વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા જાતીય અધિકારોની સમજ કંઈક આ રીતે આપવામાં આવી છે, “જે રીતે માનવ અધિકારોને સમ્માન આપવામાં આવે છે, તેમનુ રક્ષણ કરવામાં આવે છે અને તેને પરીપુર્ણ કરવામાં આવે છે તે જ રીતે જાતીય સ્વાસ્થ્યને પણ પ્રાધાન્ય મળવુ જોઈએ. જે અધિકારોનો આંતરરાષ્ટ્રીય અને સ્થાનીક માનવ અધિકારોના દસ્તાવેજો અને અન્ય સર્વમાન્ય દસ્તાવેજોમાં તેમજ રાષ્ટ્રીય કાયદામાં સ્વીકાર કરવામાં આવ્યો છે તેમાં જ જાતીય અધિકારોના કેટલાક મુદ્દાઓનો સમાવેશ થાય છે.” જો કે એવું પણ કહેવામાં આવે છે કે આ એક કાર્યકારી વ્યાખ્યા છે અને તેમાં એ વાતની સંમતીનો પણ સ્વીકાર છે કે કેટલાક માનવ અધિકારોનું સમ્માન અને રક્ષણ કર્યા વીના જાતીય આરોગ્યને જાળવી શકાતુ નથી. “જાતીયતા અને જાતીય સ્વાસ્થ્ય પર હાલના માનવ અધિકારોને લાગુ કરવાથી જે અધિકારો બને છે તેને જ જાતીય અધિકારો કહી શકાય. જાતીય અધિકારો દરેક વ્યક્તિને અન્ય વ્યક્તિના અધિકારોને ધ્યાનમાં રાખીને તેમની જાતીયતાને વ્યક્ત કરવાના અને તેનો પોષવાના અધિકારનું રક્ષણ કરે છે. આ ઉપરાંત દરેક વ્યક્તિને ભેદભાવ સામે પણ રક્ષણ પુરૂ પાડે છે.”
જાતીય આરોગ્ય એ એક એવો મુદ્દો છે કે જેના વિશે જાહેરમાં વાત કરવાનું આપણા દેશમાં લોકો ટાળે છે. જો કે નવી પેઢીએ હવે આ વિષય પર જાહેરમાં વાત કરવાનું શરૂ કર્યું છે. તેઓ શું સાચુ છે અને શું ખોટુ છે તે વીશે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે અને આ જ વિષય પર અન્ય લોકોમાં જાગૃતિ પણ ફેલાવી રહ્યા છે. જાતીય અધિકારોને આપણા દેશમાં પ્રાથમીકતા આપવી જરૂરી છે કારણ કે એવી ઘણી પરીસ્થીતિ છે કે જ્યાં વ્યક્તિની, અને ખાસ કરીને મહિલાની, જાતીયતાને આધારે તેના વીશે પૂર્વધારણા બાંધવામાં આવે છે. મહિલાઓને અનઅપેક્ષીત અને અણધારી ગર્ભાવસ્થા, હિંસા, અસુરક્ષિત ગર્ભપાત, જાતીયતા સાથે જોડાયેલા ચેપ (STIs) અને આ વિષયોને લગતી અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હવે સમય બદલાઈ રહ્યો છે પરંતુ તેમ છતા આપણા દેશમાં હંમેશા એક યા બીજી રીતે જાતીય ભેદભાવનું અસ્તિત્વ રહ્યુ છે. જો કે બીજી તરફ પુરૂષો પણ જાતીય સતામણીનો ભોગ બને છે તે વાતને નકારી ન શકાય.