આ જાહેરાતના પગલે હોમ લોન લેનારા અને વાહનોની લોન લેનારા લાખો લોકોને ઘણી મોટી રાહત મળી હતી કેમ કે સમગ્ર દેશભરમાં હાલ આર્થિક પ્રવૃત્તિઓ સદંતર બંધ છે જેના કારણે પગારદાર લોકોના પગારો સમયસર થવા ઉપર શંકાના વાદળો ઘેરાઇ ગયા હતા અને એવામાં તેઓની વિવિધ લોનના હપ્તા ચૂકવવાની તારીખ નજીક આવી રહી હતી જેના કારણે તેઓ ઘેરી ચિંતામાં મૂકાઇ ગયા હતા, પરંતુ રિઝર્વ બેંકની આ જાહેરાતના પગલે તેઓને ઘણી મોટી રાહત મળી ગઇ છે.
સ્મોલ ફાઇનાન્સ બેંક, સ્થાનિક એરિયાની બેંકો, કો-ઓપરેટિવ બેંકો, ઓલ ઇન્ડિયા ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂસન્સ, અને આરઆરબી સહિતની તમામ કોમર્સિયલ બેંકો માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂશન્સ, અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ સહિતની તમામ એનબીએફસીને તેઓના ગ્રાહકોની 1 માર્ચ, 2020ના રોજની બાકી રહેતી તમામ પ્રકારની ટર્મ લોનના હપ્તા ત્રણ મહિના સુધી નહીં લેવાની પરવાનગી આપવામાં આવે છે એમ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે મુંબઇથી વીડિયો કોન્ફરન્સ મારફતે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ટર્મલોનના હપ્તા ત્રણ મહિના સુધી નહી લેવાથી અને વર્કિંગ કેપિચલ ઉપરનું વ્યાજ નહીં લેવાથી તે બેંકોનું કોઇપણ પ્રકારનું એસેટ ક્લાસિફિકેશન ડાઉનગ્રેડ ગણાશે નહીં, અને તે લોન એકાઉન્ટને બેડ લોન તરીકે પણ ગણાશે નહીં. જો કે મૂળભૂત રીતે આ સમયગાળા દરમ્યાન કોઇ લોનની ચૂકવણીમાં લોનધારક ડિફોલ્ટર થાય ત્યારે એસેટ ક્લાસિફિકેશન ડાઉનગ્રેડ થતું હોય છે.
કોરોના વાઇરસના રોગચાળાને પગલે દેશના અર્થતંત્ર ઉપર પડેલા ફટકાની તિવ્રતાને ઘટાડવા આરબીઆઇએ નીતિવિષયક વ્યાજદરને ઘટાડવા ઉપરાંત દેશની નાણાંકીય સિસ્ટમમાં વધારવાની રકમ ઠાલવવા બેંકો દ્વારા બાજુએ મૂકવામાં આવતી રૂ. 2.74 લાખ કરોડની રકમમાં પણ ઘટાડો કર્યો હતો.
લંબાણપૂર્વકની ચર્ચા બાદ મોનેટરી પોલીસી કમિટિ (એમપીસી)એ ફૂગાવાનો દર તેના લક્ષ્યની મર્યાદામાં જ રહે તે બાબતને સુનિશ્ચિત કરતાં અને કોવિડ-19ની અસરને ઘટાડવા તથા વિકાસને પુન: બેઠો કરવા જ્યાં સુધી જરૂરી હોય ત્યાં સુધી નીતિવિષયક રેપો રેટમાં નાનો સરખો ઘટાડો સૂચવતી દરખાસ્તની તરફેણમાં સર્વાનુમત આપ્યો હતો એમ કહેતા શક્તિકાંત દાસે મુંબઇ ખાતે 24, 26 અને 27 માર્ચના રોજ મળેલી એમપીસીની ત્રણ દિવસીય બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરી હતી.
4 વિરુધ્ધ 2ની બહુમતીથી એમપીસીએ પ્રવર્તમાન 5.15 ટકાનો રેપો રેટ 0.75 બેઝીસ પોઇન્ટ ઘટાડીને 4.4 ટકા કરવાની દરખાસ્તને માન્ય રાખી હતી. ઉલ્લેખનીય છે કે બેંકો ટૂંકા ગાળા માટે રિઝર્વ બેંક પાસેથી લોન લે છે ત્યારે રિઝર્વ બેંક દ્વારા જે દરે વ્યાજ લેવામાં આવે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. તે ઉપરાંત બેંકો તેઓનું વધારાનું ભંડોળ રિઝર્વ બેંકમાં જમા ન કરાવે એવા એક પ્રયાસ તરીકે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ વચ્ચેના તફાવતને ઓછો કરવા એમપીસીએ પ્રવર્તમાન 4.9 ટકાના રિવર્સ રેપો રેટ (જે દરે બેંકો રિઝર્વ બેંક પાસે પોતાની થાપણો મૂકે છે તેના ઉપર લાગતો વ્યાજનો દર) માં 0.90 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કરીને તેને 4 ટકા સુધી ઘટાડી દીધો હતો. તદઅનુસાર માર્જિનલ ફેસિલિટી રેટ અને બેંક રેટને 5.40 ટકા પરથી ઘટાડીને 4.65 ટકા સુધીનો કરી દેવામાં આવ્યો છે એમ આરબીઆઇ દ્વારા બહાર પડાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.
