એવું કહેવું પણ યોગ્ય નથી કે, 2020માં યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણીને ધ્યાને રાખી ટ્રમ્પે આ પ્રકારનો નિર્ણય લીધો હોય. આ નિર્ણયની પૃષ્ઠભૂમિને સમજવી જરૂરી છે. દક્ષિણ ચીન સાગરમાં ચીને પોતાનું આગવું વર્ચસ્વ વધારી અમેરિકા સહિત અનેક દેશોને પડકાર આપ્યો છે. ચીને દક્ષિણ ચીન સાગરના મોટા ભાગ પર પોતાની દાવેદારી ઠોકી વિયેતનામ તથા ફિલીપાઈન્સ જેવા અનેક નાના દેશોના સમુદ્રી વિસ્તાર તથા ટાપૂ પર પોતાનો હક્ક જમાવી દીધો છે. બીજી બાજુ છેલ્લા થોડા સમયથી અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપારમાં યુદ્ધ જેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે.અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીન પર ખુલ્લેઆમ આરોપ લગાવ્યો છે કે, તે અમેરિકી કંપનીઓની બૌદ્ધિક આવડતની ચોરી કરી અજબો ડૉલર કમાઈ રહ્યું છે. આટલુ જ નહીં ચીનમાં રહેલી અમેરિકી કંપનીઓને પણ આગ્રહ કર્યો છે કે, ચીનમાં પોતાના વ્યવસાય બંધ કરી અમેરિકા આવતા રહે અથવા તો અન્ય કોઈ દેશમાં જતા રહે.
પ્રશાંત મહાસાગર અને ભારતીય મહાસાગરમાં ચીની નૌસેનાની વધતી દખલગીરીથી અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત માટે ગંભીર ચિંતાનો વિષય છે. આ સંદર્ભમાં અમેરિકી રક્ષા વિભાગે એશિયા પેસિફિકની જગ્યાએ ઈંડો-પેસિફિક સમુદ્રી સુરક્ષાની નવી ફોર્મ્યુલા રજૂ કરી છે. જેમાં ચીની સેનાના પ્રભાવનો સામનો કરવાની યોજનામાં ભારતીય નૌસેનાની મોટી ભૂમિકા હશે. અમેરિકા, જાપાન, ભારત તથા ઓસ્ટ્રેલિયાની વચ્ચે યોજાનારા વાર્ષિક સેનાના અભ્યાસને પણ આ સંદર્ભમાં જોઈ શકાય ! ભારતની નીતિ એ રહી છે કે, અમેરિકા સાથે વધતા સંબંધોની નકારાત્મક અસર ચીન સાથેના સંબંધોમાં ન આવે. પણ વિતેલા થોડા દિવસોમાં જોઈએ તો જમ્મુ કાશ્મીરના મુદ્દા પર ચીને જે રીતે પાકિસ્તાનનું સમર્થન કર્યું છે, તે જોતા લાગે છે કે, ભારત અને ચીનના સંબંધોમાં બદલાવ આવશે.
વિદેશ પ્રધાન એસ. જયશંકરની વાત અહીં સચોટ દાખલારુપ છે કે, વ્યાપાર-યુદ્ધ કાયમ ખરાબ નથી હોતુ. તેનાથી જો વ્યાપાર સંતુલિત થાય તો સારી વાત છે.આ ચીન માટે સીધો લલકાર હતો કે, વ્યાપાર અને અન્ય મુદ્દા પર આંતરિક સંબંધોનું અંતર હવે ઘટી ગયું છે. પણ તેનો એ પણ અર્થ નથી કે, ભારત કોઈ ચીન વિરોધી સૈન્ય સમૂહનો ભાગ બનવા માગે છે.હાઉડી મોદી કાર્યક્રમમાં ટ્ર્મ્પની ભાગીદારી ચીન માટે સ્પષ્ટ સંદેશો છે કે, અમેરિકા ચીનની આર્થિક તાકાતને નબળી બનાવવાનો નિર્ણય લઈ ચૂક્યું છે, તથા આ અભિયાનમાં ભારતને એક મજબૂત ભાગીદાર તરીકે જોવાઈ રહ્યું છે.