- જમ્મુ-કાશ્મીરમાં પહેલી વખત ડીડીસી ચૂંટણીનું આયોજન
- કલમ- 370 નાબૂદ થયા બાદ પહેલી વખત યોજાઈ ચૂંટણી
- ડીડીસી ચૂંટણીમાં આજે પાંચમ તબક્કા માટે થયું મતદાન
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી માટે આજે પાંચમા તબક્કાનું મતદાન થયું હતું. સવારે 9 વાગ્યા સુધી 9.46 ટકા મતદાન થયું હતું. અનંતનાગમાં પાંચમા તબક્કાનું મતદાન હાલમાં શરૂ જ છે. પાંચમા તબક્કામાં આજે 37 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. આમાં 20 બેઠક જમ્મુ સંભાગ અને 17 બેઠક કાશ્મીરમાં છે. ચૂંટણીના આ તબક્કામાં 8 લાખ મતદાતા 299 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે. કાશ્મીર ડિવિઝનના 17 અને જમ્મુના 20 ચૂંટણી ક્ષેત્રોમાં સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી મતદાન થશે.
ડીડીસી ચૂંટણી સાથે સરપંચ અને પંચના પદ માટે પણ પેટા ચૂંટણી યોજાશે
રાજ્ય ચૂંટણી કમિશનર કે. કે. શર્માએ કહ્યું હતું કે, ડીડીસી ચૂંટણી ઉપરાંત સરપંચના 58 પદ અને પંચના 218 પદ માટે પંચાયતની પેટાચૂંટણી પણ યોજાશે, જેના માટે પણ મતદાન થવાનું છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરના ચૂંટણી કમિશનરને ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાને કડકપણે પાલન કરવા આહ્વાન કર્યું છે. ડીડીસી ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘનને લઈને આવેલી ફરિયાદો પર સખત કાર્યવાહીની સમીક્ષા કરવા માટે કમિશનરે મંગળવારે એક બેઠક પણ યોજી હતી. અહીં ચૂંટણી કમિશનરે આચારસંહિતાનું ઉલ્લંઘન કરનારાઓ પર નજર રાખવા માટે ટીમ અને ફ્લાઈંગ સ્ક્વોડની સેવાઓના ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. અધિકારીઓએ આ અંગે જણાવ્યું કે, બેઠકમાં તમામ ડેપ્યુટી કમિશનરોએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાગ લીધો હતો.