ન્યૂઝ ડેસ્ક: ભારતમાં કોવિડ-19ની કટોકટીનો સૌથી મોટો ફટકો નિઃશંકપણે પરપ્રાંતીય કામદારો ઉપર પડ્યો છે. સતત લાદવામાં આવેલા લોકડાઉનને કારણે ખરેખર કેટલા પરપ્રાંતીય કામદારોને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે, તેના ચોક્કસ વિશ્વસનીય આંકડા ઉપલબ્ધ નથી, છતાં પોતાને વતન પરત ફરવા માટે તેઓ જે સંઘર્ષ કરી રહ્યા છે, તે પરેશાન કરી મૂકે તેવો છે. શહેરી વિસ્તારોમાંથી પોતાને વતન પાછા ફરી રહેલા પરપ્રાંતીય કામદારોની મોટા પાયે અવરજવરને કારણે ભારતમાં છેલ્લાં કેટલાંક દાયકામાં તેમના પ્રત્યે રાખવામાં આવેલી સામાજિક-રાજકીય ઉદાસીનતા ઉઘાડી પડી ગઈ છે. પરપ્રાંતીય કામદારો તરફ સોશિયલ મીડિયામાં દર્શાવવામાં આવતી સૌહાર્દતા અને સરકારી તંત્ર દ્વારા તેમને પોતાના ઘરે પહોંચાડવા માટે વિશેષ ટ્રેનો ચલાવવા બાબતે જે વાતો ચર્ચાઈ રહી છે, તેનાથી પરપ્રાંતીય કામદારો અનેક દાકાઓથી જે અનેક અસામાનતાઓ ઝેલી રહ્યા છે, તે નોંધપાત્ર રીતે પ્રકાશમાં આવી છે. પરપ્રાંતીય કામદારોની દુર્દશા માટે ગંભીરપણે જવાબદાર હોય તેવી ત્રણ મુખ્ય અસમાનતાઓ અહીં દર્શાવાઈ છે.
પરપ્રાંતીય કામદારો ભોગવી રહ્યા હોય તેવી સૌથી મોટી અસમાનતા છે, અળગાપણું અને ભૌતિક વૃત્તિનું નવું સ્વરૂપ. કારખાનાના માલિક અને કામદાર વચ્ચેનાં પરંપરાગત સંબંધથી વિપરિત, મુક્ત અર્થવ્યવસ્થા ધરાવતા બજારમાં પરપ્રાંતીય કામદારને કારખાનામાં મૂડી રોકનારા માલિકો સાથે ભાગ્યે જ કોઈ સંબંધ હોય છે. મજૂર ઠેકેદાર, કામદારોને મૂડી રોકનારા માલિકોથી અળગા રાખવામાં તેમજ તેમને પોતાના ઉપર આર્થિક અવલંબિત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. રોજનું રળીને રોજ ખાનારા કામદારો, જેમાં મોટા ભાગે પરપ્રાંતીય કામદારો હોય છે, તેઓ મજૂર ઠેકેદારોની કૃપા ઉપર ટકે છે અને તેમને પોતાના અધિકારો અને હકો તેમજ તેઓ જે ઉદ્યોગમાં કામ કરી રહ્યા છે, તેના અંગે કોઈ માહિતી-જ્ઞાન હોતાં નથી, તેમજ તેઓ મોટા ભાગે નોંધણી પણ ધરાવતા નથી હોતા. નોંધાયેલા ન હોય તેવા કામદારોથી ઉદ્યોગો તેમજ મજૂર ઠેકેદારોને વધુ લાભ મળે છે, પરંતુ તેમાં માત્ર આવા કામદારનું પોતાનું જ હિત હોતું નથી. કામદારોને ઉદ્યોગોથી અલગ રાખવાની તેમજ વેપારની વચ્ચે મજૂર ઠેકેદાર સાથેની તેમની ઉપજની આ પ્રક્રિયા વિકાસ અને ઝડપી શહેરીકરણની આકાંક્ષા ધરાવતા ભારતની એક સામાન્ય લાક્ષણિકતા છે. આ અભૂતપૂર્વ લોકડાઉન લાદવામાં આવ્યો, તે દરમિયાન ઉદ્યોગો અને મજૂર ઠેકેદારો બંનેએ કામદારોને આર્થિક અનિશ્ચિતતામાં ધકેલીને પોતાની જવાબદારીમાંથી હાથ ધોઈ નાંખ્યા. કામદારો ઉપર લોકડાઉનની અસરોને ધ્યાન ઉપર નહીં લેવાની સરકારોની ઉદાસીનતા રાજકીય અસમાનતાનું પાસું છતું કરે છે.
પરપ્રાંતીય કામદારો જે રાજકીય અસમાનતા સાથે જીવી રહ્યા છે, તે બે પરિબળો દ્વારા જોઈ શકાય છે રાજકીય ચકચારનો અભાવ અને ચૂંટણીલક્ષી રાજકારણમાં નબળું પ્રતિનિધિત્વ. સ્થળાંતર કરીને આવેલા કામદારો તેમના વતનથી દૂર શહેરી વિસ્તારોમાં આવ્યા હોવાથી તેઓ રાજકીય રીતે નિર્બળ ગણાય છે, કેમકે તેમને પોતાનાં હિતો માટે લડવામાં કોઈ રુચિ નથી હોતી અથવા પોતાના લાભ માટે કોઈ રાજકીય સત્તા તેમની પાસે નથી હોતો. ખાસ કરીને દૈનિક વેતન મેળવતા કામદારો, જેઓ એક શહેરમાંથી બીજા શહેરમાં અથવા તો શહેરની અંદર જ અનેક સ્થળોએ અવારનવાર ફરી રહ્યા હોય છે, તેમને રાજકી પક્ષો દ્વારા સંભવિત મતદાતાઓ તરીકે ધ્યાન ઉપર લેવાતા જ નથી. એકવાર રાજકીય પક્ષોને ખબર પડી જાય કે પરપ્રાંતિય કામદારો તેમની સંભવિત વોટ બેન્ક છે, તો ગમે એટલા અંતરિયાળ વિસ્તારોમાં જઈને પણ તેઓ તેમનો સંપર્ક કરશે, એવાં કેટલાંક પુરાવા પણ છે. ઉદાહરણ તરીકે, વર્ષ 2019ની વિધાનસભા તેમજ લોકસભાની ચૂંટણીઓ પૂર્વે ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયક ડિસેમ્બર, 2018માં ઓડિશાથી મોટી સંખ્યામાં ગુજરાતમાં સુરત આવીને વસેલા પરપ્રાંતિય કામદારોની મુલાકાતે સુરતમાં આવ્યા હતા. મોટા ભાગના પરપ્રાંતીય કામદારો રાજકારણમાં ચૂંટણીનાં પરિણામો ઉપર ભાગ્યે જ કોઈ અસર પાડતા હોવાથી કોવિડ-19ની કટોકટી દરમિયાન તેમને ખાસ કોઈ મુશ્કેલી વિના નિરાધાર છોડી મૂકાયા હતા.