ન્યૂઝડેસ્ક : વૃદ્ધોની સંભાળ રાખતા લોકોએ તેમની વિશેષ કાળજી રાખવી જોઇએ. જેમકે, સંભાળ આપતા પહેલાં અને પછી તેમજ બાથરૂમનો ઉપયોગ કરતી વખતે અને રસોઇ કરતી વખતે ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી તેમના હાથ ધુઓ, આ ક્રિયા વારંવાર કરવી જોઇએ અથવા આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરથી તેમના હાથ સાફ કરવા જોઇએ.
સંભાળ પ્રદાતાઓએ ખાંસી ખાતી વખતે અને છીંક ખાતી વખતે ટિસ્યુ પેપરનો ઉપયોગ કરવો જોઇએ અથવા કોણીથી પોતાનું મોં ઢાંકવું જોઇએ. ઘરમાં જે સપાટીઓ પર વારંવાર અડવાનું થતું હોય તે સપાટીઓને સાબુ અને પાણી અથવા ડિસઇન્ફેક્ટન્ટથી સાફ કરવી જોઇએ. આમાં વૃદ્ધો દ્વારા ઉપયોગમાં લેવાતા તબીબી ઉપકરણોનો પણ સમાવેશ થાય છે. ઉંમર થઇ જવાને કારણે વૃદ્ધો બહુ હેરફેર કરી શકતા નથી માટે તેઓ બહારની દુનિયા સાથે બહુ સંવાદ કરી શકતા નથી. આ સંજોગામાં તેમનું મનોબળ જાળવી રાખવા અને તેમના મગજને સક્રિય રાખવા માટે સામાજિક સંવાદ અત્યંત જરૂરી છે.
મિત્રો અને સ્વજનોની મુલાકાતને કારણે બીમાર પડવાની શક્યતા જોતા હાલની સ્થિતિમાં વૃદ્ધોની અંગત મુલાકાત શક્ય તેટલી ઓછી રાખવી જોઇએ. જોકે મિત્રો અને સ્વજનો સાથે વાતચીત કરવી પણ આવશ્યક છે. તમે ફોનનો ઉપયોગ કરીને તેમના મિત્રો કે સ્વજનો સાથે વાત કરાવી શકો છો.
પાડોશીઓ, ઘરઘાટી, ટપાલી અને અન્ય લોકો સાથે વાત કરવાથી તેમનું સામાજિક આઇસોલેશન ઘટે છે અને તેઓ બહારની દુનિયાના સમાચારો મેળવી શકે છે.
ઉંમરલાયક વ્યક્તિઓને બાળકો સાથે વાતચીત કરવું ખુબ જ ગમે છે કારણકે બાળકોની નિખાસલતા અને નિર્દોષ હાસ્ય તેમને એક નવો ઉમંગ આપે છે. જોકે, અહીં સાવચેત રહેવું જરૂરી છે કે, બાળકો કોવિડ-19ની અસરો સામે ખુબ જ અસલામત હોય છે અને તેઓ વાયરસના સરળતાથી વાહક બની જાય છે. સામાન્ય રીતે બાળકો ઘરમાં વડીલો પ્રત્યે નીકટતા ધરાવતા હોય છે પરંતુ હાલના સંજોગોમાં બાળકોએ વડીલોથી સલામત અંતર રાખવું હિતાવહ છે. બાળકે ઘરમાં કોઇની પણ સાથે વાત કરવી હોય તો તેણે તેની વચ્ચે 1-2 મીટરનું અંતર રાખવું જોઇએ. બાળક જો બીમાર જણાય તો તે સાજો ના થાય ત્યાં સુધી તેને અલગ રાખવો જોઇએ.
ઉંમરલાયક વ્યક્તિઓ ફોન તેમજ વીડિયો કોલિંગની સુવિધા સાથેના કમ્પ્યુટર જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પણ મિત્રો અને પરિવાર સાથે જોડાયેલા રહી શકે છે. જે લોકોને સાંભળવામાં તકલીફ પડે છે તેમના માટે આ ઉપકરણોમાં વિશેષ સુવિધાઓ હોય છે જે તેમને સંવાદ કરવામાં મદદ કરે છે. પરિવારના સભ્યો ઘરમાં રહેલા વડીલને વારંવાર ફોન કરવા, પત્ર લખવા અને તેમના આરોગ્યની પૃચ્છા કરતા મેસેજ મોકલવા માટે મિત્રો અને પરિવારજનોને પ્રોત્સાહિત કરી શકે છે.
લૉક ડાઉનને કારણે તમામ ધાર્મિક અને આધ્યાત્મના સ્થળો બંધ થઇ ગયા છે ત્યારે તેઓ અન્ય કોઇ વૈકલ્પિક પદ્ધતિ દ્વારા તેમની આધ્યાત્મિક જરૂરિયાત સંતોષી શકે તે મહત્વનું છે. આમાં, ઇન્ટરનેટર પર ધાર્મિક કાર્યક્રમો, ટીવી કાર્યક્રમો અને ધાર્મિક મેળાવડામાં અવારનવાર મળતા વ્યક્તિઓને ફોન કોલને સમાવેશ થાય છે.