હૈદરાબાદ: ચાના કપ સાથે જેમની સવાર શરૂ થાય છે, તેમના માટે એક સારા સમાચાર છે. પશ્ચિમ બંગાળ, ખાસ કરીને દાર્જીલિંગની ચા સતત ઓર્ગેનિક થઇ રહી છે. પેસ્ટીસાઇડ્ઝ અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડવો એ પર્વતાળ અને તેરાઇ પ્રદેશનો નવો મંત્ર છે.
રાજ્યના ચાના બગીચાઓમાં જંતુનાશકોના વપરાશ અંગે ઘણા ટી ઓક્શનીયર્સની ચિંતાનું નિરાકરણ લાવતાં, પરિસ્થિતિ ઝડપથી બદલાઇ રહી છે. ચાનાં પાંદડાંને પેક કરીને નિકાસ બજાર અથવા તો સ્થાનિક ઉપયોગ માટે બજારમાં વપરાશ માટે મોકલવામાં આવે, તે પહેલાં ચાનાં પાંદડાં શ્રેણીબદ્ધ પ્રોસેસિંગમાંથી પસાર થાય છે.
બગીચામાં ખેતીની પ્રક્રિયા પશ્ચિમ બંગાળના સમગ્ર દાર્જીલિંગ પ્રદેશ અને જલપાઇગુડી, અલીપુરદુઆર, કૂચ બિહાર તથા ઉત્તર દિનાજપુરના કેટલાક ભાગોને સમાવતા તેરાઇ પ્રાંતમાં હાથ ધરાય છે. ખેતીની પ્રક્રિયા દરમિયાન વાવણી કરનારા લોકોએ જંતુ તથા કીટકોના ભારે ઉપદ્રવનો સામનો કરવો પડે છે. તેમાંથી ઉગારનારો એકમાત્ર રક્ષક ભારે વરસાદ છે, જે પણ સારા પાક માટે વિષમ સ્થિતિ ઊભી કરે છે.
સુકના ટી ગાર્ડનના ટી ગાર્ડન મેનેજર ભાસ્કર ચક્રવર્તી જણાવે છે કે, લૂપર કેટરપિલર્સ (ઇયળ) એ પશ્ચિમ બંગાળમાં ચાના બગીચાઓમાં જોવા મળતું સૌથી સામાન્ય જંતુ છે. ત્યાર પછીના ક્રમે લીલી માખી આવે છે. આ સિવાય, ચાનાં પાંદડાં પર લાલ રંગનાં ટપકાં પણ પ્લાન્ટર્સ માટે ચિંતાનો વિષય છે.
ચક્રવર્તીએ વધુમાં જણાવ્યું હતું કે, “થ્રિપ્સ નામના જંતુની ઘણી પ્રજાતિઓ ચાના છોડની કળીઓ, કૂમળાં પાન તથા મોટાં પાનને ખાઇને ભારે નુકસાન પહોંચાડે છે. ચાના છોડ પર જોવા મળતા આ જંતુને કારણે ચાના પાકને ઘણી હાનિ પહોંચાડે છે. અમારે જંતુનાશકોના ઉપયોગ અંગેની ચુસ્ત માર્ગદર્શિકા હેઠળ તેમનો સામનો કરવો પડે છે.”
તેરાઇ પ્રાંતમાં આવેલા દાગાપુર ટી ગાર્ડનના મેનેજર સંદીપ ઘોષે પણ ચક્રવર્તીના અભિપ્રાય સાથે સંમતિ દર્શાવી હતી.
“કેટલાક નાના બગીચા પેસ્ટીસાઇડ્ઝ (જંતુનાશકો)નો વધુ પડતો વપરાશ કરતા હતા, પરંતુ મોટા બગીચાઓમાં કદી પણ આવું કરવામાં આવ્યું નથી. અને આ દિવસોમાં, નાના બગીચાઓને પણ જાણ થઇ છે કે, જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ કરવાથી ટી બેચ તથા કન્સાઇનમેન્ટ્સ રદ કરવામાં આવશે,” તેમ તેમણે જણાવ્યું હતું.
કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય હેઠળનું સર્વોચ્ચ સંગઠન ટી બોર્ડ ઓફ ઇન્ડિયા ચાના વાવેતરમાં જંતુનાશકોના ઉપયોગ અંગે કડક માર્ગદર્શિકા ધરાવે છે. બોર્ડે એક સમાવેશક ટી પ્લાન્ટ પ્રોટેક્શન કોડ ઘડવા માટે ઉત્તર પૂર્વ ભારત માટે ટી રિસર્ચ એસોસિએશન (ટીઆરએ) અને દક્ષિણ ભારત માટે UPASI ટી રિસર્ચ ફાઉન્ડેશન (ટીઆરએફ) સાથે હાથ મીલાવ્યા છે.
આ કોડ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્ઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ નિર્દિષ્ટ કર્યા પ્રમાણે ખાદ્ય સલામતીના માપદંડોનું પાલન કરે છે તથા વપરાશ માટેના પ્લાન્ટ પ્રોટેક્શન ફોર્મ્યુલેશન્સ (પીપીએફ)ને ઇન્સેક્ટિસાઇડ એક્ટ, 1968 હેઠળ રચવામાં આવેલા રજિસ્ટ્રેશન કમિટિ ઓફ સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ્ઝ બોર્ડ (સીઆઇબી) દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. સીઆઇબી નવા જંતુનાશકોના ડેટા પર નજર રાખવાની તેમજ એ સુનિશ્ચિત કરવાની જવાબદારી ધરાવે છે કે, પરવાનગી આપવામાં આવેલા જંતુનાશકો ખાદ્ય સામગ્રી પર પરવાનગી ધરાવતી મર્યાદા કરતાં વધુ માત્રામાં અવશેષો ન છોડે.