ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બાળકોમાં દાંત આવવા

બાળકોમાં દાંત આવવાની પ્રક્રિયામાં સૌપ્રથમ બાળકના પેઢાંમાંથી દાંત ફૂટે છે, જેના કારણે ધીમે-ધીમે તેઓ પ્રવાહી ખોરાક (માતાના દૂધ)ને સ્થાને ઘન ખોરાક લઇ શકે છે. બાળક મોટું થતું જાય, તેમ-તેમ તેના પોષણ માટે ઘન ખોરાકનું સેવન મહત્વનું બની રહે છે.

ગુજરાતી સમાચાર
Teething In Babies

By

Published : Sep 24, 2020, 7:46 PM IST

હૈદરાબાદ: બાળકોમાં દાંત આવવાની પ્રક્રિયામાં સૌપ્રથમ બાળકના પેઢાંમાંથી દાંત ફૂટે છે, જેના કારણે ધીમે-ધીમે તેઓ પ્રવાહી ખોરાક (માતાના દૂધ)ને સ્થાને ઘન ખોરાક લઇ શકે છે. બાળક મોટું થતું જાય, તેમ-તેમ તેના પોષણ માટે ઘન ખોરાકનું સેવન મહત્વનું બની રહે છે. હૈદરાબાદ સ્થિત રેઇનબો ચિલ્ડ્રન્સ હોસ્પિટલના પિડીયાટ્રિક ડેન્ટિસ્ટ્રીના કન્સલ્ટન્ટ અને એમડીએસ ડો. શ્રીનિવાસ નામિનેની જણાવે છે, “બાળકને સામાન્યપણે છ મહિનાથી 18 મહિનાની વયે દાંત આવવા શરૂ થાય છે. જોકે, જો 18-20 મહિના પછી પણ દાંત ન ફૂટે, તો માતા-પિતાએ પિડીયાટ્રિક ડેન્ટિસ્ટની સલાહ લેવી જરૂરી છે. આવા કિસ્સામાં, ફોર્મેશનની સમસ્યા અથવા તો આનુવંશિક સમસ્યા હોઇ શકે છે. કાં તો દાંતની યોગ્ય રીતે રચના થતી નથી, અથવા તો તેમની સમૂળગી રચના જ થતી નથી.”

જન્મજાત શિશુના દાંત

  • દાંત આવવાનો સમયગાળો બાળકના જીવન માટે મુશ્કેલ તબક્કો બની શકે છે અને ડો. શ્રીનિવાસ જણાવે છે, તે મુજબ, કેટલીક વખત બાળકમાં પ્રિમેચ્યોર અવસ્થામાં દાંત ફૂટી શકે છે અર્થાત્ જન્મ સમયે જ શિશુને દાંત આવી ગયા હોય. આ દાંત નિયોનેટલ ટીથ તરીકે ઓળખાય છે અને સ્થિતિને ધ્યાનમાં રાખીને આ દાંત નિકાળવા કે નહીં, તે નક્કી કરવામાં આવે છે. આ સ્થિતિમાં જે સામાન્ય સમસ્યાઓ ઉદ્ભવી શકે છે, તે નીચે પ્રમાણે છેઃ
  • માતાને સ્તનપાન કરાવતી વખતે મુશ્કેલી પડવી
  • દાંત ઢીલો અને લટકતો હોય.
  • શિશુને જીભની નીચે અલ્સર (ચાંદું) હોઇ શકે છે
  • આ ત્રણ કેસમાં દાંત નિકાળવા જરૂરી બની શકે છે, પણ ઉંમર વધવા સાથે નવા દાંત આવવા લાગે છે, આથી માતા-પિતાએ આ અંગે ચિંતા કરવાની જરૂર નથી.

દાંત આવવા સમયની મુશ્કેલીઓ

ડો. શ્રીનિવાસ વધુમાં જણાવે છે કે, દાંત આવવા એક કુદરતી પ્રક્રિયા છે અને શરીરનો કઠણ ભાગ હોવાથી શરીરના અન્ય ટિશ્યૂ કરતાં જુદો પડતો આ પ્રથમ ટિશ્યૂ છે. દાંતમાં બેક્ટેરિયા કુદરતી રીતે અસ્તિત્વ ધરાવતા હોય છે અને એક વખત દાંત ફૂટે, એટલે મોંમાં બેક્ટેરિયાનો વસવાટ શરૂ થઇ જાય છે. કેટલીક વખત, બાળકનું શરીર આ બેક્ટેરિયાને સ્વીકારતું નથી અને કેટલીક કુદરતી પ્રતિક્રિયા ઉદ્ભવી શકે છે, જેમ કે, પેઢાંમાં સોજો આવવો, શરીરનું તાપમાન સ્હેજ વધવું, બાળકનો સ્વભાવ ચીઢિયો થઇ જવો, વગેરે. વળી, બાળક અન્ય વસ્તુઓ ચાવવાનું પણ શરૂ કરે છે અને જો તે વસ્તુ ખરાબ હોય, તો બેક્ટેરિયા સંબંધિત અન્ય બિમારીઓ ઉદ્ભવી શકે છે. આ તમામ સમસ્યાઓ પ્રથમ શ્રેણીના દાંત ફૂટે, ત્યારે જ ઉદ્ભવે છે.

