માહિતી પ્રમાણે, રાજસ્થાનના કુશલગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે નંબર પ્લેટ વગરની ગાડી બસ્સી ગામમાં પહોંચી હતી. જેથી ગ્રામજનોએ અધિકારીઓને જોતા બદમાશ સમજી માર માર્યો અને મકાનમાં બંધ કરી દીધા હતા. જેમાં 4 લોકો ઘાયલ થયા છે. આ ઘાયલ લોકોએ ગ્રામજનોને જણાવ્યું કે, તેઓ ગુજરાત પોલીસના અધિકારીઓ છે, પરંતુ સિવિલ ડ્રેસ અને નંબર પ્લેટ વગરની ગાડી જોતા ગ્રામજનોએ તેમની સાથે મારપીટ કરી હતી.
રાજસ્થાનમાં ગુજરાત પોલીસના ચાર અધિકારીઓને બદમાશ સમજી ગ્રામજનોએ માર્યો ઢોર માર
બાંસવાડાઃ ચોરીની ઘટનાની તપાસ અર્થે કુશલગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચેલી ગુજરાત પોલીસના ચાર અધિકારીઓને ગ્રામજનો દ્વારા ઢોર માર મારી બંદી બનાવી લીધા હોવાનો મામલો સામે આવ્યો છે. ત્યારબાદ સ્થાનિક પોલીસે આ અધિકારીઓને છોડાવ્યા હતા અને સબ ઈન્સપેક્ટરની રીપોર્ટના આધારે મામલાની તપાસ કરી હતી.
આ ઘટનાની જાણકારી કુશલગઢ પોલીસને થતાં ઘટનાસ્થળ પર પહોંચી હતી. જ્યાં સ્થાનિક પોલીસે ગુજરાત પોલીસના 4 સભ્યોની પૂછતાછ કરી ગ્રામજનોને સમજાવી અધિકારીઓને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ ઘટનામાં ગુજરાત પોલીસના ઈન્સપેક્ટર ઘનશ્યામ કુમાર ઘાયલ થઈ ગયા હતા.
સબ ઈન્સપેક્ટર ઘનશ્યામ કુમારે કુશલગઢ પોલીસને જણાવ્યું કે, તેઓ ગુજરાતના વલસાડ જિલ્લાના પાલડી પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં ચોરીની ઘટનામાં સંડોવાયેલ બસ્સી ગામના કનુ નામના વ્યક્તિની શોધખોળ કરવા માટે બાંસવાડા આવ્યા હતા. કનુના મોબાઈલ લોકેશનના આધારે તેઓ મોડી રાત્રે બસ્સી ગામમાં પહોંચ્યા હતા. જ્યાં તપાસ દરમિયાન કનુને પોલીસ પર શંકા ન જાય તે માટે તેમની ટીમ સિવિલ ડ્રેસ અને નંબર પ્લેટ વગરની ગાડીમાં ત્યાં પહોંચ્યા હતા.