વેપાર માટે, એક કરતાં વધુ ધિરાણકાર પાસેથી ઉછીના લેવા સામાન્ય છે, તેથી ધિરાણકારો દેવાદારને વ્યક્તિગત રીતે હેરાન કરે તે કરતાં વસૂલી કે સમજૂતી પ્રક્રિયા માટે તમામ ધિરાણકારો સંમત થાય તેના પર ધ્યાન અપાયું છે. તેના પ્રારંભથી, આઈબીબીઆઈની પાસે બહુ ખાસ રાહતનો શ્વાસ લેવાની જગ્યા કે સમય નહોતો કારણકે ખરાબ દેવાંનો પહાડ વધતો જતો હતો. આઈબીબીઆઈ ખૂબ જ ઝડપથી દોડી રહ્યું છે તે હકીકત છતાં, દૂરથી એવું લાગે છે કે તે ત્યાં ને ત્યાં જ ઊભું છે. જોકે આઈબીસીનું ઉપયોગી પાસું એ છે કે તેણે તેના ટૂંકા અસ્તિત્વમાં સમસ્યાઓની જે તીવ્રતાનો સામનો કરવો પડ્યો તેમ છતાં પ્રમાણમાં સારાં પરિમાણો મેળવ્યાં છે. આઈબીસીનો હેતુ અને અગત્ય એ છે કે કેસ દાખલ થાય તેના ૨૭૦ દિવસોની અંદર સમગ્ર પ્રક્રિયા પૂરી કરવી પડશે. આનો અર્થ એ થાય છે કે આઈબીસી હેઠળ મોકૂફીની સંખ્યા મર્યાદિત છે જેનો પાછો અર્થ એવો થાય છે કે તે દુષ્ટ નિષ્ઠાવાળા અરજદારોને નબળા આધાર, જે કેસોમાં વિલંબનું મોટું પરિબળ હોય છે, તેના પર મોકૂફી દ્વારા કેસમાં વિલંબ કરવાની તક આપતો નથી.
કાર્ય અને પડકારો
કોઈ પણ વૃદ્ધિ પામતા અર્થતંત્ર માટે ખાનગી સાહસોમાં વૃદ્ધિ જરૂરી હોય છે. જેમ જેમ વેપાર મોટો થાય છે તેમ તેમ તે રોજગાર, જીડીપી અને સરકાર માટે આવક વધારે છે જેના કારણે મોટું સકારાત્મક ચક્ર શરૂ થાય છે. કોઈ પણ વેપારધંધાની પ્રવૃત્તિ માટે બે મહત્ત્વનાં પાસાંઓ- (૧) ખરીદ અને વેચાણ અને () વેપારમાં પ્રવેશ અને નિર્ગમન- સફળ અને અસરકારક રીતે પૂર્ણ થાય તે જરૂરી હોય છે. આ બંને સંપૂર્ણ વિશ્વાસ સાથે પૂરું ન થાય તો ખાનગી આર્થિક પ્રવૃત્તિ ક્યારેય સફળ ન થાય. હવે આપણે જેને વેપારમાં સરળતા (ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ) કહીએ છીએ, તે માત્ર ત્યારે જ થઈ શકે જયારે સાહસ, જેટલા શક્ય તેટલા ટૂંકા સમયમાં શરૂ થવાની અને સંકેલાઈ જવાની આશા રાખી શકે.
