નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં રામ મંદિરના સંચાલન માટે ‘રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’નો ઠરાવ પાસ કરાયો હતો. જેની જાહેરાત બાદ અમિત શાહે ટ્રસ્ટ અંગેની જાણકારી આપી હતી. તેમજ ટ્વીટ કરીને વડાપ્રધાનને આ નિર્ણય અંગે શુભેચ્છા પાઠવી હતી, તો બીજી તરફ યોગી સરકારે રામ મંદિર મુદ્દે જાહેરાત થયા બાદ અયોધ્યામાં મસ્જિદ બનાવવાનું એલાન કર્યુ હતું.
અમિત શાહે જણાવ્યું હતું કે, "રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં 15 સભ્યો રહેશે. જેમાંથી એક સભ્ય 1 દલિત હશે." તેમજ તેમણે બુધવારે ટ્વીટ કરીને સમાજના પાયાને મજબૂત કરતો નિર્ણય લેવા માટે વડાપ્રધાન મોદીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યાં હતાં.
અમિત શાહે આજે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, "ભારતની આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક ભગવાન શ્રીરામના મંદિર પ્રત્યે વડાપ્રધાન મોદીની પ્રતિબદ્ધતા માટે તેમને કોટી કોટી અભિનંદન. આજે સમગ્ર દેશ ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે."
નોંધનીય છે કે, "અમિત શાહ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં માહિતી આપી હતી કે, કેબિનેટે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ સ્થાપવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે." તેમણે જણાવ્યું હતું કે, "આ ટ્રસ્ટ અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મસ્થળ પર ભવ્ય રામ મંદિરના નિર્માણ અને તેના નિર્ણય લેવા માટે સંપૂર્ણ સ્વતંત્ર રહેશે. ગત વર્ષે 9 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે રામ મંદિર મુદ્દે કરેલા નિર્ણય દરમિયાન સરકારને ટ્રસ્ટ રચવાનો નિર્દેશ આપ્યો હતો."
આમ, ભાજપ સરકાર રામમંદિર મુદ્દે કરેલા નિર્ણય વિશે જાણકારી આપી રહી છે, ત્યાં બીજી તરફ યોગી સરકાર પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. કારણ કે, બુધવારે યોગી મંત્રીમંડળે અયોધ્યામાં મસ્જિદ બનાવવાનો મોટો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાની મંજૂરી આપી દીધી છે. ટ્રસ્ટને 'રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' નામ આપવામાં આવ્યું છે. બુધવારે યોજાયેલી કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અને વડાપ્રધાન મોદી સંસદમાં આ નિર્ણયની જાણકારી આપી છે. ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યાના રૌનહિ વિસ્તારમાં મસ્જિદના નિર્માણને મંજૂરી આપી દીધી છે અને 5 એકર જમીન સુન્ની વકફ બોર્ડને આપવામાં આવી છે.