ન્યુઝ ડેસ્કઃ પેટ્રોલિયમ પદાર્થોના ભાવવધારા પાછળ બે મુખ્ય પરિબળો છે. એક છે આંતરરાષ્ટ્રીય ખનીજ તેલના ભાવોમાં થતો વધારો. ભારત ક્રૂડ ઑઇલની આયાત કરે છે તે બ્રેન્ટ ક્રૂડ પ્રાઇસ પ્રમાણે હોય છે. એપ્રિલ 2020માં બ્રેન્ડ ક્રૂડનો ભાવ ઘટીને એક બેરલના $19 ડૉલર થઈ ગયો હતો. તે પછી લૉકડાઉન દૂર થવા લાગ્યા તેમ ભાવો વધવા લાગ્યા અને હાલમાં ફરી $49 ડૉલર સુધી પહોંચી ગયા.
આ વધઘટ સાથે ભારતમાં પણ પેટ્રોલિયમ પદાર્થોના ભાવો નક્કી થાય છે, કેમ કે 2010થી ભારતમાં આ પદાર્થોના ભાવોને સરકારી નિયંત્રણોમાંથી મુક્ત કરાયા છે. પરંતુ લોકોની કઠણાઇ એ છે કે સરકાર ભાવ તરત વધારી દે છે, પણ ક્રૂડના ભાવો ઘટે ત્યારે તેનો લાભ લોકોને આપતી નથી. તેના બદલે સરકાર તેના પર એક્સાઇસ વધારીને તગડી કમાણી કરી લે છે.
બીજું કે લૉકડાઉન ખુલ્લા પછી ફરીથી આર્થિક ગતિવિધિઓ શરૂ થઈ અને વાહન વ્યવહાર વધવા લાગ્યો એટલે પેટ્રોલ ડિઝલની માગ પણ પૂર્વવત થઈ ગઈ છે.
લોકો પર વેરાનો બોજ
આંતરરાષ્ટ્રીય ખનીજ તેલના ભાવ વધે અને લોકોને પેટ્રોલ મોંઘું પડે તે સમજ્યા, પરંતુ આંતરરાષ્ટ્રીય ભાવ ઘટે ત્યારે તેનો લાભ અપાતો નથી. છેલ્લે 4 ઑક્ટોબર, 2018ના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ સર્વોચ્ચ 84 રૂપિયા પહોંચ્યો હતો. તે વખતે ક્રૂડનો ભાવ એક બેરલના $80 ડૉલરની આસપાસ હતો. આજે તે ભાવ ઘણો ઓછો $49 ડૉલર છે, છતાં લોકોને અગાઉ કરતાંય વધારે મોંઘું પેટ્રોલ મળે તેવું બનશે.
તેનું કારણ એટલા માટે કે મોદી સરકારે કોરોના કાળમાં ક્રૂડના ભાવ બહુ ઘટી ગયા ત્યારે તેના પર એક્સાઇઝ ડ્યુટી વધારી દીધી હતી. રાજ્ય સરકારોએ પણ વેટના દર વધારી દીધા હતા. અત્યારે પેટ્રોલિયમ પદાર્થો પર ટેક્સની ગણતરી કરો તો દિલ્હીમાં પેટ્રોલ પર તે 63 ટકા છે, જ્યારે ડિઝલ પર વેરાનો બોજ 60 ટકા જેટલો છે.
પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનેલિસિસ સેલ (PPAC)ના જણાવ્યા અનુસાર એપ્રિલ 2020 પછી દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 56 વાર અને ડિઝલના ભાવમાં 67 વાર ફેરફાર થયો છે. સપ્ટેમ્બર અને ઑક્ટોબર બે મહિનાને બાદ કરો તો બાકીના સમયગાળામાં ભાવોમાં વધારો જ થયો છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રૂડનો ભાવ નીચે જઈ રહ્યો હતો, પણ સરકારોએ વેરા વધાર્યા અને કમાણી કરી લીધી.
હવે જ્યારે પેટ્રોલ ડિઝલના ભાવો સર્વોચ્ચ સપાટીએ પહોંચી રહ્યા છે ત્યારે પ્રજા પરેશાન થઈ રહી છે.