કરી શકે છે અને તેના પક્ષના વ્યક્તિગત સિદ્ધાંતો સાથે ટકરાવ કર્યા વિના સ્થિર સરકાર પુરી ટર્મ માટે ચલાવી શકે છે કે કેમ?
વર્ષ 1996માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ સ્પષ્ટ કહ્યું હતું કે, તેઓ વિરોધી પાર્ટીમાં વિભાજન કરીને સત્તામાં ટકી રહેવાનું પસંદ નહીં કરે. તેમની સરકાર માત્ર 13 દિવસમાં પડી ગઈ હતી. આ એક મોટું ઉદાહરણ હતું. વર્તમાન રાજકારણમાં આ પ્રકારનું ઉદાહરણ મળવું લગભગ અશક્ય છે. હાલમાં કોઈ પણ પાર્ટી સત્તા મેળવવા કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે.
મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલાં ભાજપ અને શિવસેનાએ ગઠબંધનની જાહેરાત કરીને ચૂંટણી લડી હતી. જેમાં ભાજપને 105 અને શિવસેનાને 56 બેઠકો મળી હતી. આ ગઠબંધનને સ્પષ્ટ બહુમતિ મળી હતી. બાદમાં શિવસેનાએ CM પદની માંગણી કરી અને રાજ્ય રાજકીય અસ્થિરતામાં ફસાઈ ગયું. સ્થિતિ એટલી વણસી ગઈ કે, રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું પડ્યું.