મેષ: પ્રોફેશનલ મોરચે આપના પ્રોજેક્ટ સમયસર સફળતાપૂર્વક પૂરા થાય પરંતુ ડેડલાઇન સાચવવા માટે ક્યારેક વધુ મહેનત કરવાની તૈયારી પણ રાખવી. આ સમયમાં સરકારી પ્રશ્નો, કાયદાકીય બાબતોમાં સકારાત્મક પરિણામ આવી શકે છે. નવા સાહસો ખેડવાની અથવા નોકરીમાં નવી તકો હાંસલ કરવાની મનોમન ઇચ્છા થશે. તમે આ દિશામાં આગળ વધો તેમાં કંઇ ખોટુ નથી પરંતુ અવિચારી પગલું ભરવું નહીં. આર્થિક બાબતે પહેલા દિવસે તમે પોતાની જાત ખર્ચ કરો પરંતુ તે પછીના સમયમાં આવકના સ્ત્રોતો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશો અને તેનાથી ફાયદો પણ થઇ શકે છે. પિતા અથવા મિત્રો તરફથી કેટલાક લાભો મેળવી શકો છો. વિદ્યાર્થી જાતકો અભ્યાસમાં સારી એકાગ્રતા જાળવી શકશે અને કારકિર્દી બાબતે ગંભીર થઇને લક્ષ્ય હાંસલ કરવા માટે મહેનત વધારશે. સપ્તાહની શરૂઆતમાં આપના પરિવારજનો અને મિત્રતાના સંબંધો આપને સંતોષકારક લાગશે. આપને સંબંધોના કારણે જીવનમાં નવી આશા દેખાશે. વિજાતીય આકર્ષણ સારું રહેશે જેથી તમારા સાથીનો ઉત્તમ સંગાથ માણી શકો. સ્વાસ્થ્યનો વિચાર કરીએ તો, આપ દૈનિક ધોરણે આહારમાં જે કેલેરી આરોગો છો તેના કરતા ઓછી કેલેરી ધરાવતો ખોરાક લેવો જોઇએ. તેનાથી તમે લાંબાગાળાની સ્વાસ્થ્ય સુખાકારી મેળવી શકશો.
વૃષભ: કમ્યુનિકેશન આધારિત કામકાજોમાં આ સપ્તાહે તમે શરૂઆતથી વધુ ધ્યાન આપશો. આ ઉપરાંત નવા નવા લોકો સાથે મુલાકાત અને જુના ક્લાયન્ટ અથવા સહયોગીઓ સાથે ફરી સંપર્ક કરવાનું પણ આપની પ્રાધાન્યતાએ રહેશે. સપ્તાહના મધ્યમાં આ સકારાત્મક અભિગમથી આપના સ્વાસ્થ્યને નિશ્વિતપણે ફાયદો થશે. સપ્તાહના મધ્યમાં બિનજરૂરી ખર્ચ ના થાય તેની ખાસ તકેદારી રાખવી. આવક વધારવા માટે તમે સક્રિય થશો પરંતુ તેનું ફળ મળવા બાબતે મનમાં થોડી આશંકાઓ રહી શકે છે. અત્યારે પ્રોફેશનલ કોર્સમાં જોડાયેલા વિદ્યાર્થી જાતકો અભ્યાસમાં સારું ધ્યાન આપી શકશે. પ્રવેશને લગતી કામગીરી બાબતે કોઇની સાથે ચર્ચાની શક્યતા છે. સામાન્ય અભ્યાસમાં પણ વાંધો નહીં આવે પરંતુ ઉચ્ચ અભ્યાસ માટે વધુ સમય ફાળવવો પડશે. જો વિવાહિતો સંતાનસુખની ઇચ્છા રાખતા હોય તો આ સમયમાં પ્રયત્ન કરવાથી તે ઇચ્છા પરિપૂર્ણ થઇ શકે છે. આપની વચ્ચે સપ્તાહના પૂર્વાર્ધમાં ઘણી આત્મીયતા જળવાય અને સંબંધોમાં પરિપકવતા આવે. અત્યારે વધુ પડતું વિજાતીય આકર્ષણ તમારા માટે મુશ્કેલી ના સર્જે એટલું ધ્યાન રાખવું. આ સ્વાસ્થ્યને લગતા અનેક સકારાત્મક સંકેતો મળે. સપ્તાહના મધ્યમાં કેટલાક કારણોસર માનસિક રીતે પણ ચિંતિત જણાય અને અસ્થિરતાનો અનુભવ કરો પરંતુ તેનાથી તમારા દૈનિક જીવન પર કોઇ વિપરિસ અસર નહીં પડે.
