તમિલનાડુઃ ફક્ત એક વિશાળ ખડકમાંથી કોતરાઇને નિર્માણ પામેલી ભગવાન 'ઉચ્ચી પિલ્લઇયાર' ની મૂર્તિ સાથે ઇતિહાસની અનેક લોકવાયકાઓ અને રહસ્યો જોડાયેલા છે. પુરાતનકાળમાં થઇ ગયેલા અનેક રાજાઓ અને તેમના રજવાડાએ અહીં તેમના ભવ્ય વારસાની એક અમીટ છાપ છોડી છે. કેટલાકે મંદિરો બંધાવ્યા તો કેટલાકે શિલાઓ કોતરી તેમના અસ્તિત્વના પુરાવા આપ્યા છે. તમિલનાડુના શિવગંગા જિલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામ 'પિલ્લાઇયારપટ્ટી' સમગ્ર રાજ્યમાં સૌથી જૂનું મંદિર છે, જે શ્રદ્ઘાળુઓના મનમાં વિશેષ સ્થાન ધરાવે છે. ગજાનનને દર વર્ષે વિનાયક ચતુર્થી નિમિત્તે 'કોઝુકટ્ટાઇ'નો ભોગ ધરાવવામાં આવે છે, અર્થાત 100 કિલોનો વિશાળ મોદક!
આ મંદિર 273 ફૂટની ઉંચાઇ પર આવેલું છે જેના દર્શન માટે ભક્તોને 437 પગથિયા ચડીને જવું પડે છે. મંદિરમાં ભગવાન શિવની પણ વિશાળકાય મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. તેમજ ખડકો પર તમિલનાડુના પલ્લવ અને પાંડિય વંશના શાસકોની મૂર્તિઓ પણ અહીં જોવા મળે છે. કિવદંતી છે કે ભગવાન શ્રીગણેશ કાગસ્વરૂપ લઇ કોડાગુની પર્વતમાળાઓ તરફ ઉડ્યા હતા. તેમના અવાજથી ત્યાં ધ્યાન ધરી રહેલા અગસ્ત્ય મુનિના કમંડળમાંથી પાણી ઢોળાયું હતું અને દક્ષિણ ભારતની ગંગા કહેવાતી કાવેરી નદીનો જન્મ થયો. આથી કહેવામાં આવે છે કે કાવેરી નદીનું ધ્યાન રાખવા માટે જ ભગવાન ગણેશ પર્વતની ટોચ પર બિરાજમાન થયા છે. મોટાભાગે તમિલનાડુમાં ખડકોની કોતરણીમાંથી બનેલી પ્રતિમાઓ ભગવાન વિષ્ણુની છે અથવા કાર્તિકેયની છે, ભગવાન ગણેશની આ એક જ પ્રતિમા છે જે આ પ્રકારે ખડકમાંથી નિર્માણ પામી છે.
તમિલનાડુનું 'ઉચ્ચી પિલ્લઇયાર' મંદિર કહેવાય છે દક્ષિણનું કૈલાશ એકવાર ભગવાન શ્રીગણેશ રાવણના ભાઇ વિભીષણ સમક્ષ બાળકના સ્વરુપમાં પ્રગટ થયા હતા. વિભીષણના હાથમાં ભગવાન શ્રીરામની પ્રતિમા હતી જેને તેમણે ભગવાન શ્રીગણેશને સાચવવા આપી અને તેઓ સ્નાન માટે જતા રહ્યા. આ એવી પ્રતિમા હતી જેને જમીન પર મૂકતા જ તે ત્યાં સ્થાપિત થઇ જાય અને તેને ત્યાંથી ફરી ઉખાડી શકાય નહી. વિભીષણ જ્યારે સ્નાન કરીને પાછા આવ્યા ત્યારે તેમણે જોયું કે બાળ સ્વરૂપે આવેલા ભગવાન ગણેશે પ્રતિમા જમીન પર મૂકી દીધી હતી. આથી વિભીષણ રોષે ભરાયા અને દૂર પર્વતમાળાઓમાં તેમનો પીછો કર્યો. આ પર્વતોમાં જ ભગવાન શ્રીગણેશે તેમના મૂળ સ્વરૂપમાં વિભીષણને દર્શન આપ્યા અને જણાવ્યું કે તેઓ સ્વયં ભગવાન શ્રીરામની પ્રતિમાને અહીં સ્થાપિત કરવા માંગતા હતા. તો અંજનેયનો પણ આ મંદિર સાથે અનેરો સંબંધ છે, તેમના જ તપથી પ્રસન્ન થઇને શંકર ભગવાને તેમને આ મંદિરમાં દર્શન આપ્યા હતા.
મંદિરના અંદરના ભાગમાં ઇસવીસન પૂર્વ 580માં પલ્લવ વંશના શાસકોએ ખડક કોતરીને બંધાવેલા શિલ્પો મળી આવે છે. પલ્લવ વંશના શાસકો યુદ્ધમાં હાર પામતા આ મંદિર પાંડિય શાસકોના તાબામાં આવ્યુ હતું. ત્યારબાદ દસમી સદી સુધી ચોલવંશના શાસકો હેઠળ મંદિરનો કબજો રહ્યો. ક્યાંક મદુરાઇના નાયક વંશના રાજાઓ અને બીજાપુરના સુલતાન વચ્ચેનું યુદ્ધ , તો ક્યાંક આ દિવાલો પર દસમી સદીમાં જૈન મુનિઓની ઉપસ્થિતીની ચાડી ખાતા શિલાલેખો પણ જોવા મળી રહ્યા છે.
ભારતવર્ષના અનેક શાસકો વચ્ચેના યુદ્ધ અને સંઘર્ષના ઇતિહાસના 'ઉચ્ચી પિલ્લઇયાર' શ્રીગણેશ સાક્ષી રહ્યા છે. વિજયનગર સામ્રાજ્યના પતન બાદ મદુરાઇના રાજાઓએ મંદિર પોતાને હસ્તક લઇ અન્ય બાંધકામ કરાવ્યું અને તેના વિસ્તરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મદુરાઇના નાયક વંશના રાજાઓ અને બીજાપુરના સુલતાન વચ્ચેનું યુદ્ધ, મરાઠા પેશવાઇ અને કર્ણાટકના શાસકોના સંઘર્ષ બાદ આખરે આ મંદિર બ્રિટીશ શાસકોના કબજા હેઠળ આવ્યું હતું. ઇતિહાસ કે દંતકથા ગમે તે હોય, પણ 'પિલ્લઇયાર' કાવેરીના પ્રવાહ પર નિયંત્રણ રાખે છે તે માન્યતા હજી પણ આ પહાડોમાં ક્યાંકને ક્યાંક ગુંજી રહી છે.