લખનઉ: ઉત્તરપ્રદેશ સરકારે ગેંગસ્ટર વિકાસ દુબેના થયેલા એન્કાઉન્ટર અંગે સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે પોતાનો જવાબ આપ્યો છે. રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, હિસ્ટ્રીશીટર વિકાસ દુબે અને તેના સાથીઓનું એન્કાઉન્ટર સાચું હતું. આ કેસમાં આગામી સુનાવણી 20મી જુલાઈએ હાથ ધરવામાં આવશે. ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. સરકારે કહ્યું કે, વાસ્તવિક તથ્યો બતાવે છે કે, તેને બનાવટી એન્કાઉન્ટર કહી શકાય નહીં.
સરકારે સર્વોચ્ચ અદાલતને જાણ કરી કે, સરકારે આ કેસમાં સમગ્ર માર્ગદર્શિકાઓનું પાલન કર્યું છે. પરંતુ મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે, દુબેએ સરેંડર કર્યું નહતું. તેની ઓળખ ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં થઈ હતી અને બાદમાં તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. કાનપુર એન્કાઉન્ટરને લઈને સુપ્રીમ કોર્ટના એડવોકેટ અનુપ પ્રકાશ અવસ્થીએ સુપ્રીમ કોર્ટમાં પીઆઇએલ દાખલ કરી હતી. હવે રાજ્ય સરકારના જવાબ પછી તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશ સરકારે તેમના કોઇ પણ સવાલનો જવાબ આપ્યો નથી. તેમનું કહેવું છે કે, સરકારે કરેલા દાવા નવા નથી. તમામ પ્રેસ કોન્ફરન્સની વાતો પુનરાવર્તિત થાય છે. સરકારનો જવાબ એ મૂળભૂત પ્રશ્નોના જવાબ નથી. તમામ પુરાવા નાબૂદ કરવા અંગે પોલીસ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.