એક સપ્તાહમાં પીએમ કેર્સમાં રૂા. 6500 કરોડ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ-19 વિરુદ્ધ ભારતની લડાઈ એટલે કે નોવેલ કોરોનાવાયરસ સામેના જંગ માટે અનુદાન એકત્ર કરવા પ્રાઈમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઈમર્જન્સી સિચ્યુએશન ફંડ (પીએમ - કેર્સ)ની જાહેરાત કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને પીએમ-કેર્સમાં ફાળો આપવા વિનંતી કરી હતી, જેથી ભારતમાં અત્યાર સુધીમાં 254 લોકોનો ભોગ લેનારી તેમજ જેના 7000થી વધુ પોઝિટિવ કેસ છે, તે નોવેલ કોરોનાવયરસની મહામારી સામે લડત આપી શકાય.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 28મી માર્ચના રોજ પીએમ કેર્સ (પ્રાઈમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઈમર્જન્સી સિચ્યુએશન) ફંડની સ્થાપનાની જાહેરાત કરી, તેના ફક્ત એક જ અઠવાડિયામાં તેમાં રૂા. 6500 કરોડથી વધુ રકમનાં દાન મળ્યાં હતાં.
વર્ષ 2014-15થી 2018-19 દરમ્યાન પ્રાઈમ મિનિસ્ટર્સ નેશનલ રિલીફ ફંડ (પીએમએનઆરએફ)માં મળેલાં કુલ રૂા. 2119 કરોડનાં જાહેર અનુદાન કરતાં આ રકમ ત્રણ ગણી હોવાનું ભંડોળની રસીદો અને ચૂકવણીનાં હિસાબો દર્શાવે છે.
આ ગાળા દરમ્યાન પીએમએનઆરએફનો કુલ ખર્ચ રૂા. 1594.87 કરોડ હતો. આ પીએમએનઆરએફ 1948માં સ્થપાયું ત્યારથી અત્યાર સુધીમાં તેનું એકંદર ભંડોળ રૂા. 3,800 કરોડ છે.
ફંડમાં 500 રૂપિયાથી માંડીને 500 કરોડ રૂપિયા સુધીનો ફાળો
અત્યંત આશ્ચર્યજનક રીતે, 30મી માર્ચના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, પીએમ-કેર્સ ફંડમાં ફાળો આપવા આગળ આવનાર સૌપ્રથમ માતબર કંપનીઓમાંની એક હતી. તેણે કોવિડ-19 સામેની બહુસ્તરીય વાસ્તવિક લડત માટે અનુદાન આપવા ઉપરાંત પીએમ-કેર્સ ફંડમાં રૂા. 500 કરોડનો ફાળો આપવાની જાહેરાત કરી હતી. ઉપરાંત, તેણે મહારાષ્ટ્ર સીએમ રિલીફ પંડમાં રૂા. પાંચ કરોડ અને ગુજરાત સીએમ રિલીફ ફંડમાં પણ રૂા. પાંચ કરોડનું અનુદાન જાહેર કર્યું હતું. કંપનીએ કોરોનાવાયરસના દર્દીઓ માટે 100 પથારીવાળી હોસ્પિટલ સ્થાપી છે અને દૈનિક એક લાખ માસ્ક્સ પણ બનાવી રહી છે. આ ઉપરાંત, તે જરૂરિયાતમંદોને વાયરસ સામે રક્ષણ આપતાં પીપીઈ ઉપકરણો તેમજ ખાદ્યસામગ્રી પણ ઉપલબ્ધ કરાવી રહી છે.
તાતા ટ્રસ્ટ સાથેના સહયોગમાં તાતા જૂથે કોવિડ-19 સામેની લડત માટે રૂા. 1500 કરોડનો ફાળો આપ્યો. 31મી માર્ચના રોજ કંપનીએ ટ્વિટર મારફતે જાહેર કર્યું કે તે રૂા. 500 કરોડનું સવિનય અનુદાન આપી રહી છે. રાષ્ટ્રને સહાય માટે અમે હંમેશની માફક સંપૂર્ણપણે પ્રતિબદ્ધ અને ખભેખભા મિલાવીને સાથે ઊભા રહીશું.
