તબીબી પરીક્ષણ દિવસની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ?
વર્ષ 2005થી દર વર્ષે 20મી મેના રોજ આંતરરાષ્ટ્રીય તબીબી પરીક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમ્સ લિન્ડે તેના પ્રસિદ્ધ તબીબી પરીક્ષણની શરૂઆત 20મી મે, 1747ના રોજ કરી હોવાને પગલે આ દિવસ ઉજવાય છે.
તબીબી પરીક્ષણ દિવસ દર્દીઓ અને ખાસ કરીને એવા દર્દીઓ જેમણે તબીબી પરીક્ષણોમાં ભાગ લીધો છે અને જેમના કારણે વધુ સારી અને નવી દવાઓ ઉપલબ્ધ છે, તેમને સમર્પિત છે. આ દિવસ વિશ્વભરમાં જાગૃતિ ફેલાવવા તેમજ તબીબી સંશોધનોમાં રોકાયેલા વ્યાવસાયિકોના સન્માનમાં ઉજવાય છે.
તબીબી પરીક્ષણોમાં તંદુરસ્ત તેમજ જેમની માંદગીનું નિદાન થયું છે તેવા - એમ બંને પ્રકારના સ્વયંસેવકોને કારણે જ ભૂતકાળની તેમજ હાલની અભૂતપૂર્વ વૈજ્ઞાનિક પ્રગતિ સાધી શકાઈ છે. કથાના વાસ્તવિક નાયકો દર્દીઓ છે. વિવિધ દવાઓની મનુષ્ય ઉપર થતી અસરને સમજવામાં તેમના યોગદાન વિના આજે સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્રે આપણે જે પ્રગતિ સાધી છે, તે અસંભવ હોત.
તબીબી પરીક્ષણ શું છે ?
કોઈ નવી દવાને વિશાળ જનસમૂહના ઉપયોગ માટેની મંજૂરી અપાય તે પહેલાં તેનું વ્યાપક પરીક્ષણ થયું હોય અને તેને સંબંધિત નિયમનકારી એજન્સીઓ દ્વારા મંજૂરી મળી હોય તે આવશ્યક છે. દવાઓ, સાધનો કે પદ્ધતિને જાહેર જનતાના વપરાશ માટે તેમજ માર્કેટિંગ માટે મંજૂરી આપતાં પહેલાં તે સલામત અને અસરકારક છે કે નહીં, તે શોધવા માટે કાળજીપૂર્વક આયોજિત કરાયેલા અને નિરીક્ષણ કરાયેલાં સંશોધન અભ્યાસને તબીબી પરીક્ષણો - ક્લિનિકલ ટ્રાયલ્સ કહે છે. હાથ ધરવામાં આવતાં મોટા ભાગનાં તબીબી પરીક્ષણો દર્દીઓ ઉપર નવી દવાઓ, તબીબી સાધનો, જીવવૈજ્ઞાનિક પાસાં અથવા અન્ય અંતરાયોનું મૂલ્યાકન કરવા માટે ચુસ્ત વૈજ્ઞાનિક ઢબે નિયંત્રિત વ્યવસ્થાતંત્રમાં હાથ ધરાય છે તેમજ તે માટે નવી પદ્ધતિઓની મંજૂરી માટે નિયમનકારી અધિકારીની મંજૂરી આવશ્યક છે.
વર્તમાન સમયમાં આ દિવસનું મહત્ત્વ
વિશ્વના તમામ દેશો કોવિડ-19થી પ્રભાવિત છે, ત્યારે હાલમાં તબીબી પરીક્ષણ દિવસ અત્યંત મહત્ત્વપૂર્ણ બન્યો છે. સમગ્ર વિશ્વ મહામારી કોવિડ-19 સામે સાથે મળીને જંગે ચઢ્યું ચે અને આ વૈશ્વિક રોગચાળાને અટકાવવા એડી-ચોટીનું જોર લગાવી રહ્યું છે.
વિશ્વભરમાં કોવિડ-19ની દવાની મનુષ્ય ઉપર અજમાયશ કરવા માટે અનેક લોકો સ્વયંસેવક તરીકે આગળ આવ્યા છે. આપણે જાણીએ છીએ કે વિશ્વમાં રોજ હજારો લોકો કોવિડ-19ગ્રસ્ત બની રહ્યા છે અને હજારો લોકોએ આ બીમારીને કારણે પોતાનાં જીવ ગુમાવ્યાં છે. કટોકટીની આ વેળાએ વૈજ્ઞાનિકોને કોરોનાવાયરસને મ્હાત કરી શકે તેવી દવા વિકસાવવા માટે મનુષ્ય ઉપર પ્રયોગ કરવા સ્વયંસેવકોની જરૂર છે. આવા સ્વયંસેવકો પોતાની ઉપર આ દવાની અજમાયશ કરાવવા આગળ આવી રહ્યા છે. વિશ્વના કરોડો લોકોના જીવ બચાવવા માટે પોતાની ઉપર કરવામાં આવતા પ્રયોગો દરમ્યાન કેટલીકવાર તેમણે પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે.
મહામારી કોવિડ-19 દરમિયાન - તબીબી પરીક્ષણ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને ભાગીદારો દ્વારા કોવિડ-19ની અસરકારક સારવાર શોધવામાં મદદરૂપ થવા સોલિડારિટી નામે આંતરરાષ્ટ્રીય તબીબી પરીક્ષણ શરૂ કરાયું છે. સોલિડારિટી ટ્રાયલમાં સરળ પ્રક્રિયાઓ પૂરી પાડવામાં આવે છે, જેમાં ક્ષમતા કરતાં વધુ દર્દીઓ ભરતી થયા હોય તેવી ઓવરલોડેડ હોસ્પિટલો પણ ભાગ લઈ શકે છે અને પેપરવર્કની પણ જરૂર નથી. 80 કરતાં વધુ દેશો સાથે મળીને આ ટ્રાયલ દ્વારા શક્ય એટલી ઝડપે અસરરકારક ઉપચારો શોધી રહ્યા છે. એટલે, સોલિડારિટી ટ્રાયલ દ્વારા 80 ટકા સમય ઘટશે.
