તિરુવનંતપુરમઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ કેરળમાં સોનાની તસ્કરી ઝડપી પાડી હતી. આ તસ્કરીનું કનેક્શન દાઉદ ઈબ્રાહિમ સાથે હોવાની આશંકા એનઆઈએએ વ્યક્ત કરી હતી. એજન્સીએ કહ્યું કે, સોનાની તસ્કરીથી પ્રાપ્ત થનારા નફાનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી ગતિવિધિ અને આતંકી પ્રવૃત્તિમાં થવાની સભાવનાની ખાનગી માહિતી મળી છે. આ મામલામાં તપાસ આગળ વધારવા માટે 180 દિવસ સુધી તમામ આરોપીઓને કસ્ટડીમાં રાખવું અત્યંત આવશ્યક છે. એજન્સીએ તમામ આરોપીઓની જામીન અરજીનો પણ વિરોધ કર્યો છે.
જ્યારે અહીં યુએઈના વાણિજ્ય દૂતાવાસના એક પૂર્વ કર્મચારી પી. એસ. સરિથને 5 જુલાઈએ દુબઈથી તિરુવનંતપુરમની યાત્રામાં રાજદ્વારી સામાનમાં 30 કિલો સોનાની તસ્કરી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર સોનાની તસ્કરીનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ મામલામાં સ્વપ્ના અને શિવશંકરનું નામ પણ સામે આવ્યું છે. એનઆઈએએ વધુમાં કહ્યું, સ્વપ્નાનું યુએઈ વાણિજ્ય દૂતાવાસમાં ખૂબ પ્રભાવ હતો, કારણ કે તેને નોકરી છોડ્યા બાદ રિટેનર ફી આપવામાં આવતી હતી.