કોંગ્રેસના ધારાસભ્ય બાલાસાહેબ થોરાટે પ્રધાન પદના શપથ લીધા છે. શિવસેનાના એકનાથ શિંદે અને સુભાષ દેસાઈ તથા NCPના છગન ભુજબલ અને જયંત પાટીલે પણ પ્રઘાન પદના શપથ લીધા છે.
મહારાષ્ટ્રના 18માં મુખ્પ્રધાન બન્યા ઉદ્ધવ ઠાકરે ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ લઇ લીધા છે. આ શપથ સમારોહમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના મુખ્ય રાજ ઠાકરે પણ પહોંચ્યા હતાં. ઉદ્ધવ ઠાકરે પણ શપથ ગ્રહણ કરવા માટે શિવાજી પાર્ક પહોંચ્યા હતાં. શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થનારા નેતામાં DMK ચીફ એમ.કે.સ્ટાલિન, DMK નેતા ટી.આર.બાલૂ, કોંગ્રેસ નેતા અહમદ પટેલ, NCP નેતા પ્રફુલ પટેલ સહિત અન્ય નેતાઓ પહોંચ્યા હતાં.
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના દાદરમાં શિવાજી પાર્ક આજે રાજ્યની રાજનીતિમાં સૌથી મોટા ઘટનાક્રમનો સાક્ષી બન્યો. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગુરૂવારે મહારાષ્ટ્રના 18માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. તેઓ મનોહર જોશી અને નારાયણ રાણે બાદ આ પદ મેળવનાર શિવસેનાના ત્રીજા નેતા છે. જ્યારે ઠાકરે પરિવારમાંથી આ પદ મેળવનાર ઉદ્ધવ પ્રથમ નેતા છે. ઠાકરેની આ સરકારમાં NCP શિવસેના અને કોંગ્રેસનું ગઠબંધન છે. શપથ બાદ ઉદ્ધવ રાત્રે 8 વાગ્યે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં પ્રથમ કેબિનેટની બેઠક કરશે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંઘીએ શપથ સમારોહમાં હાજરી આપી નથી. તેમણે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો કે, 'શિવસેના, NCP અને કોંગ્રેસ એવા સમયે સાથે થઇ, જ્યારે દેશ ભાજપથી ઉત્પન્ન થયેલા જોખમનો સામનો કરી રહ્યો છે.' ઉદ્ધવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોનના માધ્યમથી શપથ સમારોહમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું. આ અગાઉ એમણે વડાપ્રધાનને આમંત્રણ પત્ર મોકલીને પણ આમંત્રિત કર્યા હતા.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે, ઉદ્ધવ ઠાકરેજીને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન. મને વિશ્વાસ છે કે, તે મહારાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે ખંતપૂર્વક કામ કરશે.