મિથુન : સપ્તાહના પહેલા દિવસે મધ્યાહન સુધી આપના સંતાનને લઇને બાબતમા સકારાત્મક પરિણામની અપેક્ષા રાખી શકો છો. પ્રોફેશનલ બાબતોમાં શરૂઆતમાં શાંતિથી સમય વિતાવજો. સપ્તાહના મધ્યનો તબક્કો ભાગીદારી કે સંયુક્ત સાહસો માટે ઠીક નથી. જોકે, છેલ્લા ચરણમાં તમે કમાણી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને કામકાજમાં બહેતર પરફોર્મન્સ આપી શકશો. સપ્તાહના ઉત્તરાર્ધમાં સામાજિક રીતે વધુ સક્રિય થવુ આપના માટે ફાયદાકારક રહે. ઉચ્ચ અભ્યાસ કે વિદેશમાં અભ્યાસમાં જોડાયેલા વિદ્યાર્થી જાતકો માટે એકંદરે બહેતર સમય છે પરંતુ પૂર્વાર્ધમાં તમે ઓછા સક્રિય રહેશો. સંબંધો બાબતે અત્યારે થોડુ સાચવવું જરૂરી છે. પૂર્વાર્ધમાં ખાસ શાંતિથી સમય પસાર કરવો. આપને મનોમન એવું પણ લાગશે કે તમે અને તમારા જીવનસાથી એકબીજાથી ઘણા અલગ છો. જીવનસાથીની ખામીઓ દર્શાવતી વખતે આપ વધુ આક્રમક બનો અને તેની ટીકા કરતા ખચકાશો પણ નહીં. આ સ્વભાવ બદલશો તો વધુ ફાયદામાં રહેશો. સપ્તાહની મધ્યમાં વૈકલ્પિક થેરાપી અને નિયમિતપણે કસરત કરવાથી કાર્યક્ષમતામાં નોંધપાત્ર રીતે વધારો થશે.
કર્ક: સપ્તાહની શરૂઆતમાં પ્રિયપાત્ર સાથે સંબંધોમાં અસંતોષની લાગણી સ્પષ્ટપણે વર્તાશે કારણ કે તમે અત્યારે કારકિર્દીને વધુ મહત્વ આપી રહ્યા હોવાથી તેમની સાથે પૂરતો સમય નહીં વિતાવી શકો. શરૂઆતમાં સંબંધોમાં અંતર વધ્યુ હોવાની અનુભૂતિ પણ થશે. જોકે, સપ્તાહના મધ્યમાં તમે ફરી તમારા સાથી તરફ વધુ ઝુકેલા રહેવાથી પરિસ્થિતિ થાળે પડતી જણાશે. જે લોકો તમને મદદ કરવા માટે હરહંમેશ તૈયાર રહે અને તમારી બાબતોમાં રસ ધરાવે તે લોકો સાથે સંબંધો બાંધવા માટે તમે વધુ તત્પર રહેશો. સપ્તાહના મધ્યમાં તમારા સ્વાસ્થ્યમાં ઝડપી ચડાવઉતારની સંભાવના જણાઈ રહી છે. તમે કદાચ થોડા શારીરિક તણાવ અને માનસિક ટેન્શનમાંથી પસાર થશો જેથી સ્વાસ્થ્યની તમારે વધુ કાળજી લેવી આવશ્યક છે. સપ્તાહના અંતમાં આપનો આત્મવિશ્વાસ પણ વધશે. ટુંકમાં, આપને સારો જોડીદાર મળતા વધુ સલામતીનો અનુભવ કરશો અને ખુશ રહેશો. તમારી આર્થિક સ્થિતિ ઘણી લાભદાયી જણાતી હોવા છતાં, તમે શક્ય હોય ત્યાં સુધી બીજાને નાણાં આપવાનું ટાળજો.