આ જ રીતે વેપારધંધાનો મોટો ભાગ તેમની જરૂરિયાત માટે નાણાં ધિરાણ પર લેતો હોય છે. જે પણ ધિરાણકાર ધિરાણ માટે આગળ આવે અને ઈચ્છુક હોય તે ત્યારે જ તેમ કરશે જ્યારે તેને તેનાં નાણાં પાછળ મળવાની આશા હોય અને જો ધિરાણ લેનાર ધિરાણ પાછું ચૂકવવામાં ઠાગાઠૈયા કરે તો તેને નાણાં વસૂલવાની પ્રક્રિયા માટે આશા હોય. ભારતના અર્થતંત્રમાં મૂડીની ઉણપના સૌથી મોટાં કારણો પૈકીનું એક એ છે કે વિશ્વના બીજા સૌથી વધુ વિકસિત અર્થતંત્રની જેમ આપણી પાસે ગતિશીલ બૉન્ડ બજાર નથી. બૉન્ડ બજાર વિકસાવવાના મોટા ભાગના પ્રયાસોને મર્યાદિત સફળતા મળી છે કારણકે ધિરાણકાર કાયદાકીય રીતે તેનાં નાણાં વસૂલી શકે તેમાં લાંબો સમય વિતી જાય છે. તે વળી પાછી મોટી સમસ્યા છે કારણકે આપણી કાનૂની પ્રણાલિ સંરચના (ઇન્ફ્રાસ્ટ્રક્ચર)માં તંગીની સમસ્યાથી પીડાય છે અને કારણકે તેમાં મોટી સંખ્યામાં કેસો લટકેલા હોય છે (જે લગભગ ૩.૩ કરોડ જેટલા થવા જાય છે).
આઈબીસીના પ્રદાનને અનેક વાર ખોટું સમજાયું છે. પ્રદાનની કોઈ પણ સમજૂતીમાં દાવાની ગતિશીલતાના પ્રકાર તરફ જોવું જોઈશે અને અહીં જ લોકો ઘણી વાર આઈબીસી વિરુદ્ધ પોતાનો અભિપ્રાય બનાવી લે છે. તેની શરૂઆતથી (ડિસેમ્બર ૨૦૧૬થી સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી) ૨૫૪૨ કૉર્પોરેટ દેવાળા કેસો દાખલ થયા છે જેમાંથી ૧૮૬ કેસો અપીલ પર કે સમીક્ષા પર કે સમાધાન પર બંધ કરાયા છે, ૧૧૬ પાછા ખેંચાયા છે, ૫૮૭ કેસોમાં ફડચામાં (લિક્વિડેટ) જવાનો આદેશ અપાયો છે, જ્યારે ૧૫૬ કેસોમાં ઉકેલની યોજનાને મંજૂરી મળી છે. ટૂંકમાં ૧૦૪૫ કેસો બંધ થઈ ગયા છે જ્યારે ૧૪૯૭ કેસો અલગ-અલગ તબક્કાઓમાં છે. ફડચાં (લિક્વિડેશન), ૪૯૮ કેસોમાં સ્વૈચ્છિક ફડચું થયું છે તેમાંના ૭૫ ટકા ફડચાં (લિક્વિડેશન), તેમની વ્યાવસાયિક રીતે ટકાઉ ન હોવાથી અથવા કોઈ વેપાર ન કરતા હોવાના કારણે થયું છે.
ફાઇનાન્શિયલ ક્રેડિટર (અને જેમાં ઑપરેશન ક્રેડિટર અથવા સપ્લાયર વગેરે વેપાર દરમિયાન જે નાણાં આપે તેને બાદ કરતા) દ્વારા પાછા મળી શકે તેવાં કુલ નાણાં રૂ. ૩.૩૨ લાખ કરોડ છે. તેમાં ૧૨ મોટાં ખાતાં (તેમાંના અનેક રાજકીય રીતે સારી રીતે જોડાયેલાં જૂથો છે)નો સમાવેશ નથી થતો જ્યાં બૅન્કોને આરબીઆઈના નિર્દેશ પર કાર્યવાહી શરૂ કરવાની ફરજ પડી હતી. બધું મળીને, ૧૨ કપનીઓએ રૂ. ૩.૪૫ લાખ કરોડ ચૂકવવાના દાવા છે. આ ખાતાં પૈકી, આઈબીસીની કાર્યવાહીથી સાત કંપનીઓ પાસેથી રૂ. ૧,૦૧,૯૦૬ કરોડ છૂટાં થયાં. બાકીના ખાતાં કાં તો ઉકેલ અથવા ફડચા એમ અલગ-અલગ તબક્કાઓમાં છે. આ સાત કંપનીઓ પૈકીની ચારમાં નાણાં છૂટા થવાનું પ્રમાણ ૪૦% કરતાં વધુ છે જ્યારે તેમાંના ત્રણમાં નાણાં છૂટા થવાનું પ્રમાણ ૫૦% કરતાં વધુ છે.
