ચંદીગઢ: પંજાબ શબ્દમાં જ પાણીનો અર્થ છુપાયેલો છે. આબનો મતલબ પાણી થાય છે. જેલમ, ચિનાબ, રવિ, વ્યાસ અને સતલુજ આ નદીઓના નામ ઈતિહાસમાં નોંધાયેલા છે. જ્યારે ભાગલા પડ્યા ત્યારે નદીઓના પણ ભાગ પાડવામાં આવ્યા. આંધળા વિકાસને કારણે નદીઓ અને કેનાલ પ્રદૂષિત બન્યા. ભૂગર્ભ જળનું સ્તર નીચે ગયું. લોકોને બીમારીઓ થવા લાગી. પરંતુ આ સંકટને દૂર માટે સંત બલબીરસિંહ સીચેવાલ એક આશાનું કિરણ બનીને આવ્યા છે. જેમને, પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.
જળ અભિયાનને વેગવંતુ બનાવનાર કોણ છે સંત બલબીરસિંહ સીચેવાલ, વાંચો અહેવાલ સંત બલબીરસિંહ સીચેવાલની 20 વર્ષની મહેનતથી દેશને એક સરળ અને સસ્તું મોડલ આપવામાં આવ્યું છે, જે સરકારો પણ કરી શકી નથી. તેમણે તે એક જન આંદોલન દ્વારા કર્યું. આજથી આશરે 20 વર્ષ પહેલા, તે 15 જુલાઈ, 2000નો દિવસ હતો, જ્યારે સીચેવાલે જલંધરમાં પવિત્ર કાલી વેઇ નદીની સફાઇ કરવાનું કામ હાથમાં લીધું હતું અને તે સૌ માટે ઉદાહરણ બની ગયું હતું.
સંત બલબીરસિંહ સીચેવાલે અભિયાન શરૂ કર્યું હતું, પરંતુ રસ્તો એટલો આસાન ન હતો. તેઓ જાતે જ કાલી વેઇ નદીમાં ગયા અને જંગલી નીંદણ અને છોડ કાઢવાનું કામ શરૂ કર્યું હતું. આ જોઈને અનેક ગામના લોકોએ આ અભિયાનમાં જોડાવાનું નક્કી કર્યું હતું. આજે પરિણામ બધાની સામે છે.
કાલી વેઇ નદીને સાફ કર્યા પછી, સંત સીચેવાલનું પછીનું મિશન કચરાના પાણીનો ફરીથી ઉપયોગ કરવાનું અને પાણીના સ્તરને વધારવાનો હતું. આ માટે, સંતે સુલતાનપુર લોધી ગટરની માટી આવે ત્યાં સુધી જમીન ખોદી અને તે દ્વારા વરસાદ-પાણી એકત્રિત કરવાનું મોડેલ તૈયાર કર્યું. આ તે મોડેલ હતું, જ્યાંથી વરસાદનું પાણી ફરીથી રિચાર્જ કરવામાં આવ્યું હતું.
સંત બલબીરસિંહે ગંદા પાણીની વ્યવસ્થા માટે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની અપીલ કરી હતી. આ પછી, ઘણા ગામોમાં પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા હતા અને તે પ્લાન્ટમાં પાણીની પ્રોસેસ થયા પછી ગંદા પાણીનો ઉપયોગ ફરીથી ખેતીમાં થવા લાગ્યો હતો. તેમણે પોતાના ગામ સીચેવાલથી જ કૂવાઓ દ્વારા જળ-બચાવ શરૂ કર્યો હતો. જે ધીમે ધીમે બીજા સેંકડો ગામડા અને નગરોમાં ફેલાયો. આ પ્રક્રિયા હેઠળ, તળાવોમાં સંગ્રહ કરતા પહેલા કૂવાઓનો ઉપયોગ કરીને પાણી મુખ્યત્વે સાફ અને ફિલ્ટર કરવામાં આવે છે. પાણીને કોઈ પણ મશીનરીના ઉપયોગ વિના, સ્વદેશી તકનીકોનો ઉપયોગ કરીને પ્રોસેસ કરવામાં આવે છે.
ચાલો આ પ્રોસેસને સમજીએ...પહેલા કૂવામાં ઘન અશુદ્ધિઓ જમા થાય છે. બીજા કૂવામાં અશુદ્ધિઓ પાણીની સપાટી પર આવી જાય છે. ત્રીજા કૂવામાં શુદ્ધ પાણી જમા થાય છે. ત્યારબાદ પાણીને મોટા તળાવમાં જમા કરવામાં આવે છે. ત્યારબાદ પાઈપલાઈન દ્વારા પાણીને ખેતર સુધી અથવા આવશ્યક જગ્યા સુધી પહોંચાડવામાં આવે છે.
17 ઓગસ્ટ, 2006ના દિવસે રાષ્ટ્રપતિ ડૉ.અબ્દુલ કલામ સીચેવાલ ગામની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, કાલી વેઈ નદીને સાફ કરવી અને તેમાં પાણીનો સંગ્રહ કરવો એક શ્રેષ્ઠ કાર્ય છે.
હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર સિવાય દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને બિહારના મુખ્યપ્રધાન નિતીશ કુમારે સીચેવાલ ગામની મુલાકાત લીધી હતી.
સંત બલબીરસિંહ સીચેવાલની નિઃસ્વાર્થ સેવા કાલી વેઈ નદીથી ચાલુ થઈ હતી અને 20 વર્ષની અંદર તેમની સેવા સતલજ સુધી પહોંચી છે. જે પોતાનામાં એક ઐતિહાસિક ઘટના છે. સંત બલબીરસિંહ સીચેવાલના નેક અને ઉમદા કાર્ય માટે ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે.