નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ તમિલનાડુના તૂતીકોરિનમાં પિતા અને પુત્રની કસ્ટડીમાં થયેલી મૃતોના કેસની તપાસ હાથ ધરી હતી. આ મામલે બે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. કેન્દ્રની મંજૂરી બાદ એજન્સીએ આ પગલું ભર્યું હતું. તૂતીકોરિન જિલ્લામાં પોલીસના ત્રાસથી પિતા અને પુત્રના મોત થયા હતા જેની તપાસ માટે CBI ની માગ કરવામાં આવી હતી. જે બાદ તમિલનાડુમાં તપાસ માટે CBI એ એક ટીમ પણ બનાવી છે.
તમિલનાડુના મુખ્ય પ્રધાનના વિનંતી બાદ તપાસ CBIને ટ્રાન્સફર કરવામાં આવી હતી. કેન્દ્રએ જાહેરનામું બહાર પાડ્યાના એક દિવસ બાદ એજન્સીએ કેસ નોંધ્યો હતો. CBIના પ્રવક્તા આર.કે. ગૌરે કહ્યું, "CBI એ તમિલનાડુ સરકારની વિનંતીથી કોવિલપટ્ટી જિલ્લાના બે વેપારીઓની કસ્ટડીમાં મોત મામલે બે કેસ નોંધ્યા છે."અધિકારીએ જણાવ્યું હતું કે, એજન્સીએ તુતીકોરિન જિલ્લાના પોલીસ સ્ટેશન કોવિલપટ્ટીમાં અગાઉ નોંધાયેલા કેસની તપાસ હાથ ધરી છે.