ત્રીજી એપ્રિલના રોજ આદિત્ય બિરલા ગ્રુપે તેના કુલ રૂા. 500 કરોડના અનુદાનના ભાગરૂપે રૂા. 400 કરોડ પીએમ-કેર્સ ફંડમાં આપ્યાં. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથેના સહયોગમાં તેણે મુંબઈમાં સેવલ હિલ્સ હોસ્પિટલ્સ ખાતે 100 પથારીની સવલત પણ શરૂ કરી. સહાય માટેનાં અન્ય પગલાંની સાથે સાથે કંપનીએ ઉજ્જૈન, પૂણે, હઝારીબાગ અને રાયગડ જેવાં શહેરોમમાં પણ 200 પથારીની સવલતો સ્થાપી. અદાણી અને ડી-માર્ટ ગ્રુપે પણ પ્રત્યેકે રૂા. 100 કરોડનું યોગદાન આપ્યું.
જોકે, સૌથી ઉષ્માભર્યું યોગદાન, ટ્વિટરના વપરાશકાર સઇદ અતૌર રેહમાને આપ્યું. તેમણે રૂા. 501નો ફાળો પીએમ-કેર્સ ફંડમાં આપ્યો. પોતાના અનુદાનની પહોંચ ટ્વિટર ઉપર શૅર કરતાં રેહમાને લખ્યું કે, "એક નાનકડું અનુદાન... કોરોનાવાયરસ સામે લડત માટે"
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રેહમાને ટ્વિટમાં ટૅગ કર્યા હતા. મોદીએ પ્રતિસાદ આપતાં જણાવ્યું કે, "આમાં નાનું કે મોટું મહત્ત્વનું નથી. પ્રત્યેક અનુદાન મહત્ત્વનું છે. આ કોવિડ-19 સામેની લડતમાં આપણો સહિયારો સંકલ્પ દર્શાવે છે. #IndiaFightsCorona".
ભારતમાં રાજકીય પક્ષોની આવક
નાણાં વર્ષ 2018-19 દરમ્યાન ભારતીય જનતા પક્ષ (ભાજપ)એ તેની કુલ આવક રૂા. 2410.08 કરોડ હોવાનું જાહેર કર્યું હતું, પરંતુ ખર્ચ ફક્ત 41.71 ટકા (એટલે કે, રૂા. 1005.33 કરોડ) હતો અને આવકના 58.29 ટકા જેટલી રકમ ખર્ચાયા વિનાની હતી.
ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (આઈએનસી)ની કુલ આવક રૂા. 918.03 કરોડ હતી, જેમાંથી પક્ષે 51.19 ટકા (એટલે કે રૂા. 469.92 કરોડ) ખર્ચ્યા હતા અને 48.81 ટકા રકમ ખર્ચાયા વિનાની પડી હતી.
ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (એઆઈટીસી)ની કુલ આવક રૂા. 192.65 કરોડ હતી, જેમાંથી પક્ષે ફક્ત 5.7 ટકા રકમ (એટલે કે રૂા. 11.50 કરોડ) ખર્ચ્યા હતા અને આવકની 9403 ટકા રકમ વણખર્ચાયેલી પડી રહી હતી.
છ રાષ્ટ્રીય પક્ષો (ભાજપ, કોંગ્રેસ, સીપીએમ, બસપા, એઆઈટીસી અને સીપીઆઈ)એ સમગ્ર ભારતમાં કુલ રૂા. 3698.66 કરોડની આવક જાહેર કરી હતી.
નાણાં વર્ષ 2018-19માં 37 પ્રાદેશિક પક્ષોની કુલ આવક રૂા. 1089.60 કરોડ હતી.
બીજેડીએ રૂા. 249.31 કરોડ જેટલી સૌથી વધુ આવક નોંધાવી હતી, જે વિશ્લેષણ હેઠળ લેવાયેલા તમામ પક્ષોની કુલ આવકમાં 22.88 ટકા હિસ્સો ધરાવે છે, તે પછી ટીઆરએસની કુલ આવક રૂા. 188.71 કરોડ અથવા 17.32 ટકા અને વાયએસઆર-કોંગ્રેસની આવક 181.08 કરોડ અથવા 37 પ્રાદેશિક પક્ષોની કુલ આવકમાં 16.62 ટકા હતી.
ટોચના ત્રણ પક્ષોની કુલ આવક રૂા. 619.10 કરોડ હતી, જે વિશ્લેષણ હેઠળ ધ્યાન ઉપર લેવાયેલા રાજકીય પક્ષોની કુલ સંયુક્ત આવકમાં 56.82 ટકા હિસ્સો ધરાવે છે.