દર્દીઓને દેશભરમાં કોરોનાવાઈરસ માટે ચાલી રહેલા તબીબી પરીક્ષણો સાથે જોડવાના ઉદ્દેશથી એક નવું પબ્લિક હેલ્થ ટૂલ પણ શરૂ કરાયું છે, જે વર્લ્ડ વિધાઉટ કોવિડ તરીકે ઓળખાય છે.
આ દિવસની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ :
વર્ષ 1747માં જેમ્સ લિન્ડ દ્વારા એચએમએસ સેલિસબરીના બૉર્ડ ઉપર સ્કર્વી નામની બીમારી માટે સૌપ્રથમ તબીબી પરીક્ષણ શરૂ કરાયાની વર્ષગાંઠ નિમિત્તે આ દિવસ ઉજવાય છે. તેમના પરીક્ષણમાં ફક્ત 12 પુરુષો સામેલ હતા, તેમને જોડીમાં વહેંચવામાં આવ્યા હતા અને સાઈડર (સફરજનના રસમાંથી બનાવેલું પીણું)થી માંડીને નારંગી અને લીંબું સહિતનાં વિવિધ પૂરક આહાર આપવામાં આવ્યા હતા. આ પરીક્ષણ માત્ર છ દિવસ ચાલ્યું, પરંતુ તે દરમ્યાન, ફળ ખાનારા જૂથમાં તેનો નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જેના ઉપરતી જેમ્સ લિન્ડને ખાટાં ફળો અને સ્કર્વી વચ્ચેના જોડાણ માટે જરૂરી પુરાવો મળ્યો હતો. આ તબીબી પરીક્ષણને આધારે આધુનિક તબીબી સંશોધન માટેનો પાયો નંખાયો.
વિશ્વનું સૌપ્રથમ તબીબી પરીક્ષણ :
ખ્રિસ્તીઓના ધાર્મિક ગ્રંથ બાઈબલમાં બૂક ઓફ ડેનિયલમાં વિશ્વના સૌપ્રથમ તબીબી પરીક્ષણની નોંધ હોવાનું કહી શકાય. આ તબીબી અજમાયશ, કોઈ તબીબ દ્વારા નહીં, પરંતુ એક સાધનસંપન્ન લશ્કરી નેતા કિંગ નેબુચદનેઝ્ઝાર દ્વારા કરવામાં આવી હતી. બેબીલોન ઉપર તેના શાસનકાળ દરમ્યાન નેબુચદનેઝ્ઝારે તેની પ્રજાને ફક્ત માંસ ખાવાનો અને ફક્ત વાઈન પીવાનો આદેશ આપ્યો હતો. તે માનતો હતો કે આ આહાર તેમને શારીરિક રીતે મજબૂત બનાવશે. પરંતુ શાહી પરિવાહના કેટલાક શાકાહારી યુવાનોએ આ સામે વાંધો ઉઠાવ્યો. રાજાએ આ બળવાખોરોને કઠોળ અને પાણીનો આહાર લેવાની છૂટ આપી - પરંતુ ફક્ત 10 દિવસ માટે જ. જ્યારે નેબુચદનેઝ્ઝારની અજમાયશ પૂરી થઈ, ત્યારે માંસાહાર કરનારા કરતાં શાકાહાર કરનારા લોકો વધુ પુષ્ટ જણાતા હતા, એટલે રાજાએ કઠોળ પ્રેમીઓને તેમનો આહાર આરોગવાની મંજૂરી આપી. મનુષ્ય જાતિની ઉત્ક્રાંતિ બાદ આ કદાચ પહેલી જ એવી ઘટના હશે, જેમાં મુક્ત, અંકુશવિહિન માનવ પ્રયોગને આધારે જાહેર જનતાના આરોગ્ય માટે કોઈ નિર્ણય લેવાયો હોય.
ભારતમાં તબીબી પરીક્ષણ :
તાજેતરમાં જ ભારત તબીબી પરીક્ષણો માટે આકર્ષક દેશ તરીકે ઓળખ પામ્યો છે. પરંતુ તબીબી સંશોધનના ક્ષેત્રે દેશ ઘણો લાંબો ઈતિહાસ ધરાવે છે.
ભારત પાસે પરંપરાગત ઔષધિ - આયુર્વેદનો સમૃદ્ધ વારસો છે. પ્રમાણભૂત, ઉચ્ચ કોટિના આયુર્વેદ શાસ્ત્રમાં બીમારીઓ વિશે વિસ્તૃત નિરીક્ષણો તેમજ ઉપચારો અંગે ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન અપાયેલું છે. આ છણાવટો આયુર્વેદના પ્રાચીન નિષ્ણાતો દ્વારા સીધા નિરીક્ષણને આધારે રજૂ કરાઈ હોવાનું અનુમાન છે. જોકે, પૌરાણિક ગ્રંથોમાં તબીબી પરીક્ષણો બાબતે કોઈ દસ્તાવેજીકરણ ઉપલબ્ધ નથી. એટલે, આપણે ભારતમાં તબીબી સંશોધનના તાજા ઈતિહાસ ઉપર પાછા વળવું પડે તેમ છે.