- ઈસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિક તપન મિશ્રાનો ચોંકાવનારો ખુલાસો
- બેંગલોરમાં ઝેર આપી તેમને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
- ફેસબુક પર પોસ્ટ કરી સમગ્ર ઘટના અંગે કરી વાત
અમદાવાદઃ ઈસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લીકેશન સેન્ટરના પૂર્વ નિદેશક તપન મિશ્રાએ એકો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે ફેસબુક પર પોસ્ટ શેર કરી જણાવ્યું કે તેમને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વર્ષ 2017માં તેમને ઝેર આપવામાં આવ્યું હોવાનો તેમણે દાવો કર્યો છે. તપન મિશ્રાએ આ ઘટસ્ફોટ ફેસબુક પોસ્ટમાં કર્યો છે. જો કે, તેમને પોસ્ટમાં એવું પણ કહ્યું છે કે તેમને કોઈ આઈડિયા નથી કે તેમને ઝેર કોણે અને કેમ આપ્યું હતું?
બેંગલોરમાં તેમની સાથે બની ઘટના
તપન મિશ્રાએ પોતાની ફેસબુક પોસ્ટમાં તેમની સાથે બનેલી એક ઘાતક ઘટના અંગે ખુલાસો કર્યો છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે વર્ષ 2017 માં તેમને ઝેર આપી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે લખ્યું છે કે આ ઝેર તેમને બેંગલોરમાં પ્રમોશન ઇન્ટરવ્યૂ દરમિયાન આપવામાં આવેલા નાસ્તામાં ભેળવીને આપવામાં આવ્યું હતું. તપન મિશ્રાએ તેમની ફેસબુક પોસ્ટની પુષ્ટિ કરી હતી. તેઓએ જણાવ્યું કે, ઘર પર જે આર્સેનિક અપાય છે, તે ઓર્ગેનિક હોય છે. પરંતુ તેમને જે ઝેર આપવામાં આવ્યું હતું તે એક ઈનઓર્ગેનિક હતું. તેની એક ગ્રામ માત્રા કોઈ પણ વ્યક્તિને મારવા માટે કાફી છે.
આ ઘટના બાદ તપન મિશ્રા અમદાવાદ પરત ફર્યા
તપન મિશ્રાએ ફેસબુક પોસ્ટ પર લખ્યું છે કે 23મે 2017ના રોજ તેમને જીવલેણ આર્સેનિક ટ્રાઇઓક્સાઇડ (Arsenic Trioxide) આપવામાં આવી હતી. ત્યારબાદ છેલ્લા બે વર્ષથી મારી હાલત ખરાબ હતી. ઇન્ટરવ્યૂ પછી હું ખુબ જ ગંભીર હાલતનો સામનો કરી રહ્યો હતો. તેથી હું બેંગ્લોરથી અમદાવાદ પાછો આવ્યો હતો.
બ્લીડિંગ થવાથી હાલત વધારે ગંભીર બની
અમદાવાદ પરત ફર્યા બાદ તેમને એનલ બ્લીડિંગ (ગુદા રક્તસ્રાવ) થઈ રહ્યું હતું. આ અંગે તેમણે જણાવ્યું કે બ્લિડિંગ થવાથી મને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ત્વચા બહાર આવી રહી હતી. હાથ અને અંગૂઠા પરથી નખ ઉખાડવા લાગ્યા હતાં. શરીરના બાહ્ય અને આંતરિક અવયવો પર હાપોક્સિયા, હાડકામાં દુ:ખાવો, સેંશેશન, હાર્ટ એટેક, આર્સેનિક ડિપોજિશન અને શરીરના બહારી અને અંદરના અંગો પર ફંગલ ઇન્ફેક્શન થઈ રહ્યું હતું. પેટમાં થોડા બચેલા આર્સેનિકને લીધે બે વર્ષ સુધી મને એટલું બ્લીડિંગ થયું કે મેં 30થી 40 ટકા લોહી ગુમાવ્યું.