સિંહ: સપ્તાહની શરૂઆતમાં તમે અંગત જીવનમાં સૌહાર્દ સ્થાપવામાં ધ્યાન આપશો અને પ્રિયપાત્ર સાથે પણ કમ્યુનિકેશન વધારશો. આપ જીવન અને સંબંધોને અલગ દૃષ્ટિકોણથી જોશો. પહેલા જે સમસ્યાઓ પડકારજનક હતી તે હવે આપના સકારાત્મક વલણને કારણે ઉકેલાઇ જશે. સપ્તાહના મધ્યમાં તમે પ્રોફેશનલ બાબતો ઘણું સારું ધ્યાન આપશો અને તેનાથી તમારી કારકિર્દી આગળના મુકામ સુધી લઇ જવામાં મદદ મળી શકશે. તમને સ્વાસ્થ્યની નાનીમોટી સમસ્યાઓ થઈ શકે છે પરંતુ સ્થિતિ તમે અંકુશમાં લઈ શકો તેવી જ રહેશે. ખાસ કરીને તમે ભાવનાત્મક પ્રવાહમાં તણાઈ ન જાવ તેવી કાળજી લેવી પડશે. આ સમયમાં આપને ભાગ્યનો સાથ મળી શકે છે. આપના કામના પ્રમાણનું ફળ મળવાથી પણ આત્મવિશ્વાસ અને જુસ્સો વધશે. સપ્તાહના અંતમાં તમારા પર વધારાની જવાબદારી આવી શકે છે અને ખર્ચની પણ શક્યતા છે. વિદ્યાર્થીઓ સપ્તાહના મધ્યમાં અભ્યાસમાં સારું ધ્યાન આપી શકશે. સ્વાસ્થ્ય બાબતે અંતિમ ચરણને બાદ કરતા એકંદરે સ્થિતિ સારી છે.
કન્યા: આ સપ્તાહમાં ઘરમાં શુભ પ્રસંગોનું આયોજન થાય અથવા કોઇ માંગલિક પ્રસંગમાં હાજરી આપો અને ત્યાં તમારી મુલાકાત ઘણા લોકો સાથે થતા તમે મનોમન આનંદ અનુભવો. આ ઉપરાંત સામાજિક ક્ષેત્રે તમારી સક્રિયતા વધે અને સમાજના કલ્યાણ માટે કંઇક કરવાની ભાવના મનમાં જાગે. રમણીય સ્થળે પ્રવાસ પર્યટનનું આયોજન થાય. પ્રોફેશનલ મોરચે સરકારી કાર્યોમાં સફળતા મળે. વડીલો તેમજ પૂજનીય વ્યક્તિઓને મળવાનું થાય. નોકરિયાતોને ઉપરીઓનું માર્ગદર્શન અને કૃપા બંને મળી રહેવાથી પગારવૃદ્ધિ સાથે બઢતીનો માર્ગ મોકળો થઇ શકે છે. જોકે, અત્યારે સ્વાસ્થ્યની થોડી કાળજી લેવી જરૂરી છે કે, છાતીમાં દર્દ કે અન્ય કોઈ વિકારથી પરેશાની અનુભવાય. ઋતુગત તાવ, ખાંસી, માથાનો દુઃખાવો, અજીર્ણની સમસ્યા પણ થવાની શક્યતા હોવાથી ખાવા-પીવા પર ખાસ ધ્યાન આપવું. સપ્તાહના મધ્યમાં નવા કામના પ્રારંભમાં સફળતા મળશે. વિદ્યાર્થી જાતકો માટે અત્યારે આશાસ્પદ સમય હોવાથી તકનો લાભ લઇને બીજી કોઇપણ બાબતો પર ધ્યાન આપવાના બદલે માત્ર અભ્યાસમાં આગળ વધશો તો ફાયદો થશે.