આ ઉપરાંત, એક વખત દાંત ફૂટે, પછી શિશુની ખૂબ જ કાળજી લેવી જરૂરી છે, કારણ કે, નવા દાંત ફૂટે, તે સાથે જ બાળકોમાં જોવા મળતી સૌથી સામાન્ય સમસ્યા અર્લી ચાઇલ્ડહૂડ ડેન્ટલ કેરીઝ (ECC – દાંતનો સડો)ની જોવા મળે છે. જો આ સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવામાં ન આવે, તો સમય જતાં સ્થિતિ વણસી શકે છે. સડો ઝડપથી ફેલાય છે અને તે પીડાદાયક પણ હોઇ શકે છે. આથી, દાંતના રંગમાં ફેરફાર થાય, તો તેની અવગણના ન કરતાં નિષ્ણાતની સલાહ લેવી.

શું કરવું?

  • બાળકોને દાંત આવવા શરૂ થાય, તે દરમિયાન તેમની યોગ્ય કાળજી લેવા માટે નિષ્ણાત દ્વારા આપવામાં આવી ટિપ્સઃ
  • બાળકને યોગ્ય રીતે સાફ કરેલી ચીજવસ્તુઓ જ હાથમાં આપો.
  • બાળક છ મહિનાનું થાય, ત્યારે તેનું ડેન્ટલ ચેક-અપ કરાવો. દાંત ફૂટે, તે પહેલાં ચેક-અપ કરાવવું બહેતર છે, જેથી કેવા પ્રકારની કાળજી લેવાની જરૂર છે, દાંત ફૂટવાનું શિડ્યૂલ શું હશે અને બાળકને કેવી રીતે ખવડાવવું જોઇએ, તેની સમજૂતી મેળવી શકાય.
  • પ્રથમ દાંત ફૂટે, તે સાથે જ દાંત સાફ કરવા હિતાવહ છે.
  • છ મહિનાની વયે સૂતરનું સ્વચ્છ કપડું લઇને તેના વડે દાંત સાફ કરવા, જેથી દાંત પર દૂધ ન રહે.
  • 8-10 મહિનાની વચ્ચે સિલિકોનનું ફિંગર બ્રશ વાપરવાનું શરૂ કરવું.
  • બાળક એક વર્ષનું થાય, તે પછી નાનાં બાળકો માટેનું યોગ્ય બ્રશ વાપરવું.
  • બાળક માટે ‘નો ફ્લોરાઇડ’ ટૂથપેસ્ટ વાપરવી અને બે-ત્રણ મહિના પછી 1000 પીપીએમ ફ્લોરાઇડ ધરાવતી ટૂથપેસ્ટ વાપરવાનું શરૂ કરવું. ચોખાના દાણા જેટલી ટૂથપેસ્ટ સાથે શરૂઆત કરવી.
  • દિવસમાં ઓછામાં ઓછું બે વખત બ્રશ કરવું. બ્રશ કરવાની કોઇ ચોક્કસ રીત નથી. બસ, દાંત પર બ્રશ ઘસો!
  • બાળક બે વર્ષનું ન થાય, ત્યાં સુધી કોઇપણ સ્વરૂપમાં ઉમેરારૂપ ખાંડનો વપરાશ ટાળો. અન્યથા, બાળકને ગળી ચીજો ભાવતી થઇ જશે. તમે ચોકલેટ કરતાં ભારતીય મીઠાઇઓને પ્રાથમિકતા આપી શકો છો.
  • આમ, શિશુ બોલી શકતું ન હોવાથી માતા-પિતાએ તેની યોગ્ય સંભાળ લેવી જોઇએ અને દાંતની સમસ્યાઓનું ઝડપથી નિવારણ કરવું જોઇએ. યાદ રાખો, આહારની તંદુરસ્ત આદત અને તંદુરસ્ત જીવનશૈલી સુંદર સ્મિતની ચાવી છે.

ABOUT THE AUTHOR

...view details