નવી દિલ્હી: કોંગ્રેસે મણિપુરમાં ભાજપના નેતૃત્વ હેઠળની ગઠબંધન સરકાર વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવા સાથે અને રાજ્યના મુખ્યમંત્રી એન. બિરેન સિંઘે આ અઠવાડિયે તમામ શાસક ધારાસભ્યો સાથે બેઠકનું આયોજન કરવા સાથે 10મી ઓગસ્ટથી શરૂ થઇ રહેલા વિધાનસભાના ચોમાસુ સત્રમાં આ ઉત્તર-પૂર્વીય રાજ્યના રાજકારણનો કોયડો વધુ ગૂંચવાય, તેવી પ્રબળ શક્યતાઓ છે.
મંગળવારે કોંગ્રેસે ડ્રગ હોલનો કેસ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ને સોંપવાની માગણી પર 60 સભ્યો ધરાવતી મણિપુર રાજ્ય વિધાનસભાની રાજ્ય સરકાર વિરૂદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કર્યો હતો.
તેને પગલે બુધવારે, મુખ્યમંત્રી એન. બિરેન સિંઘે નેશનલ પિપલ્સ પાર્ટી (એનપીપી), નાગા પિપલ્સ ફ્રન્ટ (એનપીએફ), ટીએમસીના એક ધારાસભ્ય અને સ્વતંત્ર ધારાસભ્ય સહિત ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનના તમામ 29 ધારાસભ્યોની મિટિંગ બોલાવી હતી.
જોકે, પ્રાપ્ત અહેવાલો મુજબ, ભાજપના ચાર ધારાસભ્યો – એન. ઇન્દ્રજીત, એલ. રામેશોર મેઇતી, ડો. વાય. રાધેશ્યામ (હિયંગ્લમથી) અને એલ. રાધાકિશોર બેઠકમાં ગેરહાજર રહેતાં અનેક અટકળો વહેતી થઇ હતી. વર્તમાન સરકારનું સ્થાન યથાવત્ રાખવા માટે આ ધારાસભ્યોનો ટેકો મળવો જરૂરી છે.
તેને કારણે રાજ્યના રાજકારણમાં ફરી વખત આંકડાકીય સંકટ તોળાઇ રહેલું જણાય છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જૂનમાં પણ સરકાર આવી જ કટોકટીમાં મૂકાઇ હતી.
ગયા મહિને ભાજપના ત્રણ ધારાસભ્યો પક્ષમાંથી રાજીનામું ધરી દઇને કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા, જ્યારે એનપીપીએ ટેકો પાછો ખેંચી લેવાની ધમકી આપી હતી, જેને પગલે બિરેન સિંઘ સરકાર મુસીબતમાં મૂકાઇ હતી. આખરે ઉત્તર-પૂર્વમાં ભાજપના મુખ્ય ટ્રબલ-શૂટર અને નોર્થ-ઇસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ (એનઇડીએ)ના કન્વિનર હિમંત બિશ્વ શર્મા અને મેઘાલયના મુખ્યમંત્રી તથા એનપીપીના નેતા કોનરાડ સંગમાની દરમિયાનગીરીને કારણે આ કટોકટીનો અંત આવ્યો હતો.
ત્યાર બાદ, ચાલુ મહિનાના પ્રારંભે કોંગ્રેસના બે ધારાસભ્યો – આર કે ઇમો અને ઓકરામ હેન્રીએ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તથા મણિપુરના ભૂતપૂર્વ રાજવી લેઇસેમ્બા સનાજાઓબાને મત આપતાં કોંગ્રેસે આ બંને ધારાસભ્યોને શોકોઝ નોટિસ ફટકારી હતી. ઇમો ભૂતપૂર્વ કોંગ્રેસી મુખ્યમંત્રી આર કે જયચંદ્ર સિંઘના પુત્ર અને હાલના મુખ્યમંત્રી બિરેન સિંઘના જમાઇ છે, ત્યારે હેન્રી કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સીએલપી નેતા ઓકરામ ઇબોબી સિંઘના ભત્રીજા છે.