ગાંધીનગર: ગુજરાતની ભાજપ સરકારે કોંગ્રેસ પાર્ટીના એ દાવાને નકારી કાઢ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ યાત્રા પર 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, ટ્રમ્પની યાત્રા સંદર્ભે કુલ 12.5 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યાં હતાં.
CM વિજયભાઈને એ ન સમજાયું કે, લોકોએ 100 કરોડનો આંકડો ક્યાંથી ગોત્યો! - CM Vijay Rupani
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસે આવીને પરત અમેરિકા જતા રહ્યા છે, પરંતુ તેમની યાત્રા સાથે જોડાયેલો વિવાદ પુરો થવાનું નામ નથી લઈ રહ્યો. ટ્રમ્પની યાત્રા પર કરવામાં આવેલા ખર્ચને લઈને કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ દાવો કર્યો છે કે, ટ્રમ્પની યાત્રા પાછળ 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. મોઢવાડિયાના આ દાવાને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નકારી કાઢ્યો છે.
CM રૂપાણીએ વિધાનસભામાં કહ્યું કે, રાજ્ય સરકારે ટ્રમ્પની ગુજરાત મુલાકાતની તૈયારી માટે 8 કરોડ રૂપિયા મંજૂર કર્યાં હતાં. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 4.5 કરોડ રૂપિયા ફાળવ્યાં હતાં. આ અંગે વિરાધ પક્ષ કોંગ્રેસે દાવો કર્યો હતો કે, રાજ્ય સરકારે 100 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો છે.
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, રાજ્ય સરકારે 24 ફેબ્રુઆરીએ અમેરિકાના પ્રેસિડેન્ટની ગુજરાતની ત્રણ કલાકની મુલાકાત માટે 100 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. કોંગ્રેસના આ દાવાને નકારી કાઢતા CM વિજય રૂપાણીએ કહ્યું કે, 'મને એ નથી સમજાતું કે, લોકો 100 રૂપિયાનો આંકડો ક્યાંથી ગોતી લાવ્યા છે. આ બાબતે હું સ્પષ્ટતા કરતા જણાવું છું કે, મારી સરકારે માત્ર 8 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતાં અને AMC દ્વારા 4.5 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા'.