વર્તમાન સમયમાં દેશની ન્યાય પ્રણાલી ફક્ત કોર્ટ કચેરીનો મામલો બની ગઈ છે અને તેમાંથી ન્યાયની અપેક્ષા રાખતા સામાન્ય માણસને કોઈ ખાસ રાહત મળે તેમ લાગતું નથી. એક તરફ ગુનાનો ભોગ બનેલા લાખો લોકો ન્યાયની રાહ જોઈ રહ્યાં છે, બીજી તરફ દોષીઓને સમય પર સજા નહીં મળવાને કારણે તેમનો ઉત્સાહ વધી રહ્યો છે અને સમાજમાં અપરાધોની સંખ્યા સતત વધી રહી છે.
થોડા સમય પહેલાં ઉન્નાવ સામુહિત દુષ્કર્મના આરોપીઓ જે રીતે જામીન મેળવીને બહાર આવ્યા અને પીડિતાને જીવતી સળગાવી તેની હત્યા કરી, આ ઘટના આપણી ગુનાહિત ન્યાય પ્રણાલીની જર્જરિત સ્થિતિ દર્શાવે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય ભારતીય દંડ સંહિતા (IPC) અને કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીજરમાં (CRPC) મોટા બદલાવ કરવાની તૈયારી કરી રહ્યું છે. જેના અનુસંધાને કેન્દ્ર સરકારે, રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી આ ફેરફાર અંગે તેમના સૂચનો માગ્યા છે.
આ બદલાવ દ્વારા ગૃહ મંત્રાલયનો હેતુ તમામ લોકો અને ખાસ કરીને સમાજના નબળા વર્ગના લોકો સુધી કાયદાના દરેક પાસાની મદદ પહોંચાડવાનો છે.
નિષ્ણાતો માને છે કે, વર્ષ 1860માં લખાયેલી ભારતીય દંડ સંહિતા (IPC) અને વર્ષ 1872નો એવિડન્સ એક્ટ વર્તમાન સમયની જરૂરિયાતો અનુસાર અપૂરતો છે અને તેની ખામીઓનો લાભ લઈને અપરાધીઓ કાયદાના હાથમાંથી છટકી જાય છે. સોલી સોરાબજી પહેલા જ જણાવી ચૂક્યા છે કે, ન્યાય મળવામાં વિલંબ થવો તે ન્યાય નહીં મળવા બરાબર છે. એટલું જ નહીં, તે ન્યાય પ્રણાલીને પણ અંદરથી ખોખલી કરે છે.
જો કે, વાજપેયી અને મનમોહન સિંહ સરકારે ન્યાય પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અનેક જાહેરાતો કરી હતી, પરંતુ તે કમિટિઓની રચના સુધી મર્યાદિત રહી અને તેનો કોઈ વાસ્તવિક અમલ થઈ શક્યો નહીં.
હાલમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા ન્યાય વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે જે પગલા લેવામાં આવી રહ્યાં છે. તેમાં હજી સુધી કર્ણાટક, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશમાંથી જ સૂચનો મળ્યા છે. હવે સમય આવી ગયો છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળીને આ મુદ્દા પર પ્રાથમિકતાથી કામ કરે.
આધુનિક કાયદા અધ્યયનના પિતામહ ગણાતા એન.આર. માધવને વર્ષ 2016માં કહ્યું હતું કે, લોકોને ન્યાય અને સલામતીની ભાવના અપાવવાના ઉદ્દેશ્યથી બનાવવામાં આવેલી ન્યાય પ્રણાલી તેના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહી છે.