મોનેટરી પોલીસીની બેઠક વાસ્તવમાં 31 માર્ચના રોજ મળવાની હતી અને તેમાં લેવાનારા નિર્ણયોની જાહેરાત 3 એપ્રિલના રોજ કરવાની હતી પરંતુ આરબીઆઇ દ્વારા તેની મિટિંગની તારીખો આગળ લાવીને આ રાહતના પગલાંની જાહેરાત કરાઇ હતી. મોનેટરી પોલીસી કમિટિની મંજૂરી વિના રિઝર્વ બેંક રેપો અને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખાતા નીતિવિષયક વ્યાજદરમાં ઘટાડો કરી શકી ન હોત. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ-1934 અંતર્ગત મોનેટરી પોલીસી કમિટિને નીતિવિષયક વ્યાજદરો નક્કી કરવાની સંપૂર્ણ સત્તા આપવામાં આવેલી છે. અન્ય દેશોમાં કોરોના વાઇરસનો રોગચાળો જેવો ફાટી નીકળ્યો કે તરત જ યુરોપ અને અમેરિકાની બેંકોએ લોકોને રાહત આપતા પગલાં જાહેર કરી દીધા હતા પરંતુ દેશના લોકો જ્યારે જાહેર આરોગ્યના પડકારનો સામનો કરી રહ્યા છે એવા સમયે પણ રિઝર્વ બેંક રાહતના પગલાં જાહેર કરવામાં વિલંબ કરી રહી છે એવી આકરી ટીકા થતાં આરબીઆઇએ એમપીસીની મિટિંગની તારીખો આગળ લાવી દીધી હતી.
લોન ધારકોને રાહત:- ઇએમઆઇમાં રાહત
એક મોટો નિર્ણય લેતા આબીઆઇએ નાણાંકીય સિસ્ટમમાં રહેલાં તમામ લેણદારો અર્થાત શિડ્યુલ્ડ કોમર્સિયલ બેંકો, આરઆરબી, કો-ઓપરેટિવ બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો, સ્થાનિક વિસ્તારની બેંકો અને માઇક્રો-ફાઇનાન્સની સંસ્થાઓને તેઓના લોન ધારકો પાસેથી 31 માર્ચ 2020ના રોજ બાકી રહેતી પર્શનલ લોન, વાહન લોન કે હોમ લોનના હપ્તા ત્રણ મહિના સુધી નહી લેવાની મંજૂરી આપી હતી. અર્થાત આ તમામ પ્રકારની લોન પૂરી કરવાની કુલ મુદતમાં ત્રણ મહિનાનો વધારો કરી શકાશે. એટલે કે જો લોન ધારક આ ત્રણ મહિના દરમ્યાન પોતાની જે તે લોનનો હપ્તો ભરવામાં સક્ષમ ન હોય તો લેણદાર સંસ્થા તેની લોન પૂરી કરવાની કુલ મુદતમાં ત્રણ મહિનાનો વધારો કરી શકશે અને આ પ્રકારના એકાઉન્ટને નોન પર્ફોમિંગ એસેટ્સ (એનપીએ) તરીકે ગણવામાં આવશે નહીં.
અગાઉ એવો નિયમ હતો કે જો લોન ધારક તેની જે તે લોનની મૂડી કે વ્યાજની ચૂકવણી કરવામાં 90 દિવસ સુધી નિષ્ફળ રહે તો તે લોન એકાઉન્ટને એનપીએ અથવા બેડ લોન તરીકે ગણવાના રહેતાં, અને નોન બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓના કિસ્સામાં એનપીએ જાહેર કરવાની સમય મર્યાદા 120 દિવસની રાખવામાં આવી હતી. તે ઉપરાંત આરબીઆઇએ એમ પણ સ્પષ્ટતા કરી હતી કે આ ત્રણ મહિનાના સમય દરમ્યાન હપ્તો નહીં ભરનાર લોન ધારકની ક્રેડિટ (શાખ)માં પણ કોઇ ઘટાડો નહીં થાય