આજે વર્ષ 2019નું છેલ્લું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. જે દક્ષિણ ભારતના તમિલનાડુ સહિત અન્ય રાજ્યોમાં પણ જોવા મળશે. સૂર્યગ્રહણ સવારે 9:00 વાગ્યાથી બપોરે 1: 35 સુધી દેખાશે. આ ગ્રહણ પર દેશભરના વૈજ્ઞાનિકો નજર રાખી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, આ સૂર્યગ્રહણ કર્ણાટકના કોડાગુ મદિકેરીના એક ગામ કાઈમાનીમાં 100 ટકા જોઈ શકાશે.
ઉલ્લેખનિય છે કે, વિજ્ઞાન અને ટેકનિકલ વિભાગે આ ગ્રહણ જોવા માટે વિશેષ તૈયારી કરી છે. વિવિધ સ્થળોએ ટેલિસ્કોપ લગાવવામાં આવ્યા છે. જેથી વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો આ વર્ષના અંતિમ સૂર્યગ્રહણ જોવાનો લાભ લઈ શકે.
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં સૂર્યોદય પછી આ વલયાકાર સૂર્યગ્રહણ દેશના દક્ષિણ ભાગમાં કર્ણાટક, કેરળ અને તમિલનાડુના ભાગોમાં જોવા મળશે, જ્યારે દેશના અન્ય ભાગોમાં તેને આંશિક સૂર્યગ્રહણ તરીકે જોઈ શકાશે. કર્ણાટકના કોડાગુ મદિકેરીના એક ગામ કાઈમાનીમાં સૂર્યગ્રહણ 100 ટકા દેખાશે. ભારતમાં દેખાનારા આ સૂર્યગ્રહણના સમયે સૂર્યનો આશરે 93 ટકા ભાગ ચંદ્ર દ્વારા ઢકાયેલો રહેશે.
- કેવી રીતે થાય છે સૂર્યગ્રહણ?
જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્રના આગમનને કારણે સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પહોંચતો નથી, ત્યારે આ પરિસ્થિતિને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.
- ભારતમાં હવે પછીનું સૂર્યગ્રહણ ક્યારે દેખાશે?
ભારતમાં આગામી સૂર્યગ્રહણ 21 જૂન 2020ના રોજ દેખાશે. આ એક વલયાકાર સૂર્યગ્રહણ હશે. ગ્રહણનો તબક્કાનો ઉત્તર ભારતમાંથી પસાર થશે. જ્યારે દેશના બાકીના ભાગોમાં તે આંશિક સૂર્યગ્રહણ તરીકે જોવા મળશે.