મેલા-ઘેલા કપડાં, સફેદ-કાળી આછી દાઢી, હાથમાં તીર કામઠુ લઈને છત્તીસગઢના પોલીસ મુખ્યાલયમાં એક આદિવાસી વૃદ્વ પહોંચ્યા હતા. સતત બે દિવસ સુધી ચાલી 40 કિલોમીટરનું અંતર કાપીને આવ્યો હોવાનું તેણે પોલીસને જણાવ્યુ હતું. તેની આ વાત સાંભળીને પોલીસ અધિકારી સહિતના તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા. તરસ કે ભુખની પરવા કર્યા વગર ન્યાય માટે આવેલા 50 વર્ષના શખ્સે તેનું નામ બુટ્ટુરામ જણાવ્યું હતું.
50 વર્ષના બુટ્ટુરામ 40 કિમી ચાલીને પહોંચ્યા પોલીસમથક, આપવીતી સાંભળીને ચોંકી જશો માત્ર પૈસાના અભાવના કારણે જ 40 કિલોમીટર પગપાળા આવનાર બુટ્ટુરામની ગરીબી અને લાચારી જોઈ પોલીસ સ્તબ્ધ બની હતી. ભુખ કે તરસની પરવા કર્યા વગર આવનાર બુટ્ટુરામને પોલીસે જમાડ્યો હતો. પોલીસને તે આટલું ચાલીને આવ્યો એની કરતાં વધારે આશ્ચર્ય તેની આપવીતી સાંભળીને થયું હતું. પત્ની સામે ફરીયાદ લઈને આવેલા બુટ્ટુરામે કહ્યું હતું કે, પાંચ વર્ષ પહેલા છોડી તેની પત્ની બીજા સાથે જતી રહી હતી. એટલું જ નહીં બે વર્ષ પહેલા તેની ગેરહાજરીમાં બાળકોને પણ લઈને જતી રહી હતી.
પત્ની જતા રહ્યા પછી તો બુટ્ટુરામ બધુ ભુલીને જીવન વિતાવી રહ્યો હતો. પરંતુ બાળકોથી વિખુટા પડી જવાથી તે બેચેન બન્યો હતો. બે વર્ષથી તે એકલતામાં જિંદગી વ્યતિત કરતો હતો. બાળકો વગર તેનું જીવવું મુશ્કેલ બન્યું હતું. સ્થાનિક પોલીસ પાસેથી સંતોષ નહીં મળતાં તેણે 40 કિલોમીટર દુર પોલીસ મુખ્યાલયમાં આવવાનું વિચાર્યું હતું. પરંતુ પૈસા ન હોવાથી તે વધારે વિચાર્યા વગર ઘરેથી ચાલી નીકળ્યો. બે દિવસ સુધી સતત ચાલતા રહી તે એસ.પી કાર્યલયમાં પહોંચ્યો હતો. તેણે પોલીસ અધિકારી સમક્ષ બાળકો પાછા મેળવવા માટે મદદની માગ કરી હતી.
ન્યાયની ઝંખના કોઈપણ વ્યક્તિને મોટા જોખમ ખેડવા પ્રેરિત કરે છે. છત્તીસગઢમાં બનેલી આ ઘટના ત્યાંની વરવી વાસ્તવિકતા તો દર્શાવે જ છે. પણ પોલીસ તંત્ર અને ન્યાયતંત્ર પર લોકોના ભરોસાને પણ ઉજાગર કરે છે. યક્ષ પ્રશ્ન એ પણ ઉભો થયો છે કે, સરકાર દ્વારા આદિવાસીઓનાં ઉત્થાન માટે દર વર્ષે કરોડો રુપિયાનો ખર્ચ કરાઈ છે. તેમ છતાં બુટ્ટુરામ જેવા કોરવા આદિવાસીઓને ઉપેક્ષાનો ભોગ બનવો પડે છે. કારણ કે, કરોડો રુપિયાના આંધણ પછી પણ સુવિધાઓ તેમના સુધી પહોંચતી જ નથી. તે હકીકત છે.