ટીકા અને જટિલતા
આઈબીસીની મોટી ટીકા એ છે કે વસૂલીનો દર ઘણો નીચો છે અને તે કાયદામાં આપેલી ૨૭૦ દિવસની સમયમર્યાદાને વળગી રહેતો નથી. લેવાતો સરેરાશ સમય ૩૦૦ દિવસથી ૩૭૪ દિવસ છે જેમાં અપવાદરૂપ કેસમાં વધુ સમય પણ લાગે છે. છૂટાં થયેલાં નાણાંની રકમ હંમેશાં વિવાદજનક હોય છે. પરંતુ એ સમજવું અગત્યનું છે કે વિશ્વભરમાં ઐતિહાસિક અનુભવ છે કે એક વાર કંપની, ખાસ કરીને વિશાળ રકમના દેવાવાળી, તેની (દેવું ચૂકવવાની) ફરજ નિભાવવામાં નિષ્ફળ જાય છે ત્યારે તે પૂરી રીતે દેવાળું ફૂંકે તે પહેલાં તેના કુલ દેવાને પાછું ભરપાઈ કરી શકે તેની ૧૦ ટકા કરતાં ઓછી સંભાવના હોય છે. આ રીતે દેવાળું ફૂંકવાના કેસમાં, પ્રશ્ન હંમેશાં એ હોય છે કે ધિરાણકાર કેટલાં નાણાં જતાં કરવા માગે છે. આ જ કારણથી ધિરાણકારો પાસે આશા હોય છે કે તેઓ ધિરાણ આપતી વખતે ન્યાયી અને વિવેકબુદ્ધિવાળા હોય- બૅન્કિંગમાં દિલગીર થવા કરતાં સલામત રહેવું એ પાયાનો તર્ક છે. આઈબીસીના કેસમાં, વસૂલીનો દર ફડચાની કિંમતના ૧૦%થી માંડીને ૧૫૦% છે.
સમયમર્યાદાને વળગી રહેવાની અક્ષમતા વધુ જટિલ છે. આઈબીસી હજુ પા-પા પગલી ભરી રહ્યું છે અને કોઈ પણ નવા કાયદા સાથે થતું હોય છે તેમ એવા વિસ્તારો હોઈ શકે છે જે હજુ વણવ્યાખ્યાયિત હોય અથવા જેમાં પ્રશ્નો હોય. કોઈ પણ કાયદાને તેનાં કાર્યોમાં સ્થિર થવામાં ત્રણથી પાંચ વર્ષ લાગે છે. સરમુખત્યારશાહી હેઠળ જીવતા દેશો કરતાં કાયદાને અનુસરતા દેશ, જ્યાં ન્યાયાલયો દ્વારા કે કાનૂની ઉપાયો દ્વારા ઉકેલવામાં થોડો વધુ સમય લાગતો હોય તેમાં આ વધુ થાય છે. કાયદા હેઠળ દેશની કાર્યવાહક પાંખ માટે કંઈક થવાનું છે તે જાહેર કરી દેવાની છૂટ નથી હોતી. બંધારણીય ઉપાયો અજમાવવાનો અધિકાર મૂળભૂત અધિકાર છે અને જ્યારે કોઈને લાગે કે તેમના અધિકારોને અસર થઈ છે તો તેમાં કોઈ પણ કાર્યવાહક પગલાને પડકારવાનો સમાવેશ થાય છે.