અપરાધિક કેસોમાં સુનાવણી અને ચૂકાદામાં થતા વિલંબને કારણે ગુનાહિત ઘટનાઓને વારંવાર અંજામ આપવાનું ચલણ વધી રહ્યું છે. પોલીસને આપવામાં સત્તાનો ઉપયોગ ભ્રષ્ટાચાર વધારવા માટે કરવામાં આવી રહ્યો છે અને ઘણા કિસ્સાઓમાં તે નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
વર્ષ 2000માં વાજપેયી સરકારે જસ્ટિસ વી.એસ.મલીમાથની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી દાયકાઓ જૂના કાયદાઓમાં સુધારા કરવાની શરૂઆત કરી હતી. એપ્રિલ 2013માં આ સમિતિએ 158 સૂચનો સાથેનો અહેવાલ સરકારને સુપ્રત કર્યો હતો. જેમાં પોલીસ, ન્યાયતંત્ર તેમજ અન્ય તપાસ એજન્સીઓ વચ્ચે ભાગીદારી સ્થાપિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
સમિતિએ ગુનાહિત ન્યાય પ્રણાલીને નાબૂદ કરવાની વાત જણાવી હતી. એન.આર. માધવન સમિતિએ પણ ચાર વર્ષ માટે રાષ્ટ્રીય નીતિ માટે માળખું રજૂ કર્યું હતું. જેમાં ફોજદારી ન્યાય પ્રણાલીમાં સુધારો કરવા માટે તેને ચાર ભાગમાં વહેંચવામાં આવી હતી. આતંકવાદના ખતરાને ધ્યાનમાં રાખીને જસ્ટિસ જે.એસ. વર્માએ પણ સરકારને ઘણા સૂચનો આપ્યા હતા. બદલાતા ગુનાહિત વાતાવરણને ધ્યાનમાં રાખીને એક વાત તો સ્પષ્ટ છે કે, ન્યાય વ્યવસ્થામાં વ્યાપક બદલાવની જરૂર છે.
અદાલતોમાં પડતર કેસની સતત વધી રહેલી સંખ્યાને કારણે મોટા ગુનેગારો જામીન પર બહાર આવી સમાજમાં છુટથી ફરે છે અને નાના ગુનેગારોને જેલમાં પુરવામાં આવે છે. જે આપણી ન્યાય પ્રણાલીની સ્થિતિ વિશે ઘણું બધું કહી જાય છે. અમેરિકા જેવા વિકસિત દેશો સમયાંતરે તેની ન્યાય પ્રણાલીમાં બદલાવ કરતા રહે છે.
સારી ન્યાય વ્યવસ્થાવાળા 128 દેશોની યાદીમાં ભારત 68મા સ્થાને છે. જોકે માધવ મેનન સમિતિ પાસે ભ્રષ્ટાચારના કેસોની ઉચ્ચ કક્ષાએ તપાસ કરવાનો અધિકાર નહતો. તેમ છતાં એમણે એક વાત જણાવી કે, રાષ્ટ્રીય કક્ષાની તપાસ એજન્સીને સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ અને કોર્ટ સિવાય કોઈને પણ જવાબ આપવા જવાબદાર ન હોવી જોઈએ. જસ્ટિસ મલીમાથ સમિતિએ કહ્યું હતું કે, જર્મની અને ફ્રાંસની જેમ ભારતમાં પણ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ્સને ગુનાહિત કેસોની સુનાવણી કરવાની પરવાનગી હોવી જોઈએ.
આ અહેવાલ વચ્ચે કેન્દ્ર સરકાર માલીમાથ સમિતિની ભલામણોનો અમલ કરી શકે છે. એ જરૂરી છે કે, તેના કેટલાક વિવાદિત મુદ્દાઓ પર વધુ ચર્ચા થવી જોઈએ અને બાકીના સૂચનોને અપનાવવામાં આવે તે જરૂરી છે. તપાસની ગુણવત્તામાં વધારો જરુરી છે જેટલું કેન્દ્ર અને રાજ્યમાં સુરક્ષાતંત્રને મજબૂત બનાવવું.
એક વાત તો નિશ્ચિત છે કે, જો દેશની ન્યાયિક પ્રણાલીને મજબૂત અને જવાબદાર બનાવવામાં નહીં આવે તો આગામી સમયમાં વિશ્વની સૌથી મોટી લોકશાહી જોખમમાં મુકાઈ શકે છે.