મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના પ્રભાવિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આઠ અધિકારીઓ સહિત કુલ 37 પોલીસ કર્મચારીઓ કોરોનાથી પ્રભાવિત થયાં છે. આ અંગેની માહિતી એક અધિકારીએ આપી છે.
આ અંગે અધિકારીએ જણાવ્યું કે, કોરોના પ્રભાવિત પોલીસ કર્મચારીઓમાંથી 29 સિપાહી છે. જે લોકોને લોકડાઉનની સ્થિતિમાં પોતાની ફરજ બજાવતી વખતે કોરોના ગ્રસ્ત લોકોના સંપકર્માં આવ્યાં હતાં.
આ સાથે અધિકારીએ કહ્યું કે, 'લોકડાઉન લાદવાથી લોકો દ્વારા તેનું સંપૂર્ણ પાલન થાય તે માટે પોલીસ રાત-દિવસ મહેનત કરી રહી છે. આ દરમિયાન અમુક ભીડવાળા અને સંવેદનશીલ વિસ્તારમાં ફરજ બજાવતી વખતે પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત લોકોના સંપર્કમાં આવ્યાં હતાં.'
તેમણે વધુમાં કહ્યું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં 37 પોલીસ કર્મચારીઓ કોરોના પ્રભાવિત થયાં છે. નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરાના પ્રભાવિત લોકોની સંખ્યા 3648એ પહોંચી છે.